Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પુરૂષોતમ -સ્‍તવન

ઓ પ્રભુ! સર્વ વ્‍યાપક, સર્વજ્ઞ અને સર્વ શકિતમાન...!

પ્રેમ એ જ પરમાત્‍મા સત્‍ય એજ ઇશ્વર...!

પરમ કૃપાળુ પરમાત્‍માને મેળવવા માટે એકાંતમાં સાધના કરવી પડે. સંસાર પણ છોડવો પડે. હૈયે જયાં લગી સંસાર વળગેલો હોય ત્‍યાં સુધી પ્રભુ મળે નહી સંસારની વચ્‍ચે વસીને સંસારથી દુર રહેવું તે અધ્‍યાત્‍મનું મહત્‍વપૂણ પાસું છે. એકલતા જીવનની સચ્‍ચાઇ છે. તેમ છતાંય માનવી જીવનભર સાથ શોધતા રહે છે. મનને કેળવવા માટે મનને ખાલી કરવું પડે. રાગ દ્વેષ ઓછા કરવા પડે. આ બધું કર્યા વિના મનની અંદરની ભીડ ઓછી થતી નથી.

યાદગાર દિવસો એટલે એવા દિવસો જે જીવનને શુભ ભાવોથી ઉત્તમતાથી ભરી દે. પરમાત્‍માને પામવા માટે ભાવની ખરી અગત્‍યતા છે. સંતો મહાપુરૂષો પ્રભુમાં અપાર શ્રધ્‍ધા રાખીને રાત-દિવસ પ્રભુ સ્‍મરણ કરતાં રહીને જીવનને ધન્‍ય બનાવે છે. ભાવનું જ મહત્‍વ છે. અને ભાવ દ્વારા જ પરમાત્‍માની પ્રાપ્તી થાય છે. પ્રભુને પામવા માટે જીવનમાં શ્રધ્‍ધા રાખો વિશ્વાસ રાખો, ભરોસો રાખો. આજ જીવનનું સાચું લક્ષ્ય છે.

પ્રભુને પુરી શ્રધ્‍ધા અને ભાવનાથી ભજતા  રહીએ. તેમાં જ જીવનની સાર્થકતા સમાયેલી છે.

આપણામાં ભકિતભાવ જાગવો એ આપણાં કોઇક સત્‍કૃત્‍યોનું જ પરિણામ છે. કોટી જન્‍મ સુકૃત ફળે તો જ ભકત થઇ શકાય.

આપણે સૌ સંસારના રાગદ્વેષ, કાવાદાવા, માન અપમાન, જેવા દ્રંદોમાં એવા તો ફસાઇ જઇએ છીએ કે જીવન પુરૂ થઇ જાય તો ય આપણે તેમાંથી બહાર નીકળી શકતા નથી. આવા સમયે કોઇ સંત કે ગુરૂ જ આપણને સાચુ દિશા સુચન કરી શકે. સમજ આપી શકે છે.

સંપૂર્ણ શરણાગતિ સાથે દેવ-ગુરૂને શરણે જશો તો જરૂરથી પરમતત્‍વ સુધી પહોંચી શકશો.

પ્રેમ એજ પરમાત્‍મા, સત્‍ય એ જ ઇશ્વર, શાંતિ એ જ પરમેશ્વર, અને જ્ઞાન એ જ ભગવાન શકિત એ જ વિભુ, પરમાનંદ એ જ પ્રભુ, એ તો તમારા હૃદયમાં જ વસે છે. એ તમારો સાચો ખરો મિત્ર અને સાથી છે. એ તમારા ખરા  માતા-પિતા છે. એમનો સાક્ષાત્‍કાર કરો અને શાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત કરો....!

ઓ કરૂણામૂર્તિ પરમ કૃપાળુ પ્રભુ.

આપને નમસ્‍કાર,

તું સર્વ વ્‍યાપક, સર્વજ્ઞ, અને સર્વશકિતમાન છે.

પ્રગટયા શ્રી પુરૂષોત્તમ કંકુના પગલે,

સોના છરી એ બાળની નાળ પધારી રે....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:54 am IST)