એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th June 2018

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્યોએ પોતાની સંસ્થાના દશાબ્દી વર્ષની રંગેચંગે કરેલી ઉજવણીઃ મુખ્ય મહેમાન તરીકે શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણે આપેલી હાજરી અને સીનીયરો માટે અમારી કોન્સ્યુલેટના દ્વારો હરહંમેશ ખુલ્લા રહેશે એવી કરેલી જાહેરાતને સૌ સીનીયરોએ ઉભા થઇને વધાવી લીધીઃ આ પ્રસંગે ઇલીનોઇ રાજયના લેફટનન્ટ ગવર્નર એલ્વીન એન્ડગ્યુનેટી તેમજ કુક કાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર અને શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નિમિષ જાનીએ આપેલી હાજરીઃ પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલ તથા શિકાગોના જાણીતા સમાજ સેવક ડો. ભરતભાઇ બારાઇએ પાંચ પાંચ હજાર ડોલરનું કરેલુ અનુદાનઃ અન્ય ટ્રસ્ટી ડો.ધિરેન મિસ્ત્રીએ બે હજાર ડોલર દાનમાં આપ્યાઃ સીનીયરોમાં આનંદની પ્રસરેલી લાગણી

 (કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીકના પરા વિસ્તારમાં યુનાઇટેડ સીનીયર પરિવાર નામની સંસ્થા છેલ્લા દસ વર્ષથી સીનીયરોના હિતાર્થે કાર્ય કરતી આવેલ છે અને તે સંસ્થાને દસ વર્ષ જેટલો સમય પૂર્ણ થતો હોવાથી તેના સંચાલકોએ દશાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરતા બેન્સનવીલે ટાઉનમાં આવેલ માનવ એવા મંદિરના મહાલક્ષ્મી હોલમાં જૂન માસની રજી તારીખને શનિવારે એક ભવ્ય મીલન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શિકાગોની ભારતીય કોન્સ્યુલેટના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણે મુખ્ય મહેમાન તેમજ ઇલીનોઇ રાજયના લેફટનન્ટ ગવર્નર એલ્વીન સેન્ડગ્યુનેટી અને કુકકાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર, શિકાગોના જાણીતા બીઝનેસમેન અને પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલ, ભારતીય સમાજના અગ્રણી આગેવાન ડોકટર ભરતભાઇ બારાઇ, ડેસપ્લેઇન વિસ્તારમાં જાણીતા આગેવાન કાર્યકર અને ડેન્ટીરસ ડો.ધીરેનભાઇ મિસ્ત્રી તથા શિકાગોમાં અન્ય સીનીયર એસોસીએસનના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ મીલન સમારંભમાં ૫૫૦ જેટલા આમંત્રીતો તથા સભ્યોએ હાજરી આપી હતી.

દશાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ સમારંભની શરૃઆતમાં દિપ પ્રાગટયની વિધિ કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન, આમંત્રીત મહેમાનો તથા સંસ્થાના સંચાલકોએ તેમાં ભાગ લીધો હતો અને આ અંગેની તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ શ્લોકમંત્રોના ઉચ્ચારણો દ્વારા શિકાગોના જાણીતા પ્રોફેસર રોહિતભાઇ જોષીએ કરાવી હતી.

સૌ પ્રથમ આ સંસ્થાના સેક્રેટરી રમેશ ચોકસીએ મુખ્ય તેમજ આમંત્રીત તેમજ સીનીયર એસેસીએસનના તમામ સભ્યોને આવકાર આપી છેલ્લા દસ વર્ષના સમયગાળા દરમ્યાન આ સંસ્થાએ સીનીયરોના હિતાર્થે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરેલ તેની આછેરી રૃપરેખા આપી હતી અને સીનીયર સભ્યોએ જે પ્રકારનો આજદિન સુધી જે સહકાર આપેલ છે તેવોજ સહકાર ભવિષ્યમાં મળતો રહેશે એવી આશા વ્યકત કરી હતી.

સંસ્થાના પ્રમુખ રમણભાઇ પટેલે પણ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં સીનીયરોના હિતાર્થે જે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેનો આછેરો ખ્યાલ આપ્યો હતો અને સને ૨૦૧૭ના વર્ષ દરમ્યાન જે લોકો આ સીનીયર એસોશીએસનના સભ્યો હશે તે સર્વેને દશાબ્દી વર્ષમી ઉજવણીની યાદગીરીમાં ચાંદીનો સિક્કો આપવામાં આવશે એવી કરેલી જાહેરાતને સૌ સભ્યોએ આવકાર આપ્યો હતો.

શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણ આ સંસ્થાના દશાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. તેમણે આ સંસ્થાની પ્રવૃતિને નિહાળીને સીનીયરો માટે જે કાર્ય થઇ રહ્યું છે તેની મુકત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યુ હતું કે અમારી કોન્સ્યુલેટની ઓફીસ દ્વારા સીનીયરોને તેમના કાર્યો જેમાં ઓસીઆઇ પાસપોર્ટ રીન્યુ કરાવવા અથવા વીઝા માટે જો કોઇપણ પ્રકારની સહાય જોઇતી હશે તો અમારી ઓફિસના સ્ટાફના માણસો જરૃરથી મદદ કરશે અને અમારી ઓફિસના બારણાં સીનીયરો માટે હરહંમેશ ખુલ્લા રહેશે એવી કરેલી જાહેરાતને સૌ સભ્યોએ ઉભા થઇને આવકારી હતી.

ઇલીનોઇ રાજયના લેફટનન્ટ ગવર્નર એલ્વીન સેન્ડગ્યુનેટી તેમજ કુક કાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડરે ભારતીય સંસ્કૃતિના મુકત કંઠે વખાણ કર્યા હતા અને આ સંસ્કૃતિને વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ ગણાવી હતી. આ સંસ્થા દ્વારા સીનીયરો માટે જે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ છે તે પ્રત્યે તેમણે સંતોષની લાગણીઓ વ્યકત કરી હતી.

શિકાગોના જાણીતા બીઝનેસના મેન અને પરેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલ તેમજ તેમના પરિવારના સભ્યો તેમજ શિકાગોના ભારતીય સમાજના આગેવાન અને આ સંસ્થાના ટ્રસ્ટી ડો.ભરતભાઇ બારાઇએ આ પ્રસંગે પાંચ પાંચ હજાર ડોલરનું દાન આપવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે અન્ય ટ્રસ્ટી ડો.ધિરેનભાઇ મિસ્ત્રીએ આ વેળા બે હજાર ડોલર અનુદાન તરીકે જાહેર કર્યા હતા.

સીનીયર સંસ્થાની ઉજવણીમાં શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નિમિષ જાનીએ પણ હાજરી આપી હતી અને તેમણે રાજયના ગવર્નર બ્રુસ રાઉનરનો જે સંદેશો હતો તેનું વાંચન કર્યુ હતું અને સીનીયરોની પ્રવૃતિને તેમણે બિરદાવી હતી.

આ વેળા સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અનેતેમાં સીનીયરોએ પણ ભાગ લઇ તેનો આનંદ માણ્યો હતો મિલન સમારંભની શરૃઆતમાં સૌ મહેમાનોએ સુંદર ભોજનને ન્યાય આપ્યો હતો અંતમાં હસમુખભાઇ સોમીએ આભાર વિધિ કરી હતી

(10:00 pm IST)