એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 28th May 2020

શિક્ષકો ,સરકારી કર્મચારીઓ ,તથા નિવૃતોની નિસ્વાર્થ સેવાના આજીવન ભેખધારી સ્વ.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી ડો.તુષારભાઈ પટેલના પૂજ્ય પિતાશ્રીની 10 મી પુણ્યતિથિએ તેમના પરિવાર અને અસંખ્ય અનુયાયીઓએ ભાવભરી શ્રદ્ધાંજલી આપી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી ડો.તુષારભાઈ પટેલના પૂજ્ય પિતાશ્રી સ્વ.ભુપેન્દ્રભાઈ પટેલની 15 મે ના રોજ દસમી પુણ્યતિથિએ તેમના પરિવાર ,તથા અસંખ્ય અનુયાયીઓએ ભાવભરી શ્રધ્ધાંજલી આપી હતી.
1932 ની સાલમાં 9 સપ્ટેમ્બરના રોજ  ગુજરાતના ખેડા ડિસ્ટ્રિક્ટમાં  જન્મેલા અને 15 મે 2010 ના રોજ મહાપ્રયાણ કરનારા શ્રી ભુપેન્દ્રભાઈ આજીવન શિક્ષક હતા.નોકરી દરમિયાન તેમણે  શિક્ષકોને તથા સરકારી કર્મચારીઓને મળતા ઓછા વળતર ,સહીત અન્ય પ્રશ્નોને વાચા આપી હતી. તેમજ નિવૃત્તિ પછી મળવાપાત્ર પેન્સન માટે પણ સરકાર સમક્ષ સબળ રજુઆત કરી સફળતા મેળવી હતી.સતત 4 દાયકા સુધીની   નિસ્વાર્થ સેવાઓ સાથે તેઓ શિક્ષકોના જુદા જુદા મંડળો સાથે વિવિધ હોદાઓ ઉપર કાર્યરત રહ્યા હતા.તેમજ રાજ્યસ્તરે ઉપરાંત કેન્દ્ર સ્તરે પણ આગેવાન તરીકે સેવાઓ આપી હતી.તથા અસહાય ને ગરીબ જીવન જીવતા  શિક્ષક સમુદાયને યોગ્ય વળતર અપાવી ખુમારીભર્યું જીવન જીવી શકવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું
સ્વ.શ્રી ભુપેન્દ્રભાઈની સામાજિક અને સેવાકીય કામગીરીથી પ્રસન્ન થયેલા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ તથા સંતરામ સેવા સમાજના પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા.મનુષ્ય સેવા એ જ પ્રભુસેવા સૂત્ર સાર્થક કરી જનાર સ્વ.શ્રી ભુપેન્દ્રભાઈની દસમી પુણ્યતિથિએ તેમના પરિવાર અને પરિવાર સમાન અસંખ્ય અનુયાયીઓએ ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે.તેવું ડો.તુષારભાઈ બી.પટેલની યાદી જણાવે છે.

(1:11 pm IST)