Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સરકારી મહેમાન

કલકત્તાના શંભૂનાથ વિશ્વના વૈજ્ઞાનિકોમાં ઉચ્ચ સન્માન પામ્યા, ભારતમાં માત્ર ગુમનામી મળી

બ્લૂડેથ એટલે કે કોલેરામાં લાખો લોકોને તેમણે મરતા બચાવ્યા, ઓઆરએસ એ તેમની દેન છે: દિવસે ડ્યુટી, આખીરાત સંશોધન- કોલેરાનું કારણ શોધનાર વિદેશી વૈજ્ઞાનિકની ભૂલ સુધારી: પીએચડી માટે લંડન ગયા, રિસર્ચ કરતા હતા ત્યારે ભારતમાં લોકોને મરતાં જોઇ પાછા આવ્યા

વિશ્વના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણનો પંજો વિસ્તરી રહ્યો છે. ભારત દેશ અને તેના રાજ્યો પણ બાકાત નથી. આજે આખું વિશ્વ કોરોનાથી ફફડી રહ્યું છે, કારણ કે તે સ્વાઇન ફ્લૂ કરતાં 10 ગણો વધુ કાતીલ છે. વિશ્વમાં જે મોત થયાં છે તેમાં નાની ઉંમરના બાળક થી લઇને વયોવૃદ્ધ લોકોને પણ તેણે છોડ્યા નથી. વૈજ્ઞાનિકોના અનુમાન અને તારણોને પણ ખોટા પાડ્યા છે. વિશ્વના દેશોમાં એક સમય એવો પણ હતો કે આજના ક્યોરેબલ કોલેરાથી દુનિયા ફફડી ઉઠી હતી. કોલેરાના કારણો અને ઉપચાર શોધતાં વૈજ્ઞાનિકોને 75 વર્ષ લાગ્યા હતા. હવે તો તેની રસી પણ શોધાઇ છે, વિશ્વના દેશોમાં બાળકોને કોલેરાની રસી આપવામાં આવે છે પરંતુ કેટલાક પ્રાંતમાં અજ્ઞાનતાના કારણે હજારો લોકો આજે પણ મોતના મુખમાં હોમાઇ રહ્યાં છે.

 

શાંત રોગ પણ તેજીથી ઘાતક બને છે...

એક સમયે કોલેરાને મહામારી તરીકે ઓળખવામાં આવતી હતી. આ એક એવો રોગ છે કે જે શાંત છે પરંતુ ખૂબ તેજીથી ઘાતક અસર કરે છે. સૌથી વધુ ગંભીરરૂપમાં રોગના લક્ષણોની શરૂઆત એક કલાકમાં થઇ જાય છે. એક સ્વસ્થ વ્યક્તિનું બ્લડપ્રેશર અચાનક ઘટી જાય છે અને ત્રણ કલાકમાં સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મોત થાય છે. અનેક શોધના અંતે કહેવાય છે કે કોલેરા દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થાય છે. હવે તો 90 ટકા કિસ્સામાં કોલેરાનો ઉપચાર શક્ય બન્યો છે. આજે તો વિશ્વસ્તર પર બે પ્રકારની રસીના ટીંપા મોજૂદ હોય છે.

1817માં 180 લાખ લોકોના મોત થયાં હતા...

એવું કહેવાય કે કે બ્લેક ડેથ એટલે પ્લેગ, પરંતુ બ્લૂ ડેથ એટલે કોલેરા કહેવાતું હતું. જેને હિન્દીમાં હૈજાના નામથી ઓળખવામાં આવે છે. 1817માં આ બિમારી અસ્તિત્વમાં આવી હતી. એ સમયે 180 લાખ લોકોના મોત થયાં હતા. આ કોલેરાનો પ્રકોપ ભારત સહિત વિશ્વના તમામ દેશોએ ભોગવવો પડ્યો છે. જો કે 1884માં રોબર્ટ કાંખ નામના વૈજ્ઞાનિકે કોલેરાનું જીવાણું વાઇબ્રિયો કોલેરીને શોધી કાઢ્યું હતું. જો કે આ બિમારીનો ઇલાજ શોધવામાં ત્યારપછી વિશ્વના દેશોને 75 વર્ષ લાગ્યા હતા.

ભારતીય વૈજ્ઞાનિકે લાખોના જીવ બચાવ્યા...

એક ભારતીય વૈજ્ઞાનિક શંભૂનાથ ડે હતા, જેમણે કોલેરાનું મુખ્ય કારણ શોધી લાખો લોકોના જીવ બચાવ્યા હતા. 1915માં બંગાળના હુગલીમાં જન્મેલા શંભૂનાથના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેમના સબંધીઓએ ભણતરનો ખર્ચ ઉઠાવ્યો હતો. તેમને કોલકત્તા મેડીકલ કોલેજથી સ્કોલરશીપ મળી હતી. 1939માં તેમણે મેડીકલની પ્રેક્ટિસ શરૂ કરી પરંતુ રિસર્ચના શોખીન એવા શંભૂનાથે 1947માં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનથી પીએચડી કર્યું હતું. તેઓ હ્રદય સબંધિત બિમારી અંગે સંશોધન કરી રહ્યાં હતા. એ સમયે તેમણે કોલેરા પછી કિડની પર થનારી અસર પર પણ શોધ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ભારતમાં કોલેરાથી હજારો લોકોના મૃત્યુ થતાં તેઓએ ભારત પાછા આવીને બ્લૂ પ્લેગ પર સંશોધન શરૂ કર્યું હતું.

લોકોને મરતાં જોઇ લંડન છોડી ભારત આવ્યા...

1940માં ભારત કોલેરાના રોગમાં સપડાયું હતું. આ રોગના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી. ભારત આવ્યા પછી તેઓ કલકત્તા મેડીકલ કોલેજના પેથોલોજી વિભાગના નિર્દેશક હતા. તેમની શોધની દિશા તે સમયે બદલાઇ જ્યારે તેમણે જોયું કે કલકત્તામાં કોલેરાના દર્દીઓના શરીરમાં ઝેરીલો પદાર્થ બની રહ્યો છે. તેમને ખબર પડી કે આ બિમારી શરૂઆતમાં ઓર્ગેનિઝમના કારણે થાય છે અને પછી પીડિત વ્યક્તિના પેટમાં ઝડપથી ફેલાય છે અને વ્યક્તિનું મોત થાય છે. શંભૂનાથે તેમની શોધનો પ્રયોગ પહેલાં સસલાંના લૂપ મેથડથી કર્યો હતો. સ્થાનિય વિજ્ઞાન સમૂદાયે આ પરિણામને માનવાનો ઇન્કાર કર્યો હતો અને વિદેશી વૈજ્ઞાનિકોમાં સંદેહ વ્યક્ત થતો હતો, પરંતુ શંભૂનાથને ભરોસો હતો કે તેમની શોધ ઉત્તમ છે અને અસરકારક પરિણામ મળશે. ડ્યુટી પુરી કરીને તેઓ રાત્રે બોઝ સંસ્થાના ફિજીકલ એન્ડ પ્રોટીન રસાયણ પ્રયોગશાળામાં જતા હતા. આખી રાત તેઓ ત્યાં બેસીને સંશોધન કરતા હતા. આ પ્રયોગશાળામાં ઝેરને અલગ કરી શકે તેવા ટેકનિકલ સાધનો ન હતા તેથી તેઓ પ્રયોગની અસરને જોઇને પરિણામ મેળવતા હતા અને નોટ બનાવતા હતા.

રોબર્ટ કાંખના કારણમાં મોટી ભૂલ સુધારી...

રોબર્ટ કાંખે કોલેરાનું કારણ એવું આપ્યું હતું કે આ જીવાણું વ્યક્તિના સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે લોહીમાં જઇને તેને પ્રભાવિત કરે છે પરંતુ હકીકતમાં આ રોબર્ટ કાંખની ભૂલ હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ જીવાણું વ્યક્તિના કોઇ અંગ મારફતે શરીરમાં ઝેર ફેલાવી શકે છે. જો કે આ શોધને શંભૂનાથ ડે એ સંભવ કરી હતી. તેમણે જ રોબર્ટની શોધમાં ભૂલ સુધારી હતી.

ઓઆરએસના પ્રણેતા શંભૂનાથ ડે હતા...

તેમણે સંશોધનમાં એવું સિદ્ધ કર્યું કે વાઇબ્રિયો કોલેરી લોહીના રસ્તેથી નહીં પણ નાના આંતરડામાં જઇને ઝેરીલો પદાર્થ છોડે છે, પરિણામે વ્યક્તિના શરીરમાં લોહી જાડું થાય છે અને પાણીની કમી મહેસૂસ થાય છે. 1953માં તેમણે તેમની શોધને પ્રકાશિત કરી અને તે સમયે ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશન – ઓઆરએસ- પેદા થયું જેને ઘરમાં કોઇપણ વ્યક્તિ બનાવી શકે છે. બંગાળ અને આફ્રિકામાં આ સોલ્યુશનને મોંઢા મારફતે પર્યાપ્ત માત્રામાં લેવાનું શરૂ થતાં લાખો દર્દીઓને જીવતદાન મળ્યું હતું. આજે આ વૈજ્ઞાનિકને કોઇ જાણતું નથી.

ભારતમાં સંશોધનની તેમને તક મળી નહીં...

1959માં તેમણે શોધ્યું કે આ જીવાણું દ્વારા ઉત્પન્ન થતું ટોક્સિન એ એક્સોટોક્સિન છે. શંભૂનાથ આ ટોક્સિન પર શોધ કરવા માગતા હતા પરંતુ ભારતમાં સાધનોની અછતના કારણે તેઓ કરી શક્યા નહીં. આટલી મોટી શોધ કર્યા પછી તેમને ભારતમાં ગુમનામી મળી. તેઓ 1973માં નિવૃત્ત થઇ ગયા પછી 1978માં તેમને નોબલ ફાઉન્ડેશને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવ્યા ત્યારે તેમણે તેમની શોધ અંગે પ્રવચન આપ્યું. દુનિયાને તેમણે ચોંકાવી દીધી. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ તેમને અભિનંદન આપ્યાં. એટલું જ નહીં દુનિયાભરમાં તેમને અનેક સન્માનો મળ્યાં હતા પરંતુ તેમના દેશમાં તેમને કોઇ ખાસ સન્માન મળ્યું નહીં.

વિશ્વખ્યાત વૈજ્ઞાનિકે નોબલ માટે ભલામણ કરી...

શંભૂનાથે 70 વર્ષની વયે 1985માં 15મી એપ્રિલે દુનિયાનો ત્યાગ કર્યો. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી 1990માં કરંટ સાયન્સ પત્રિકાએ તેમના અંગે એક લેખ લખ્યો હતો પરંતુ ભારત સરકાર તેમને ઉચિત સન્માન આપી શકી નથી. મહત્વની બાબત એવી છે કે શંભૂનાથ ડે ને નોબલ પુરસ્કાર આપવાની ભલામણ વિશ્વખ્યાત વૈજ્ઞાનિક જોશુહા લેડરબર્ગે કરી હતી. આ જોશુહા માઇક્રોબાયો જેનેટીક પર કરેલા કાર્ય માટે મશહૂર બન્યા હતા અને ચિકિત્સા જગતનું તેમને ગૌરવપ્રદ નોબલ પ્રાઇઝ પણ મળ્યું હતું. તેમણે શંભૂનાથની શોધને વખાણી હતી.

મારા પિતાનું યોગદાન અમૂલ્ય છે – શ્યામલ...

શંભૂનાથનો પરિવાર ઇચ્છતો હતો કે કલકત્તા યુનિવર્સિટી તેમની યાદમાં વર્ષે એક લેક્ચરનું આયોજન કરે પરંતુ કમનસીબે તે થઇ શક્યું નહીં. તેમના પુત્ર શ્યામલ ડે કહે છે કે મારા પિતાના યોગદાનને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સમુદાયે ઘણાં સમય પછી મહત્વ આપ્યું હતું. 60ના દસકાના આખરી દૌરમાં વિદેશી શોધકર્તા તેમના કામના સંદર્ભનો ઉપયોગ કરતા થયા હતા.”

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:43 am IST)