એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th April 2019

અમેરિકામાં ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચુંટણીમાં બે મહિલાઓનો દબદબોઃ હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ તથા ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરીસ ટોપ ટેનમાં: ચૂંટણી ફંડ તથા મતદારોના સંપર્કની દષ્ટિએ સુશ્રી તુલસી ગબ્બાર્ડ આગળ હોવાનો AAPI નો અહેવાલ

ન્યુજર્સી : ર૦ર૦ ની  સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચુંટણીમાં બે મહિલા ઉમેદવારો ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. જેમાં હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ  તથા ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરીસનો સમાવેશ થાય છે.

જો કે આ બન્ને મહિલાઓમાં ચૂંટણી ફંડ ભેગું કરવાની તથા મતદારોના વ્યકિતગત સંપર્કની દ્રષ્ટિએ સુશ્રી તુલસી ગબ્બાર્ડ આગળ હોવાનું એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફીક આઇલેન્ડર્સ( AAPI)  એ બહાર પાડેલા ડેટા દ્વારા જાણવા મળે છે.

આ ડેટા મુજબ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ર લાખ ૩૭ હજાર ડોલરનું ફંડ ભેગું કરી લીધુ છે.  જયારે સુશ્રી કમલા હેરિસ ૭ર હજાર છસ્સો ડોલરના ચૂંટણી ફંડ સાથે સુશ્રી તુલસી કરતા ત્રણ ગણાથી પણ વધુ પાછળ છે. જો કે ગયા સપ્તાહમાં IMPACT FUND એ તેમને સમર્થન ઘોષિત કર્યુ તે સુશ્રી કમલાનું બહુ મોટું જમા પાસુ છે.

ન્યુજર્સી તથા કેલિફોર્નીયામાં ઇન્ડિયન અમેરિકન્સની સંખ્યા વધુ છે. ન્યુજર્સીમાં ૩ લાખ ૭૦ હજાર તથા કેલિફોર્નિયામાં ૭ લાખ ૧ર હજાર ઇન્ડિયન અમેરિકન્સ છે. તેમ છતા સુશ્રી હેરિસ માત્ર સુશ્રી તુલસી જ નહિં પરંતુ  અન્ય ડેમોક્રેટ ઉમેદવાર બુકર કરતા પણ ચૂંટણી ફંડ તથા ઇન્ડિયન કોમ્યુનીટીના સમર્થનની દષ્ટિએ પાછળ હોવાનું જણાય છે. તેમ છતા આ બંને મહિલા ઉમેદવારો ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. તે બાબત ભારતીયો માટે ગૌરવપ્રદ ચોકકસ ગણાય.

(9:22 pm IST)