Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સરકારી મહેમાન

વિરોધીઓના પડકાર અને અટકળો સામે વિજય મેળવી રૂપાણી 7મી ઓગષ્ટે ત્રણ વર્ષ પૂર્ણ કરશે

“હું જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશી ક્યારેય મારી ઉપર નહીં બેસે”: રૂપાણી : મુખ્યમંત્રીએ 2104 સરકારી કાર્યક્રમો કરી 2.40 કરોડ લોકોનો સીધો સંપર્ક કર્યો છે : 26,260 દિવસોમાં 600 પ્રજાલક્ષી નિર્ણય, 1198 ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી કરી

લોકોનો ગમે તેવું, લોકો માટે અને લોકો વડે જે શાસન કરવામાં આવે તેને સ્વિકૃતિ મળતી હોય છે. ગુજરાતમાં ઘણાં મુખ્યમંત્રી એવા હતા કે જેમણે શાસનમાં જનતાના હિતને લક્ષ્યમાં રાખ્યું છે, ગુજરાતને પ્રગતિના રાહ પર લઇ જતા ઘણાં મુખ્યમંત્રીઓ આવી ગયા પરંતુ શાંત, સરળ અને શાલીનતા ધરાવતા નેતા વિજય રૂપાણી છે. 7મી ઓગષ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. તેમણે જ્યારે પદગ્રહણ કર્યું ત્યારે પાર્ટીના કેટલાક નેતાઓ કહેતા હતા કે રૂપાણી એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર છે તેથી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં બદલાઇ જશે પરંતુ તેમ થયું નથી. આજે જશે... કાલે જશે... તેવી અટકળો તેમજ વિરોધીઓના પડકારો વચ્ચે વિજય રૂપાણી 7મી ઓગષ્ટે શાસનના ત્રણ વર્ષ એટલે કે 1095 દિવસ પુરાં કરશે. આ દિવસે તેઓ 26,260 કલાકનું શાસન પૂર્ણ કરશે. આ ત્રણ વર્ષમાં 2017ની વિધાનસભા, 2019ની લોકસભા તેમજ જૂનાગઢ મહાનગરની ચૂંટણીમાં તેમણે નેતૃત્વ નિભાવ્યું છે. ત્રણ વર્ષના સમયમાં રાજ્યમાં જેટલી પેટા ચૂંટણીઓ આવી તેમાં પણ ભાજપને વિજય મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિજય રૂપાણીએ 600 જેટલા પ્રજાલક્ષી નિર્ણય લીધા છે. પ્રગતિશીલ, નિર્ણાયક, પ્રામાણિક અને સંવેદનશીલ એ તેમના શાસનના મુખ્ય સૂત્રો છે.

શાસનની સિલ્વર જ્યુબિલી તરફ કૂચ...

ગુજરાતમાં 2020માં ભાજપ તેના શાસનની સિલ્વર જ્યુબિલી ઉજવશે, કેમ કે છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં કોંગ્રેસ સત્તા વિમુખ છે. આજે કોંગ્રેસ નામશેષ થઇ રહી છે ત્યારે ભાજપનો સૂર્ય મધ્યાહ્ને તપી રહ્યો છે. ભાજપમાં પહેલીવાર 2017માં નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ઉભી કરીને પાટીદાર નેતા નીતિન પટેલને મુખ્યમંત્રીની બરોબરીની સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફાવી શકી નથી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો મળી છે. જો કે તેની પાછળનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આક્રમક પ્રચાર અને તેમના કરિશ્મા છે, કે જેના થકી તેમણે દેશ અને ગુજરાતની જનતાના દિલ જીતી લીધાં છે. લોકસભાની ચૂંટણી પછી આવેલી જૂનાગઢ મહાનગરની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે એટલે કે કોંગ્રેસને વિપક્ષમાં પણ સ્થાન મળ્યું નથી. વિજય રૂપાણી પાટીદાર કે ઓબીસી સમાજમાં વર્ચસ્વ ધરાવતા નેતા નથી છતાં રાજ્યના તમામ સમાજને સાથે રાખીને શાસન કરી રહ્યાં હોવાથી તેમને વિવિધ સમાજનું પીઠબળ પ્રાપ્ત થયું છે. તેમણે સાબિત કર્યું છે કે સુશાસન કરવામાં જ્ઞાતિવાદ આડે આવતો નથી.

શરૂઆતથી જ વિરોધનો વંટોળ હતો...

ગુજરાતમાં રૂપાણીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી તેમની સામે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. દર છ મહિને એવી અટકળો વહેતી થતી હતી કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે. રૂપાણીના સ્થાને મનસુખ માંડવિયા કે પરસોત્તમ રૂપાલા મુખ્યમંત્રી બનશે, પરંતુ આ અટકળો પાર્ટીમાં તેમના વિરોધીઓએ ફેલાવેલી અફવા સાબિત થઇ છે. રાજ્યમાં નરેન્દ્ર મોદીએ 2001થી 2014 સુધી એટલે કે 13 વર્ષનું શાસન કર્યું છે જે ગુજરાતનો એકમાત્ર રેકોર્ડ છે. તેમણે 2002, 2007 અને 2012 એમ સતત ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ અપાવીને શાસન કર્યું છે. ચાર વખત મુખ્યમંત્રી બનવાનું તેમજ ત્રણ ટર્મ પૂર્ણ કરવાનું ગૌરવ તેમને મળ્યું હતું. ભારતના વડાપ્રધાન થયા પછી ગુજરાતમાં આનંદીબહેન પટેલને શાસનધૂરા સોંપવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર તેમને ખસેડીને પાર્ટીએ વિજય રૂપાણીની પસંદગી કરી હતી. આ પસંદગી ખોટી પુરવાર થઇ નથી તેવું વિજય રૂપાણીએ ત્રણ વર્ષમાં સાબિત કરી દીધું છે.

ત્રણ આંદોલનોમાં સરાહનિય કામગીરી...

7મી ઓગષ્ટ 2016માં તેમણે કહ્યું હતું કેહું આજે જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશી ક્યારેય મારી ઉપર નહીં બેસે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વંચિતો અને વનબંધુઓના સમાજના તમામ લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં તેઓ સફળ રહ્યાં છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી એ રૂપાણી સરકારમાં મુખ્ય વિરોધી પરિબળો હતા. પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સમાજની સમસ્યાઓ તેમજ વંચિતોના પડકારો તેમણે વહીવટી સુશાસન દ્વારા નિપટાવ્યા છે. બિન અનામત વર્ગમાં 10 ટકા અનામત વિજય રૂપાણીનો મોટો વિજય એટલા માટે છે કે કેન્દ્રની આ જાહેરાતથી પાટીદાર અનામત આંદોલનનો અંત આવ્યો છે. બીજી તરફ ઠાકોર અને વંચિત સમાજના પ્રમુખ નેતાઓને સાથે રાખી ત્રણ યુવા આંદોલનકારીઓની વિધ્વંશ પ્રવૃત્તિઓને કાબૂમાં લીધી છે. પરિણામ સ્વરૂપ હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીના તોફાની રાજકારણનો અંત આવ્યો છે અને અલ્પેશ ઠાકોર વિકાસના કામોથી અંજાઇને ભાજપમાં ભળી ગયો છે.

 

ભ્રષ્ટાચાર નિયંત્રણ માટે શેહશરમ રાખી નથી...

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ને વિશાળ સત્તા આપી તેમણે કોઇપણ પાર્ટીને જોયા વિના ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેના કડક પગલાં ભર્યા છે. એસીબીએ ત્રણ વર્ષમાં 625 કેસ કરી 1198 ભષ્ટ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. મહેસૂલી કાયદાઓમાં મોટાપાયે પરિવર્તન કરી ઓનલાઇન સિસ્ટમ વિકસાવી છે. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, યુવાનોનું કૌશલ્ય નિર્માણ તેમજ નારી સશક્તિકરણને ત્રણ વર્ષમાં વેગ મળ્યો છે. લોકોની સુખાકારી માટે ત્રણ વર્ષમાં 79 વિધેયકો થકી નવા કાયદા બનાવ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં રૂપાણીએ 1247 પ્રવાસ કર્યો છે. સરવાળે રૂપાણીએ રાજ્યમાં 2.60 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. એટલું જ નહીં 2104 સરકારી કાર્યક્રમો કરી 2.40 કરોડ લોકોનો સીધો સંપર્ક કર્યો છે. રૂપાણી 2364 જેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને મળ્યા છે.

કિસાનો માટે વિપક્ષ પાસે મુદ્દા રહ્યાં નથી...

વિપક્ષના નેતાઓ વારંવાર આક્ષેપો કરતા રહ્યાં હતા કે ગુજરાત સરકાર કિસાન વિરોધી છે પરંતુ રૂપાણીએ વિપક્ષોને આક્ષેપો કરવાની તક છીનવી લીધી છે. કિસાનો પાસેથી 8500 કરોડ રૂપિયાની ખેત ઉત્પાદનની ખરીદીમાં તેમણે રેકોર્ડ ઉભો કર્યો છે. ગુજરાતમાં આજે કૃષિ ઉત્પાદન 1,68,433 કરોડ રૂપિયાનું થયું છે, જે 1995-96ના વર્ષમાં માત્ર 13,491 કરોડ રૂપિયા હતું. 24 વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં 12 ગણો વધારો થયો છે. 135.69 લાખ મેટ્રીકટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત આજે દેશમાં અગ્રણી રાજ્ય છે. રૂપાણીએ 1.18 લાખ યુવાનોને સરકારી સેવામાં નોકરી આપી છે. બીજી તરફ રાજ્યભરમાં થયેલા રોજગાર ભરતી મેળામાં 11 લાખ યુવાનોને નોકરી મળી છે. શાંત સલામત ગુજરાતમાં મહિલા કલ્યાણના પણ અનેક કાર્યો થયાં છે. રાજ્યમાં મહિલા સેફ્ટિને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

સ્માર્ટ સિટી અને સ્વચ્છ સર્વેમાં ગુજરાત અગ્રેસર...

ગુજરાતના શહેરી વિકાસમાં રૂપાણીએ સાત સ્માર્ટસિટી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીમાં અમદાવાદ પ્રથમ, સુરત ત્રીજા અને વડોદરા આઠમાક્રમે આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ (ધોલેરા), સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર (ગિફ્ટ) અને દાહોદને સ્માર્ટ સિટી મિશનમાં આવરી લેવામાં આવ્યા છે. બીજી તરફ સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના પ્રથમ 50 જિલ્લાઓમાં ગુજરાતના 14 જિલ્લાઓનો સમાવેશ શક્ય બન્યો છે. જળસંચય, જળ સિંચન અને જળ વ્યવસ્થાપનના કાર્યોને સમગ્ર દેશમાં ઉચ્ચકક્ષાનું સ્થાન મળ્યું છે. ગુજરાતનું બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન વધીને 7922 મેગાવોટ થયું છે, જે એક મોટી ઉપલબ્ધિ છે.

સીએમ ડેશબોર્ડનો પહેલીવાર પ્રયોગ...

રૂપાણી સરકારનું મહત્વનું કદમ સીએમ ડેશબોર્ડ છે જેના કારણે લોકોના પ્રશ્નોનું પેન્ડન્સી લેવલ નીચું આવ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી જિલ્લા અને તાલુકામાં યોજનાઓના કામોની સમીક્ષા ગાંધીનગરમાં બેઠાં કરી રહ્યાં છે. પાંચ સી એટલે કે કમાન્ડ, કન્ટ્રોલ, કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન અને કોમ્બેટના ફલકથી રાજ્ય સરકારના વિભાગોનું મોનિટરીંગ થાય છે. સીએમ ડેશબોર્ડમાં 3000 જેટલા પેરામિટર્સ-ઇન્ડીકેટર્સ મારફતે મહેસૂલ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઉર્જા અને માર્ગ-મકાન જેવા 16 સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. એ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં 1.70 કરોડ નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર ઉકેલ લાવવામાં આવ્યો છે.

પાંચ નિર્ણયોની મહાત્મા મંદિરમાં જાહેરાત...

7મી ઓગષ્ટ 2019ના રોજ રૂપાણી તેમની સરકારના ત્રણ વર્ષ પૂરાં કરી રહી છે ત્યારે પાંચ મહત્વના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે જેમાં (1)રાજ્યમાં જે વિદ્યાર્થીઓ પીએચડી કરે છે તેમને દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સરકાર બે વર્ષ માટે પ્રત્યેક વિદ્યાર્થી માટે બે લાખની સહાય કરશે. પ્રથમ તબક્કામાં 1000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. (2)ધોરણ-10 અને ધોરણ-12 પછીના ત્રણ લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાના ટોકન દરથી ફોર-જી એનેબલ્ડ નમો ઇ-ટેબ આપવામાં આવશે. (3) રાજ્યના કૃષિ સેક્ટરમાં ખેડૂતોને સાધન સહાય આપવામાં આવશે. (4) રૂફટોપ સોલાર વીજળી માટે સબસીડી દ્વારા બે લાખ સરકારી તેમજ પ્રાઇવેટ ઇમારતોની છત પર રૂફટોપ પેનલ્સ અપાશે, અને-- (5) શહેરી વિસ્તારના સ્લમ્સમાં પીપીપી મોડ થી ખાનગી જગ્યામાં આવાસ નિર્માણ માટેની નીતિ બનાવવામાં આવશે, જેથી ઘર વિહોણાંને પોતાનું ઘર મળે અને બાકીની જગ્યા ડેવલપર્સ કોમર્શિયલ રીતે વાપરી શકશે. આ નીતિ હેઠળ 10 એકર જમીન હોય તો પાંચ એકરમાં બાંધકામ કરાશે. 7મી ઓગષ્ટે આ પાંચ કાર્યક્રમોનો આવિષ્કાર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કરવામાં આવશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:41 am IST)
  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST

  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST