એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th October 2020

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 10 દિવસમાં જ બીજા હિન્દૂ મંદિર ઉપર હુમલો : નવરાત્રીના તહેવાર દરમિયાન કટ્ટરપંથીઓએ દુર્ગા માતાની મૂર્તિ તોડી નાખી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 10 દિવસમાં જ બીજા હિન્દૂ મંદિર ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળે છે.જે મુજબ કટ્ટરપંથીઓએ  દુર્ગા માતાની મૂર્તિ તોડી નાખી  છે. આ દેશમાં લઘુમતી હિન્દૂ કોમ પ્રત્યે ભેદભાવ અને અત્યાચારનો સિલસિલો હજુ પણ ચાલુ છે.
પ્રાપ્ત વિગત મુજબ સિંધના થરપાકર જિલ્લાના નાગારપાર્કર ખાતે આવેલા હિન્દૂ મંદિરની અંદરની દુર્ગા માતાની મૂર્તિ કટ્ટરપંથીઓએ તોડી નાખી ખંડિત કરી દીધી છે.તેમજ મંદિરને પણ નુકશાન પહોચાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જિલ્લાના જ બાદિન શહેરમાં આવેલા હિન્દૂ મંદિરને 10 ઓક્ટોબરના રોજ કટ્ટરપંથીઓએ નુકશાન પહોચાડ્યું હતું .તાજેતરના હુમલા દરમિયાન તોફાની  તત્વો રાત્રે મંદિરમાં ઘુસ્યા હતા અને નિજ મંદિરનું બારણું અંદરથી બંધ કરી દઈ મૂર્તિની તોડફોડ કરી હતી બાદમાં મંદિરને પણ નુકશાન પહોંચાડી નાસી છૂટ્યા હતા . હજુ સુધી આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:41 pm IST)