એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th May 2018

‘‘મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ'': યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ દલાસ મુકામે ૧૭ થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન ઉજવાનારો ભવ્‍ય ઉત્‍સવઃ પૂજ્‍યપાદ ગુરૂવર્ય દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા સંતોના સાનિધ્‍યમાં શ્રીમદ સત્‍સંગીજીવન પારાયણ, સત્‍સંગ વ્‍યાખ્‍યાનમાળા, તથા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ૧૧ ઓગ.થી શરૂ

દલાસ : આપણે સર્વે જેની અતિ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ તે ડલાસ ગુરુકુલનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ખુબ ઝડપથી નજીક આવી રહ્યો છે. અહીં પણ બાળકો, યુવાનો અને વડીલ સ્ત્રી-પુરુષ ભક્તો તનતોડ સેવા કરી રહ્યાં છે. ભારતથી પણ સંતો એક પછી એક મંડળ આવી રહ્યાં છે. તમે બધા જાણો જ છો કે આ ઉત્સવ 17 થી 19 ઓગસ્ટના દિવસોમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાના છીએ. શ્રીમદ્દ સત્સંગીજીવનની પારાયણ તથા સત્સંગ વ્યાખ્યાનમાળા તો ભવ્ય શોભાયાત્રા સાથે 11 ઓગસ્ટથી શરું થઇ જશે.

મને વિશ્વાસ છે કે તમોએ પરિવાર સાથે આ મૂર્તિપ્રતિષ્ઠામાં આવવા માટેનું પ્લાનિંગ કરી જ લીધું હશે. જો તમે ટિકિટ બુક ન કરી હોય તો હવે જલ્દી કરી લેશો. 

આ મહોત્સવમાં પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીનું દિવ્ય સાનિધ્ય અને પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પૂજ્ય ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય નારાયણપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી વગેરે 30થી વધારે બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-સમાગમ કરવાનો અને રાજી કરવાનો યોગ ફરીથી ક્યારે મળશે? જોજયો રખેને આવો અણમૂલો અવસર ચૂકાઈ ન જાય.

શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે "અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઇ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે."

તો આ ઈમેલને વ્યક્તિગત આમંત્રણ સમજીને અને ઘરનો પ્રસંગ સમજીને વહેલાસર ટિકિટ બુક કરી લેશો.

તેવું સાધુ શાંતિપ્રિયદાસના હેતથી જયશ્રી સ્‍વામિનારાયણ સાથે સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USAની યાદી જણાવે છે.

પૂજયપાદ ગુરૂવર્ય દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા સંતોની ૨૦૧૮ની સાલની સત્‍સંગ યાત્રા અંતર્ગત ૧૯ જુલાઇથી ૬ ઓગ. દરમિયાન યુ.કે.યુરોપ, ૭ થી ૨૦ ઓગ. દલાસ ટેકસાસ, ૨૧ થી ૨૭ ઓગ. શિકાગો ઇલિનોઇસ, ૨૮ ઓગ.થી ૫ સપ્‍ટેં. એટલાન્‍ટા જયોર્જીયા, ૬ સપ્‍ટેં.થી ૧૨ સપ્‍ટેં પરામસ ન્‍યુજર્સી, ૧૩ થી ૨૩ સપ્‍ટેં કેનેડા, ૨૪ થી ૩૦ સપ્‍ટેં ફોનિથી USA, ૧ ઓકટો થી ૮ ઓકટો લોસ એન્‍જલસ કેલિફોર્નિયા, ૯ થી ૧૪ ઓકટો સાન જોસ,૧૬ થી ૧૮ ઓકટો બેલ્‍જીયમ યુરોપ તથા ૧૯ થી ૨૨ ઓકટો. જર્મની ખાતે સત્‍સંગ વિચરણ કરશે.

આગામી ૩૦ જુલાઇથી પ ઓગ. દરમિયાન લંડન યુ.કે. ખાતે સત્‍સંગ અભ્‍યુધ્‍ય સત્ર યોજાશે. ૧૧ થી ૧૯ ઓગ. દરમિયાન દલાસ ટેકસાસ મુકામે મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશે. તથા ૧ થી ૩ સપ્‍ટેં દરમિયાન એટલાન્‍ટા મુકામે મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ  યોજાશે.

વિશેષ માહિતિ માટે પૂ.શાંતિપ્રિય સ્‍વામી (૯૭૨)૯૭૧-૧૭૫૫ અથવા પૂ.આનંદપ્રિય સ્‍વામી (૬૩૦)૩૭૩-૬૫૩૨નો  સંપર્ક સાધવા જમાવાયું છે.

(11:46 pm IST)