Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાણપુર ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભીની જન્મદિને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન

રાજકોટ, તા. ર૬ : ગાંધી-મૂલ્યો- વિચારોને વરેલા અને ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત અગ્રણી લોકસેવક ગોવિંદસંગ ડાભીના જન્મદિન અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન' દ્વારા ભાવભર્યું અભિવાદન કરાયું હતું.

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોઘોગ મંડળના તેઓ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આર્થિક અને સામજિક રીતે વંચિત બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય ગુજરાતની એકમાત્ર ઊની ખાદીની આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે.  

ગોંવિંદસંગ ડાભીનો જન્મ ૨૬ જૂન ૧૯૫૯ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જવારજ ગામમાં ખેડૂત પરિવારમાં થયો હ્રતો. લોકસેવા જાણે લોહીમાં જ વહે. દાદા લોકસેવક-ખેડૂતરત્ન-સહકારી આગેવાન સ્વ. ફલજીભાઈ ડાભી. પિતા સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ડાભી. બચપણથી જ સંસ્કાર-સિંચન કરનાર હતા માતા જીકુબા.       

અમદાવાદથી ગ્રેજયુએટ થઈને ૧૯૮૫માંત્ન ગુંદી આશ્રમ સ્થિત ભાલ નળકાંઠા સઘન ક્ષેત્ર સમિતિમાં અદનાં કાર્યકર તરીકે જોડાયા. દરરોજ જવારજથી ગુંદી સાયકલ પર જાય. અંબુભાઈ શાહ, કાશીબેન મહેતા, હરિવલ્લભભાઈ મહેતા, દાજીભાઈ ડાભી, કમળાબેન શાહ, હરિભાઈ ચોંસલા જેવાં સેવાભાવી અગ્રણીઓની છત્રછાયામાં જીવન-ઘડતર થયું. ૧૯૮૭માં, રાણપુર સ્થિત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોઘોગ મંડળમાં સેલ્સમેન તરીકે જોડાયા. સ્વબળે આ સંસ્થાનાં સેક્રેટરી અને ચેરમેન પદે પહોંચેલા ગોવિંદસંગ ડાભીની પ્રેરણાથી સંસ્થાને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓના ભગીરથ પ્રયાસો અને અથાક પરિશ્રમ થકી સંસ્થાને ભારતભરમાં આગવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. કારીગરોને આખું વર્ષ પૂરતી રોજગારી મળી રહે તેવા એમના સતત પ્રયાસો રહે છે. તેઓએ ખાદી ગ્રામોઘોગ આયોગ (વેસ્ટ ઝોન) તેમજ ગુજરાત ચેમ્બર આઙ્ખફ કોમર્સના સભ્ય તરીકે પણ પ્રશંસનીય સેવા આપી છે. રાણપુરમાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં વિવિધ સ્મૃતિ કાર્યક્રમોનાં આયોજનમાં એમનો હરહંમેશ લાગણીભર્યો સહયોગ રહ્યો છે.

રાણપુર સ્થિત ગોવિંદસંગ દાજીભાઈ ડાભીનો સંપર્ક મો. ૯૮૨૫૪૧૧૫૬૯ પર કરી શકાશે.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:18 pm IST)