એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd May 2018

વૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટ શિકાગોના સંચાલકો શ્રીજીદ્વાર હવેલીના દશાબ્‍દી પાટોત્‍સવની રંગેચંગે ઉજવણી કરશેઃ આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ ૧૬મી જુનના રોજ છપ્‍પન ભોગનું થનારૂ ભવ્‍ય આયોજનઃ વ્‍યાસ પીઠપર શ્રી વ્રજરાજકુમારજી ગોસ્‍વામી બીરાજમાન થશેઃ વૈષ્‍ણવ ભક્‍તોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઃ

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક એડીસન ટાઉનમાં વૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટ સંચાલીત શ્રીજીદ્વાર હવેલીનું ભવ્‍ય કલાત્‍મક મંદિર આવેલ છે અને તેને ચાલુ વર્ષે દસ વર્ષે પૂર્ણ થતા હોવાથી આગામી જૂન માસ દરમ્‍યાન ત્રણ દિવસ માટે પાટોત્‍સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે અને તે પ્રસંગે યુવા વૈષ્‍ણવાચાર્ય પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોધ્‍યશ્રી વ્‍યાસ પર બીરાજમાન થશે અને તેમની નિશ્રામાં આ દિવસો દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક આવેલ છે જેમાં ૧૬મી જુનને શનિવારે ૫૬ ભોગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વૈષ્‍ણવ સમાજના મહાનુભાવો મોટી સંખ્‍યામાં હાજરી આપીને તેની ઉજવણી કરશે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ વૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટના સંચાલકોએ સને ૨૦૦૧ની સાલ દરમ્‍યાન એડીસન ટાઉનમાં એક પ્રોપર્ટી ખરીદ કરી હતી અને ૨૦૦૬ના વર્ષના ઓકટોબર માસ દરમ્‍યાન મંદિરના નિર્માણના કાર્યનો આરંભ કરવામાં આવ્‍યો હતો અને તેને પૂર્ણ થયાને દસ વર્ષના જેટલો સમય પૂર્ણ થતા તેના દશાબ્‍દી વર્ષના ઉત્‍સવની જેને પાટોત્‍સવ કહેવામાં આવે છે તેની ઉજવણી આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્‍યાન કરવામાં આવનાર છે અને તે પ્રસંગની શાનદાર રીતે ઉજવણી થાય તે માટે વૈષ્‍ણવ સમાજના તમામ હરિભક્‍તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને તેમા નવ યુવાનો અને યુવતિઓ પણ આનંદ વિભોર બની ભાગ લઇ રહ્યા છે.

(11:59 pm IST)