Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સરકારી મહેમાન

PMOમાં PK મિશ્રા અને નૃપેન્દ્ર મિશ્રા નહીં હોય, બે નવા ગુજરાતી ઓફિસરો આવશે

ચીફ સેક્રેટરી જેએન સિંઘ ને એક્સેટેન્શન મળશે અને કે. કૈલાસનાથન દિલ્હી જશે: રાજકીય હનુમાન-- વાજપેયી પાસે પ્રમોદ મહાજન હતા, મોદી પાસે અમિત શાહ: કોઇ સાંસદ રેકોર્ડ બનાવે તે હાલના નેતાઓને ગમતું નથી, 'કીક-આઉટ' થાય છે

લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં મોદી સરકાર આવશે તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કેટલાક મહત્વના ફેરફારો તોળાઇ રહ્યાં છે. હાલ વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા અને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી ડો. પીકે મિશ્રા તેમની જગ્યાએ હશે તે માનવું ભૂલભરેલું છે. આ બન્ને મિશ્રાની ફરીથી નિયુક્તિ થવાની સંભાવના નહીંવત છે. એ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટરના સેક્રેટરી ભાસ્કર ખુલબે, એડિશનલ સેક્રેટરી તરૂણ બજાજ, જોઇન્ટ સેક્રેટરી દેબશ્રી મુકરજી, પ્રાઇવેટ સેક્રેટરી રાજીવ ટોપનો અને ઓએસડી સરત ચંદરને પણ નવા પોસ્ટીંગ મળી શકે છે. મોદી તેમના કાર્યાલયમાં મોટા ફેરફારો કરી શકે છે. હાલ પીએમઓમાં 42 ઓફિસરો મહત્વના પદ પર છે. જગદીશ ઠક્કરના અવસાન પછી પીએમઓમાં પીઆરઓની જગ્યા ખાલી પડી છે પરંતુ નવી સરકારની રચના થયા પછી નવા પીઆરઓ આવે તેવી સંભાવના છે. હાલ પીએમઓમાં ગુજરાતના છ ઓફિસરો છે જે પૈકી બે ઓફિસરો-- કોમ્યુનિકેશન એન્ડ આઇટીના ઓએસડી ડો. હિરેન જોષી અને એડીશનલ સેક્રેટરી અરવિંદ કુમાર શર્મા યથાવત રહે તેમ છે. કેન્દ્રની એનડીએ સરકારમાં ત્રણ ઓફિસરો નવા લેવાના થશે.

મોદી સરકાર બની તો કૈલાસનાથન દિલ્હી જશે...

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને અને એનડીએ-2ની રચના થાય તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન પીએમઓમાં જઇ શકે છે. તેમનો ગુજરાતમાં ટેન્યોર હજી બાકી છે પરંતુ મોદી તેમને દિલ્હી લઇ જાય તેવી સંભાવના છે. બીજી તરફ રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જગદીપ નારાયણ સિંઘની વયનિવૃત્તિ 31મી મે ના રોજ છે એટલે કે ચૂંટણીના પરિણામ પછી તેઓ નિવૃત્ત થશે. સામાન્ય રીતે ચીફ સેક્રેટરીને છ મહિના સુધી એક્સટેન્શન આપી શકાતું હોય છે તેથી ગુજરાત સરકારની ભલામણ પ્રમાણે સિંઘ ને ત્રણ કે છ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. જો તેમ થશે તો તેમના પછી ચીફ સેક્રટેરી બની શકે છે તેવા બે સિનિયર આઇએએસ ઓફિસરો આ સુપ્રીમ પદ ભોગવ્યા વિના જ વયનિવૃત્ત થશે. હાલ તો નાણા વિભાગના એસીએસ અરવિંદ અગ્રવાલ સિનિયોરિટીમાં ટોચક્રમે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી કોઇ કમાલ કરે તો નવાઇ પામવા જેવું નથી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી મે મહિનાના અંતમાં અથવા તો જૂનના પ્રારંભે રાજ્યના વહીવટી તંત્રના બે ડઝનથી વધારે સિનિયર ઓફિસરોની ફેરબદલ થાય તેવી સંભાવના છે.

કોંગ્રેસને હરાવવી હોય તો મોદીની જરૂર નથી...

કોંગ્રેસને હરાવવા માટે ભાજપ કે મોદીની જરૂર નથી, કારણ કે કોંગ્રેસમાં જ એકબીજાના એટલા બધા વિરોધીઓ છે કે મોદીનું કામ આસાન કરી નાંખે છે.’ આ વાક્ય હવે ચવાઇ ગયું છે, કેમ કે 1995 પછી ગુજરાતમાં આવેલી તમામ ચૂંટણીના પરિણામો પછીની સમીક્ષામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને આ શબ્દો જ સાંભળવા મળ્યા છે. અમારા વિસ્તારમાં આ એક ઉમેદવાર છે જે ચૂંટણી જીતી શકે છે તેથી આ વખતે ટીકીટ તો તેને જ આપજો...એવી ઉદારતા કોંગ્રેસના એકપણ સિનિયર નેતામાં રહી નથી. બીજાના ટાંટીયા ખેંચીને ઉપર આવનારા નેતાઓની અછત નથી. બીજી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા એક પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે અમારા વિધાનસભા મત વિસ્તારમાં મને એક નેતાએ કહ્યું હતું કે “આપણા વિસ્તારમાં સિનિયર મોસ્ટ એક નેતા છે જેઓ ચૂંટણી ક્યારેય જીત્યા નથી, પણ તમારે તેમને સરન્ડર થઇને ચૂંટણી લડવી પડશે, કારણ કે આ નેતાની દિલ્હીમાં વગ છે.”... જો કે આ પૂર્વ ધારાસભ્ય પેલા નેતાને વશ ન થયા, પરિણામ એ આવ્યું કે લાખોનો ખર્ચ કરવા છતાં છેલ્લી બે ચૂંટણીમાં તેઓ વિજયી બની શક્યા નહીં... કારણ સાફ છે ; કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટે પેલા નેતાએ ભાજપના ઉમેદવાર પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા હતા! રૂપિયા લઇને પાર્ટીના ઉમેદવારોની વિરૂદ્ધમાં કામ કરવું એવી કોંગ્રેસના નેતાઓને આદત પડી ગઇ છે.

મિનરલ બોટલો શરૂ કરી ત્યારથી ટેક્સ આવ્યા...

આપણા વડીલો કહેતા હતા કે પાણી પીવા માટે રૂપિયા આપવાના હોય... લોકો પાણી માટે પરબ બનાવે છે. જો કે હવે હકીકત અલગ થઇ છે. કુદરતી રીતે મફત મળતા અઢળક પાણીનો સરકારે વેપાર શરૂ કર્યો છે. નર્મદાનું જળ આપણને મફતમાં પીવા મળતું નથી. સરકાર તેના રૂપિયા વસૂલ કરે છે. સામાન્ય જનતા જ નહીં, ઉદ્યોગો અને ખેડૂતો પણ પાણીના દામ ચૂકવે છે. સરકાર હવે આપણને પાણી મફતમાં આપવા માગતી નથી, કારણ કે સરકાર વેપારી બની ચૂકી છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’.. આપણે મતદારો ભિખારી બની ગયા છીએ, કારણ કે સરકાર દામ ચૂકવીએ છીએ. આ વાત એટલા માટે યાદ આવી કે સરકારે નર્મદા પાણીના દરો વધાર્યા છે. આ ભાવ સ્થિર રહેવાની કોઇ ગેરંટી નથી. મજાની વાત એવી છે કે આપણે બિસલરીની બોટલમાં 20 રૂપિયાનું એક લીટર પાણી જ્યારથી પીવાનું શરૂ કર્યું ત્યારથી સરકારે પાણીના ભાવ નક્કી કરી દીધા છે. ગાંધીનગરમાં નર્મદાનું પાણી આવે છે છતાં સચિવાલયમાં મિનરલ કલ્ચર છે. સરકાર એ બતાવવા માગે છે કે અમે પણ પાણીના દામ ચૂકવીએ છીએ, તો જનતાએ આપવા પડે. કુદરતી પાણીના રૂપિયા પેદા કરો અને સરકારી તિજોરી ભરો...

સરકારને દેવું કરવું ગમે છે, 3 લાખ કરોડને પાર હશે...

ગુજરાત સરકારનું જાહેર દેવું આગામી બે વર્ષના અંતે વધીને ત્રણ લાખ કરોડ થવાની સંભાવના છે. નાણા વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ 2018ના અંતે જાહેર દેવું વધીને 2.17 લાખ કરોડ થયું છે. જાહેર દેવું એ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. દેવાના ઘટકો બદલાતાં સરકારને હવે કેન્દ્રની લોન ઓછી મળે છે અને બજાર લોન વધારે લેવી પડે છે. ગુજરાત સરકારના બજેટ ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે માર્ચ 2019ના અંતે દેવું વધીને 2.38 લાખ કરોડ અને માર્ચ 2020 સુધીમાં તે 2.66 કરોડ થવાનો અંદાજ છે. એ જ પ્રમાણે માર્ચ 2021માં જાહેર દેવાનો આંકડો 2.96 કરોડ સુધી પહોંચી શકે છે. ગુજરાત સરકારનું જાહેર દેવું 31મી માર્ચ 2018ના રોજ વધીને 217337 કરોડ રૂપિયા થયું છે જે એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના 16.46 ટકા જેટલું થાય છે. સરકારના જાહેર દેવામાં બજારલોન, પાવર બોન્ડ્સ, કેન્દ્ર સરકારની લોન અને પેશગી, નાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો પાસેથી લીધેલી લોન તેમજ એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે. નાણા વિભાગના સૂત્રો જણાવે છે કે 2009 થી 2017ના વર્ષો દરમ્યાન દેવાના ઘટકોમાં ફેરફારો થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 3.29 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફ લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 23.26 ટકા થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 68.28 ટકા થયો છે. જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે. રાજ્યના દેવા પોર્ટફોલિયો પરથી જોવા મળે છે કે 199338 કરોડ રૂપિયાના કુલ જાહેર દેવામાં બજાર લોનનો મોટો હિસ્સો છે જે કુલ જાહેર દેવાંના 68.28 ટકા છે. નાણાકીય વર્ષ 2017-18માં કુલ દેવાનો સુધારેલો અંદાજ 217337 કરોડ રૂપિયા હતો.

એમપી રેકોર્ડ બનાવે તે પાર્ટીને ગમતું નથી...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ જોઇએ તો ત્રણ ઉમેદવારો એવાં છે કે જેમણે સાત-સાત ટર્મ સુધી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ત્રણ પૈકી બે કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસના છીતુભાઇ ગામિત અને સોમજી ડામોર તેમજ ભાજપના હરિન પાઠકને આ ગૌરવ પ્રદાન કરી શકાય તેમ છે. નેતાઓએ સળંગ સાત લોકસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યા પછી સક્રિય રાજનીતિમાંથી આઉટ થઇ ચૂક્યાં છે. ભાજપના રતિલાલ વર્મા અને કાશીરામ રાણા એવા નેતાઓ છે કે જેમને મોકો મળ્યો નહીં નહીં તો તેઓ પણ આ યાદીમાં સામેલ થઇ શક્યા હોત. આ બન્ને પૂર્વ સંસદસભ્યો છ-છ ટર્મ સુધી સંસદસભ્ય તરીકે સળંગ કારકિર્દી ભોગવી ચૂક્યાં છે. ગુજરાતના પાંચ પૂર્વ સંસદસભ્યો એવાં છે કે જેઓએ પાંચ-પાંચ ટર્મ સળંગ પસાર કરી છે જેમાં ભાજપના રાજેન્દ્રસિંહ રાણા, ડો. એકે પટેલ અને ચન્દ્રેશ કોરડિયા, કોંગ્રેસના દિનશા પટેલ અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આમ તો ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગાંધીનગરના વીવીઆઇપી ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી પણ છ ટર્મથી વિજેતા થઇ રહ્યાં હતા પરંતુ આ વખતે પાર્ટીએ અડવાણીને દૂર કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરની લોકસભા બેઠક આપી છે, નહીં તો તેઓ નંબર સેવનની ક્લબમાં આવી શક્યા હોત...

રાજકારણમાં નેતાઓ પાસે હનુમાન હોય છે...

ગુજરાતના રાજ્યસભાના સભ્ય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મહેતન લોકસભામાં રંગ લાવશે તો આખું ભાજપ તેમને ફુલડે વધાવશે તેવી આગાહી કરવામાં ખોટું નથી. ભાજપના જ એક સિનિયર નેતાના શબ્દો છે કે, “અમિતભાઇ ગુજરાતની 26 બેઠકોનો હવાલો સંભાળી રહ્યાં છે ત્યારે તેમને 2019માં એવો દરજ્જો મળવાનો છે કે જ્યાં કોઇ નેતાને પહોંચવા વર્ષોવર્ષ મહેનત કરવી પડે છે.” અમિત શાહે તેમની રાજકીય કારકિર્દીમાં રોપેલાં બીજ આજે યુવાન થઇ ગયા છે. ભાજપની ઓફિસમાં મોદીના વફાદાર એવા એક યુવા નેતાએ કહ્યું હતું કે-- અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રમોદ મહાજન હનુમાન હતા તેમ અમિત શાહ એ નરેન્દ્ર મોદીની સરકારના હનુમાન છે, જે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટીંગ છે. ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી સાથે કોઇને કોઇ હનુમાન હોય છે. ચીમનભાઇ પટેલની સરકારમાં નરહરિ અમીને હનુમાન જેવી ભક્તિ કરી હતી. કેશુભાઇ પટેલની સરકારમાં કાન્તિ અમૃતિયા હતા. ખુદ કાન્તિભાઇએ કહ્યું હતું કે-- હું તો કેશુભાઇનો હનુમાન છું. શંકરસિંહ વાઘેલાની સરકારમાં એકદમ નિકટના સાથી તરીકે ગણના કરવી હોય તો વિપુલ ચૌધરીનું નામ લેવું પડે છે. સુરેશ મહેતાની સરકારમાં વજનદાર નહીં પણ નજીકના સાથી તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ હતા. આનંદીબહેન પટેલની સરકારમાં શંકર ચૌધરી અને વિજય રૂપાણીની સરકારમાં પ્રદીપસિંહ જાડેજા હનુમાન છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:55 am IST)