Gujarati News

Gujarati News

News of Wednesday, 26th July 2017

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સ્થિત પોલીસ સ્ટેશનમાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નર ખુલ્લુ મુકાયું

ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક સરોજકુમારી (આઇપીએસ), જીલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઇ યાદવ, પાલિકા પ્રમુખ બીનાબેન મહેતાની ઉપસ્થિતિ

રાજકોટ તા.૨૬ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સ્થિત 'સ્માર્ટ'પોલીસ સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નર જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું. મેઘાણી-સાહિત્યથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય તે હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા સ્થાપના થઈ છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી ૨૮ ઓગસ્ટ ૨૦૧૭નાં રોજ છે તેથી આનું સવિશેષ મહત્વ છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સરોજકુમારી (આઈપીએસ), બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ભીખુભા વાદ્યેલા, રાણપુર એ.પી.એમ.સી. ચેરમેન નરેન્દ્રભાઈ દવે, બોટાદ પી.આઈ. સી. બી. ગામીત, પી.એસ.આઈ. જે. બી. પરમાર, ડી. વી. ડાંગર, વી. ડી. ધોરડા, વિનુભાઈ સોની, રાણપુર પૂર્વ-સંરપંચ જીવાભાઈ રબારી, બાપુભાઈ ધાધલ, સામતભાઈ જેબલીયા, વાલજીભાઈ પિત્રોડા સહિત સાહિત્ય-પ્રેમીઓ, નગરજનો અને પોલીસ-પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં.

ઝવેરચંદ મેઘાણીનો પોલીસ પરિવાર સાથે વિશેષ લાગણીભર્યો નાતો હોવાનું જણાવીને પોલીસ અધિક્ષક સરોજકુમારીએ ભાવભરી અંજલિ આપી હતી. ઝવેરચંદ મેઘાણીની મેધાવી અને બહુમુખી પ્રતિભા : સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર્ય-સેનાની, સમાજ-સુધારક, વિચારક, વકતા, ગાયક વિશે વિસ્તૃત માહિતી આપી. પોલીસ સ્ટેશને પોતાના પ્ર'ોનાં નિરાકરણ માટે આવતા નગરજનો તેમ જ પોલીસ-પરિવાર 'મેઘાણી-સાહિત્ય'કોર્નરમાં રખાયેલાં પુસ્તકોને વાંચીને પ્રેરિત થશે તેવી આશા વ્યકત કરી હતી. વિદ્યાર્થીઓ અને મહિલાઓને આ સુવિધાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. બોટાદ સાથે ઝવેરચંદ મેઘાણીના લાગણીસભર સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યાં હતાં. ભારે વરસાદ વચ્ચે પણ કુસુમબેન અને પિનાકીભાઈ, લાગણીથી પ્રેરાઈને, આ કાર્યક્રમ માટે બોટાદ આવ્યા તેની સહુએ પ્રશંસા કરી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો આ 'મેઘાણી-સાહિત્ય'કોર્નરમાં મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના', 'સિંધુડો', 'રવીન્દ્ર-વીણા', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયા છે. ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં ઝવેરચંદ મેઘાણીએ ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે અને વિવિધ સ્મૃતિ કાર્યક્ર્મોમાં લાગણીથી સહયોગ આપે છે. મેઘાણી-સાહિત્ય'કોર્નર માટે બોટાદ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી પોલીસ અધિક્ષક સરોજકુમારી (આઈપીએસ) અને બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તરફથી પુસ્તકો ભેટ અપાયા છે. કાચનાં આકર્ષક પુસ્તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે. પોતાનાં દાદાજી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં પિનાકી મેઘાણીએ આ અનોખા અભિયાનની પરિકલ્પના કરી છે.

ઝવેરચંદ મેઘાણીનું  નિધન  ૯ માર્ચ  ૧૯૪૭નાં રોજ  પચાસ વર્ષની વયે બોટાદ ખાતે સાળંગપુર રોડ પર, રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસ્થાનમાં થયેલું. આ નિવાસસ્થાન તેમણે ૧૯૩૩માં બંધાવેલું. બોટાદ સાથે તેમના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓ ને સ્મૃતિઓ સંકળાયેલી છે. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં. રાણપુરથી પ્રકાશિત થતા સાપ્તાહિક અખબાર 'ફૂલછાબ'ના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા નિયમિત આવ-જા કરતા.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

અમદાવાદ - ૩૮૦૦૧૫

(11:26 am IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST