એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th August 2021

ગલ્ફ દેશોમાં નોકરીની લાલચ આપી મહિલાઓને મોકલવાનું કૌભાંડ : ભારતના ઉત્તર પ્રદેશ , પંજાબ, ગોવા, તમિલનાડુ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી મોકલાયેલી 24 થી 45 વર્ષની 12 મહિલાઓને મુક્ત કરાવાઈ

ઉત્તર પ્રદેશ : ગલ્ફ દેશોમાં નોકરીની લાલચ આપી મહિલાઓને મોકલવાનું કૌભાંડ પકડાયું છે. જે અંતર્ગત ભારતના ઉત્તર પ્રદેશ , પંજાબ, ગોવા, તમિલનાડુ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી મોકલાયેલી 24 થી 45 વર્ષની 12 મહિલાઓને મુક્ત કરાવવામાં પોલીસ તંત્રને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગત મુજબ ઉત્તર પ્રદેશથી અનેક મહિલાઓ, યુવતીઓને વિદેશમાં નોકરીની લાલચ આપીને મોકલવામાં આવતી હતી. જ્યારે વિદેશ પહોંચ્યા બાદ આ મહિલાઓને અલગ જ કામમાં લગાવી દેવામા આવતી હતી. આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પંજાબ, ગોવા, તમિલનાડુ, કર્ણાટકથી પણ મહિલાઓને વિદેશ મોકલવામાં આવતી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર 24થી 45 વર્ષની મહિલાઓ અને યુવતીઓને ગલ્ફ દેશો જેવા કે ઓમન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરેમાં મોકલવામાં આવતી હતી. આ રેકેટ પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકામાં પણ ચાલી રહ્યું છે.

કાનપુરના ડેપ્યુટી કમિશનર સલમાન તાજ પાટિલે કહ્યું હતું કે કાનપુરના જ એક નાગરિક દ્વારા માનવ તસ્કરીની ફરિયાદ અમને એપ્રીલ મહિનામાં મળી હતી જે બાદ અમે  તપાસ શરૂ કરતા મોટુ રેકેટ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત 24થી 45 વર્ષની ઉંમરની 12 મહિલાઓને મુક્ત કરાવવામાં સફળતા મળી છે.તેમ જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:28 pm IST)