એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st March 2019

શિકાગોમાં મહાવીર મહિલા મંડળની બહેનોએ પ્રથમ સામુહિક મિલન સમારંભનું કરેલું ભવ્ય આયોજન : આ વેળા ૧૭ર જેટલા પરિવારના સભ્યોએ આપેલી હાજરી : ભારતમાં ઉપધાન તપની આરાધના કરીને પાછા પરત ફરેલા એવા સુધાબેન ઝવેરી તથા કિરણબેન પ્રવિણભાઇ શાહનું કરવામાં આવેલું જાહેર સન્માન : તેમજ કિશોરચંદ્ર અને રશ્મીબેન દ્વારા ગયા ડીસેમ્બર માસ દરમ્યાન જૈન તિર્થોની યાત્રાનું જે આયોજન કરવામાં આવેલ જેમાં મંડળના રપ જેટલી બહેનોએ લાભ લીધો હતો તે બદલ આ બન્ને લાભાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું: ચાલુ વર્ષે ૧૬પ જેટલી બહેનો સભ્ય તરીકે આ મંડળમાં જોડાયેલી છે

(કપિલા શાહ દ્વારા)  શિકાગો :  શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો નામની સંસ્થા  છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યવંત છે અને તે સંસ્થામાં ઘણા વર્ષોથી મહાવીર મહિલા મંડળ  નામનું એક મહિલાનું સંગઠન કાર્ય કરે છે અને તે સંસ્થાના સંચાલકોએ પોતાના સભ્યો માટે ચાલુ વર્ષે પ્રથમ સામુહિક મિલન સમારંભનું આયોજન ગયા રવીવારે ૧૭ મી માર્ચના રોજ કેરોલસ્ટ્રીમ ટાઉનમાં આવેલ તાજમહાલ રેસ્ટોરન્ટમાં કર્યુ હતું. જેમાં ૧૭ર જેટલા ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

ચાલુ વર્ષે યોજવામાં આવેલ પ્રથમ સામુહિક મિલન સમારંભની શરૂઆત સાંજના પાંચ વાગ્યે થઇ હતી અને જેમ જેમ પરિવારના સભ્યો આ વેળા આવતા હતા તે સર્વેનું કમીટીની બહેનો આવકાર આપતી હતી અને તેઓ સર્વેને પોતાનું સ્થાન ંલઇ લેવા જણાવાતી હતી.  ત્યારે બાદ એપેટાઇઝરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો લાભ સર્વેએ આનંદ અને ઉલ્લાસથી લીધો હતો. આ કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ મહાવીર મહિલા મંડળના પ્રમુખ રશ્મીબેન કિશોરભાઇ શાહે પ્રાસંગિક પ્રવચન કરી મંડળની બહેનો તથા તેમના પરિવારના સભ્યોને આવકાર આપી સર્વેને આ વર્ષના પ્રથમ મિલન સમારંભનો આછેરો  ખ્યાલ આપ્યો હતો અને ત્યારબાદ રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો અંગે રમુજી રીતે તેની રજુઆત કરાતાં મોટા ભાગની બહેનોએ તેમાં ભાગ લીધો હતો.

આ વેળા ચાલુ વર્ષે ઉપધાન તપની આરાધના પૂર્ણ કરીને પાછા અત્રે ફરેલા એવા બે મહિલાઓ જેમાં સુધાબેન ઝવેરી કે જેમણે પોતાનાં બીજા ઉપધાન તપની આરાધના પૂર્ણ કરેલ છે તેમનું તથા (ર) કિરણબેન પ્રવિણભાઇ શાહ કે જેમણે પોતાનાં પ્રથમ ઉપધાન તપની આરાધના પૂર્ણ કરેલ છે એવા તપસ્વી બહેનોનું મહિલા મંડળના સભ્યો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષમાં ગયા વર્ષના ડીસેમ્બર માસની રજી તારીખથી ૧પ મી તારીખ દરમ્યાન અત્રેના રોઝેલ ટાઉનમાં વસવાટ કરતા કિશોરચંદ્ર છગનલાલ શાહ કછોલીવાળા તથા રશ્મીબેન કિશોરચંદ શાહ દ્વારા (૧) શંખેશ્વર (ર) રાજસ્થાનમાં આવેલા જીરાવાલા પાર્શ્વનાથ તીર્થ (૩) જોધપુર (૪) જેસલમેર (પ) કચ્છ ભદ્રેશ્વર તથા (૬) પાલીતાણા જૈન તીર્થોની જે જાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ મંડળની રપ જેટલી બહેનો તેમાં જોડાઇ હતી અને આ વેળા મંડળની બહેનો દ્વારા કિશોર તથા રશ્મીબેનનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

મહિલા મંડળના જોઇન્ટ ટ્રેઝરર ગીતાબેન હસમુખભાઇ શાહે અમારી મુલાકાતમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે અમારા મંડળમાં ૧પ૮ જેટલી બહેનો સભ્ય તરીકે જોડાઇ હતી અને આખા વર્ષ દરમ્યાન અમોએ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરી હતી જેમાં સ્નાનપૂજાઓ, બોલીંગ, પીકનીક, મીનાઓટા ટાઉનની ટ્રીપ, ડલ્લાસ જૈન મંદિરના ચૈત્ર પરી પાર્ટીના પ્રવાસના, કાર્યક્રમોનું આયોજનનો સમાવેશ થાય છે અને તેની સાથે સાથે જૈન સોસાયટીના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મહિલા મંડળની બહેનો અગ્રીમ સ્થાને રહે છે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

આ વેળા મહિલા મંડળના સેક્રેટરી દર્શનાબેન શાહ, તેમજ ઉપપ્રમુખ વિશ્વા વસાણવાલે તથા ટ્રેઝરર દિપિકા શાહે અમોને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહિલા મંડળની બહેનો દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે અને તેની વિગતો અમોએે તૈયાર કરેલ છે. આવતા મહિનામાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ મહોત્સવ તેમજ પર્યુષણ પર્વની પણ જે આરાધના થનાર છે તેમાં અમો સહભાગીદાર બની તેની શાનદાર રીતે ઉજવણી કરીશુ એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

આ વર્ષે મહાવીર મહિલા મંડળના ૧૬પ જેટલી બહેઓએ સભ્ય તરીકે પોતાના નામો  નોંધણી કરાવેલ છે એવું રંજનબેન શેઠ અને સુધાબેન શાહે જણાવ્યું હતું.

સુંદર સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ વિખુટા પડ્યા હતા.

 

(12:36 pm IST)