એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th January 2020

ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની એન્નરોજ જેરીનો મૃતદેહ સરોવરમાંથી મળ્યો: અકસ્માતે પાણીમાં પડી ગયાની આશંકા

મૃતદેહ પર બહારની કોઇ ઇજાના નિશાન મળ્યા નથી: તેનો મોબાઇલ પણ સલામત મળ્યો

વોશિન્ગટન: ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીની એન્નરોજ જેરીનો મૃતદેહ સ્ટેટ ઓફ ઇન્ડિયાનાના સેન્ટ મેરી સરોવરમાંથી મળ્યો હતો. તે 21 જાન્યુઆરીથી ગુમ હતી. તે યુનિવર્સિટી ઓફ નોટ્રેડમમાં અભ્યાસ કરતી હતી અને આ વર્ષે સાયન્સ બિઝનેસ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાની હતી. યુનિવર્સિટીએ જેરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.

જેરીના ગુમ થવાની સૂચના મળ્યા બાદ જ પોલીસ તેની શોધમાં હતી. પોલીસે ખતરાની આશંકાના લીધે સિલ્વર એલર્ટ પણ જાહેર કર્યું હતું. આગામી બે દિવસ સુધી જ્યારે તેની કોઇ ભાળ ન મળી તો સરોવર પાસે તેની શોધખોળ શરૂ કરવામાં આવી. હતી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેરીના પરિવારના જણાવ્યા પ્રમાણે તેના મૃતદેહ પર બહારની કોઇ ઇજાના નિશાન મળ્યા નથી. તેનો મોબાઇલ પણ સલામત મળ્યો છે. આશંકા એવી છે કે વોકીંગ કરતી વખતે અથવા તો જોગીંગના સમયે તે સરોવરમાં પડી ગઇ હશે. જેરીનો જન્મ કેરળના એર્ણાકુલમમાં થયો હતો. વર્ષ 2000માં તે પરિવાર સાથે અમેરિકા ગઇ હતી. તેના પિતા જેરી જેમ્સ IT નિષ્ણાંત છે અને માતા રેની જેરી ડેન્ટીસ્ટ છે.

(11:13 am IST)