Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સરકારી મહેમાન

‘યોગઃ કર્મસુ કૌશલમ્‌' : માત્ર હિન્‍દુ અને બૌદ્ધ જ નહીં ઇસ્‍લામ ધર્મમાં પણ યોગનો પ્રભાવ

જૂનાગઢના નયન વૈશ્વવની યોગ, સંગીત અને આયુર્વેદના સમન્‍વયથી રોગ સામે રાગની થેરાપી : કહેવાય છે કે જૂના યોગનો જયાં અંત આવે છે ત્‍યાં શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે : યોગ દિવસ ઉજવવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને વિશ્વના ૧૯૩ દેશોએ સંમતિ આપી હતી

યોગ એ ભારતમાં જન્‍મેલી શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. આ શબ્‍દ હિન્‍દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્‍યાન પ્રક્રિયાથી સબંધિત છે. જૈન અને ઇસ્‍લામ ધર્મમાં પણ યોગની ક્રિયાઓ જોવા મળે છે. આજે ચીન હોય કે અમેરિકા પ્રત્‍યેક કન્‍ટ્રી યોગનો સાક્ષાત્‍કાર કરી ચૂકી છે. યોગ એ માનસિક અને નૈતિક મૂલ્‍યો સંબંધી શિક્ષણ છે. સંસ્‍કૃત શબ્‍દ યોગનો શબ્‍દશઃ અર્થ ‘યોક' થાય છે. આથી યોગને વ્‍યકિતની આત્‍માના સર્વવ્‍યાપી ભગવાનની પરમાત્‍મા સાથેના જોડાણના એક સાધન તરીકે પરિભાષિત કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્‍ણે યોગની ખૂબ જ સુંદર અને સચોટ વ્‍યાખ્‍યા કરી છે, ‘યોગઃ કર્મસુ કૌશલમ' કર્મકુશળતાને યોગ કહેવામાં આવ્‍યો છે. ૨૧મી જૂન ૨૦૧૫ એ વિશ્વના દેશો માટે એટલા માટે મહાન છે કે આ દિવસને સંયુક્‍ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસ તરીકે પસંદ કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧૭મી સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ના રોજ સંયુક્‍ત રાષ્ટ્રની મહાસભાના ૬૯મી સત્રને સંબોધન કર્યું હતું ત્‍યારે તેમણે વિશ્વને આંતરરાષ્ટ્રીય યોગ દિન અપનાવવાની અપીલ કરી હતી જેને રાષ્ટ્રના ૧૯૩ દેશોએ ૧૧મી ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ સંમતિ આપી હતી. નવી દિલ્‍હીમાં પ્રથમવાર યોગ દિવસની ઉજવણી થઇ ત્‍યારે વિશ્વના ૮૪ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને કુલ ૩૫૯૮૫ લોકો યોગમાં એકસાથે સહભાગી થયા હતા જે એક વિશ્વ વિક્‍મ હતો. આજે સાતમો યોગા દિવસ છે.

 અમેરિકામાં યોગનો પ્રારંભ મહેશ યોગીએ કરાવ્‍યો હતો

પૃથ્‍વી ઉપર જેની અપાર સરાહના થઇ રહી છે તેવા ભારતીય યોગનું શિક્ષણ એ વિશ્વમાં ભવિષ્‍યની સંસ્‍કૃતિ બનવાનું તેજ ધરાવે છે. હિન્‍દુ ધર્મમાં નહીં માનનારો સમાજ પણ યોગના શરણે આવી રહ્યો છે. ઓક્‍સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક વિલિયમ્‍સે તો સ્‍વીકાર્યું છે કે યોગ માનસિક બિમારીઓ દૂર કરવા માટેનો શ્રેષ્ઠ,સસ્‍તો અને સરળ ઉપાય છે. અમેરિકા જેવા રાષ્ટ્રમાં વર્તમાન સમયમાં યોગનો પ્રવેશ આમ તો મહેશ યોગીએ ૧૯૬૧માં કરાવ્‍યો હતો. મહેશ યોગીએ ૧૯૬૬માં અમેરિકામાં સ્‍ટુડન્‍ટ્‍સ ઇન્‍ટરનેશનલ મેડિટેશન સોસાયટીની સ્‍થાપના કરી એ સાથે જ વિદ્યાર્થીઓમાં યોગની લોકપ્રિયતાની શરૂઆત થઈ હતી, એ પછી બીજા યોગગુરૂઓ આવતા ગયા અને લોકોએ યોગને આધુનિક સ્‍વરૂપમાં રજૂ કરીને તેની લોકપ્રિયતામાં વધારો કર્યો. આ લોકપ્રિયતાના કારણે ૨૦૦૩માં લોસ એન્‍જલસની કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટી દ્વારા યોગની વિદ્યાર્થીઓ પર થતી અસર અંગે એક અભ્‍યાસ કરાયો હતો. આ અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે યોગ કરતા વિદ્યાર્થીઓના વર્તનમાં સુધારો થાય છે, તેમની શારીરિક તંદુરસ્‍તી તથા શિક્ષણમાં સુધારો થાય છે. આ ઉપરાંત તેમનામાં વધારે આત્‍મવિશ્વાસ પેદા થાય છે. એ જ વરસે લેઇપઝિગ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે વિદ્યાર્થીઓમાં યોગના કારણે નિસહાયતાની ભાવના તથા આક્રમકતા ઘટે છે તથા લાંબા ગાળે તેમનામાં ભાવનાત્‍મક સંતુલન જોવા મળે છે.

 ફ્રાન્‍સ માને છે કે શરીર અને મનની વેદના દૂર થાય છે

હકીકતમાં યોગ ગુહ્યતમ વિદ્યા છે. યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગનો પ્રારંભ બ્રહ્માજી દ્વારા થયો હતો. વૈદિક ઋષિઓએ બ્રહ્મવિદ્યાની સાથે જ યોગવિદ્યાનો આવિષ્‍કાર કર્યો હતો. યોગના માર્ગે ઊંડા ઊતરેલા અનુભવી વિશારદો કહે છે કે યોગના માધ્‍યમથી અનેક પ્રકારની શારીરિક પીડાઓ, ચેતસિક વ્‍યથાઓ, માનસિક અને ભાવનાજન્‍ય દર્દો ઉપર ખૂબ પ્રમાણમાં નિયંત્રણ લાવી શકાય છે. શારીરિક-માનસિક તનાવ તો સાધારણ યોગાભ્‍યાસથી પણ નિવારી શકાય છે. આસનોનો નિયમિત અભ્‍યાસ કરો તો પણ શારીરિક તણાવથી બચી શકો છો. લાઇફ મિશન ભારતીય સંસ્‍કૃતિના પુનરૂત્‍થાનનું કાર્ય કરે છે અને તે ૧૯૭૬થી યોગ વિદ્યાલય પણ ચલાવે છે જેની વિશેષતા એ છે કે આ સંસ્‍થા દ્વારા યોગ શીખવવા માટે એકપણ પૈસો લેવામાં આવતો નથી. ફ્રાન્‍સના સુપ્રસિદ્ધ મનોચિકિત્‍સક ડો. વેર્થેલિયરે પણ યોગાભ્‍યાસીઓ પર કરેલાં પરીક્ષણો પછી તારણ કાઢ્‍યું છે કે ‘ધ્‍યાન અને યૌગિક પ્રક્રિયાઓના નિયમિત અભ્‍યાસથી જ શરીર-મનની વેદનાઓ દૂર થાય છે. અને માનસિક શક્‍તિનો વિકાસ થાય છે. જે નિયમિત યોગાભ્‍યાસ આસન, પ્રાણાયામ કરે છે તેની સ્‍ફૂર્તિ, ચેતના, કાર્ય-દક્ષતા, સ્‍મૃતિ-મેધા જેવી શક્‍તિઓ વિકસે છે, જીવનનો કોઈપણ આયામ કોઈપણ ક્ષેત્ર તેના આરોહણ માટે સફળતા બક્ષે છે.

યોગામાં ૯૯ ટકા પ્રેક્‍ટિકલ, ૧ ટકો થિયરી હોય છે

૨૧મી સદીનો સૌથી પ્રચલિત શબ્‍દ હોય તો તે યોગ છે. ભારત નામમાં ‘ભા' એટલે પ્રકાશ-જ્ઞાન, ‘રત' એટલે સતત ગતિ.... જે ભૂમિ સતત જ્ઞાન અને પ્રકાશની ઉપાસના કરે છે તે પુણ્‍ય ભૂમિને ભારત કહે છે. ભારતીય સંસ્‍કૃતિની પણ વિવિધતા છે. પંચામૃત, પંચપ્રાણ, પંચ બ્રાહ્મણ, પંચવૃક્ષ, પંચાગ્નિ, પંચાજીરી, ષડઋતુ, વિક્રમ સંવતના બાર માસ, ગીતાના અઢાર અધ્‍યાય, ગીતાના ત્રણ ઘટક - કર્મ યોગ, ભક્‍તિ યોગ અને જ્ઞાન યોગ, અષ્ટ સૌભાગ્‍ય, ત્રિગુણ, નવરત્‍ન, ત્રિતાપ, સપ્તસ્‍વર અને ભારતીય પંચાગ. પ્રાચીન બૌદ્ધ સંપ્રદાય એ ધ્‍યાન કેન્‍દ્રિત કરતી અવસ્‍થાઓમાં પોતાના વ્‍યવહારમાં સમાવી હતી. બુદ્ધના શરૂઆતના ઉપદેશોમાં યોગ વિચારોની સૌથી જૂની સતત અભિવ્‍યક્‍તિ જોવા મળે છે. બુદ્ધનો એક નવીન અને મહત્‍વપૂર્ણ ઉપદેશ એ હતો કે ધ્‍યાન કેન્‍દ્રીત કરવા માટેની અવસ્‍થાઓને સંપૂર્ણ અભ્‍યાસ સાથે જોડવી જોઇએ. કહેવાય છે કે યોગામાં ૯૯ ટકા પ્રેક્‍ટિકલ અને એક ટકો થિયરી છે.

અમેરિકામાં છ વર્ષમાં ૪૦ ટકા લોકોને યોગાનો ક્રેઝ...

સંસ્‍કૃતમાં યોગના અનેક અર્થ છે. યોગ શબ્‍દ મૂળ ‘યુજ'માંથી ઉતરી આવ્‍યો છે. ‘યુજ' એટલે નિયંત્રણ મેળવવું. એકત્ર કરવુ. જોડાણ કરવું. યોગનું વૈકલ્‍પિક મૂળ ‘યુજિર સમાદ્યૌ' છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી તેવો થાય છે. જૂનાગઢના એક યુવાન નયન વૈશ્વવે યોગ, ભારતીય સંગીત અને આયુર્વેદના સમન્‍વયથી મહા મૃત્‍યુજય મંત્રને ૧૫ રાગમાં ટાળીને રોગ સામે રાગની મ્‍યુઝીક થેરાપી વિકસાવી છે અને તેના દ્વારા દર્દીઓને રાહત મળ્‍યાના દાખલા છે. આ થેરાપી તેણે આયુર્વેદના તબીબોને આપી છે. કેનેડા હેલ્‍થ સેન્‍ટરના ડીને તેમના રિસર્ચ સેન્‍ટરમાં આ રાગ થેરાપીનો પ્રયોગ કર્યો છે. આ રાગ થેરાપીમાં બીપી, ડાયાબિટીશ, તનાવ, હાઇપર ટેન્‍શન હૃદયરોગ તથા મગજના દર્દીને યોગની ખાસ પ્રકારની મુદ્રામાં બેસાડવામાં આવે છે. સંગીતના સ્‍વરો દર્દીના શરીરના સાત ચક્રોમાં ઘેરી અસર કરે છે અને દર્દીને રાહત મળે છે. અમેરિકા જેવા રાષ્ટ્રમાં યોગનો એટલો બધો પ્રભાવ વધ્‍યો છે કે આજે અમેરિકામાં છેલ્લા છ વર્ષમાં યોગાના ક્રેઝમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ૪ કરોડ લોકો યોગ કરે છે. આ નાગરિકોમાં ૧૫ ટકા યુવાનો છે. અમેરિકામાં યોગના પુસ્‍તકો અને મેગેઝિનોનું માર્કેટ છે. યોગ પાછળ અમેરિકનો વર્ષે ૧૨ અબજ ડોલરનો ખર્ચ કરે છે. આજે માત્ર અમેરિકામાં જ ૬૦૦ જેટલી સ્‍કૂલોમાં યોગનું શિક્ષણ અપાય છે.

 સ્‍વામી વિવેકાનંદના જીવનમાં પણ યોગનો સમન્‍વય હતો...

શ્રી અરવિંદે સાહિત્‍ય, શિક્ષણ, ક્રાન્‍તિકારી ચળવળ અને યોગ એમ ચાર ક્ષેત્રોનો મજબૂત પાયો નાંખ્‍યો હતો. કહેવાય છે કે જૂના યોગનો જયાં અંત આવે છે ત્‍યાં શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે. સમસ્‍ત જીવન યોગ છે તેવું તેઓ માનતા હતા. અરવિંદ યોગને બે દ્રષ્ટિબિંદુથી નિહાળે છે. એક વ્‍યક્‍તિ પોતાના આંતર વિકાસને ઝડપી બનાવવા યોગનો આશ્રય લે છે. બીજો પ્રકૃતિનો યોગ છે. પૃથ્‍વી અને માનવતાની ઝડપી ઉત્‍ક્રાન્‍તિ માટેનો સામૂહિક પ્રયાસ છે. આટલા વર્ષો પછી આજે પણ અરવિંદ કેન્‍દ્રોમાં યોગ શિખવાડવામાં આવે છે. કારીલ વર્નર લખે છે કે પુરાતત્‍વિય સંશોધનો આપણને થોડાં વાજબીપણા કે સમર્થન સાથે એવું અનુમાન બાંધવાની મંજૂરી આપે છે કે ભારતમાં આર્યોના આગમન પૂર્વે લોકો યોગની પ્રવૃત્તિઓથી પરિચિત હતા. હિન્‍દુ કે બૌદ્ધ નહીં પણ ઇસ્‍લામ ધર્મમાં યોગનો પ્રભાવ જોવા મળેલો છે. સુફી સંતોએ શારિરીક મુદ્રા આસનો અને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં લેવા પ્રાણાયામ એમ બન્નેનો સ્‍વિકાર કર્યો હતો. પ્રાચીન ભારતના જાણીતા યોગશાષા અમૃતકુંડનો ૧૧મી સદીમાં અરબી અને ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. સ્‍વામી વિવેકાનંદના જીવનમાં જ્ઞાન, ભક્‍તિ અને કર્મ સાથે યોગનો સમન્‍વય જોવા મળે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદને પણ આર્ય થયું હતું

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદ સમક્ષ મનની શક્‍તિનો એક પ્રયોગ કરાયો હતો. શિવઅવતાર શર્મા નામની વ્‍યક્‍તિ ‘દિવ્‍ય દ્રષ્ટિ' ધરાવે છે એવી પ્રમાણભૂત માહિતી મળતાં તેના પર સંશોધકો અને વિજ્ઞાનીઓએ પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. શિવઅવતારે વિજ્ઞાનીઓ અને રાષ્ટ્રપતિના વિચારો દૂરથી જાણી લેવાના હતા અને તે લખી આપવાના હતા. સર્વપ્રથમ ડો.રાજેન્‍દ્ર પ્રસાદે એક ઓરડામાં નિયત સમયે કંઇક વિચારીને એના આધારે કોરા કાગળ પર થોડા વાક્‍યો લખ્‍યા. બીજા ઓરડામાં રહેલા શિવઅવતાર શર્માએ ‘દૂરદર્શન' ચૈતસિક શક્‍તિથી તે વિચારો જાણી કાગળ પર લખાયેલા વાક્‍યો પોતાના કોરા કાગળ પર લખી કાઢ્‍યા હતા. બન્નેના લખાણને સરખાવવામાં આવ્‍યું તો તે એકદમ એકસરખું જ હતું. તેમાં એક અક્ષરનો પણ ફરક નહોતો! આ જોઇને રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદ આર્યચક્‍તિ થઇ ગયા હતા. આ શક્‍તિથી પ્રભાવિત થઇ તેમણે કહ્યું હતું, ‘શિવઅવતાર શર્માજી, તમારી દિવ્‍યદ્રષ્ટિ પ્રશંસનીય છે. તમે આ આધ્‍યાત્‍મિક વિજ્ઞાનને વિકસિત કરવાનો પ્રયત્‍ન કરતા રહો.'

યોગ ગુરૂ આચાર્ય ડંડામીસ એ સિંકદરને પણ પડકાર્યો હતો

સિંકદરની નિષ્‍ફળ ભારત સવારીનું સૌથી વિશેષ પ્રસંશાપાત્ર લક્ષણ એ હતું કે એણે હિન્‍દુ તત્‍વજ્ઞાનમાં ઉંડો રસ બતાવ્‍યો હતો. એના માર્ગમાં જે યોગીઓ અને સંતો આવ્‍યા તેમનો એણે જીજ્ઞાસાપૂર્વર સંપર્ક કર્યો હતો. ઉત્તર ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ પાસે પહોંચ્‍યો ત્‍યારે તેણે ડાયોજીનીસની ગ્રીક શાળાના વિદ્યાર્થી સિક્રીટોસને પોતાના દૂત તરીકે તક્ષશિલાના મહાન સન્‍યાસી અને આચાર્ય ડંડામીસને બોલાવવા મોકલ્‍યો હતો અને સાથે નહી આવે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી...આચાર્યએ પ્રત્‍યુત્તરમાં કહ્યું કે, સિકંદર પાસે જે કંઇ છે તે મારે જોઇતું નથી, કારણ કે મારી પાસે જે કાંઇ છે તેનાથી મને સંતોષ છે. સિકંદર એ દેવ નથી, ક્‍યારેક મરવાનો છે, સિકંદર મારૂં માથું કાપી નાંખશે તો પણ મારા આત્‍માનો નાશ કરી શકશે નહીં. હું ચૈતન્‍યસ્‍વરૂપ બનીને ઇશ્વરની સમીપ પહોંચી જઇશ.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(12:09 pm IST)