એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 23rd November 2019

યુ.એસ.માં ન્યુજર્સી મુકામે 16 નવેમ્બરના રોજ સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની બેઠક યોજાઈ : વાર્તા, અનુવાદ, નાટક વાર્તા વિભાવના અને વ્યંગ સાહિત્ય રચતા અતિથિ સર્જકોએ પોતાના સર્જનોનું રસદર્શન કરાવ્યું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની બેઠક શનિવાર, તારીખ ૧૬ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ સાંજે ન્યૂ જર્સી ખાતે ઓલ્ડબ્રીજ રોટરી સિનિયર હાઉસિંગના બેઝમેન્ટમાં કમ્યુનીટી રૂમમાં યોજાઈ ગઈ.

સ્વ. રામપ્રસાદ બક્ષીજી દ્વારા શુદ્ધ સાહિત્યની ઉપાસનાના ઉદ્દેશ્યને લઈને સ્થપાયેલી આ સંસ્થાનો ઉપક્રમ સદૈવ ગુજરાતી સાહિત્યની તમામ વિધાઓમાં સર્જાતા સાહિત્યનું ગુણદર્શન ભાવકોને કરાવવાનો હોય છે. એજ તરાહને અનુસરીને સંસદની અગાઉની બેઠકોમાં વાર્તા, અનુવાદ, નાટક વાર્તા વિભાવના અને વ્યંગ સાહિત્ય રચતા અતિથિ સર્જકોએ પોતાના સર્જનોનું રસદર્શન કરાવ્યું હતું. આ માસની બેઠકમાં પ્રારંભે મંત્રી શ્રી નંદિતા ઠાકોરે અતિથિ સર્જક શ્રી અશોકભાઈ વિદ્વાંસને અને ઉપસ્થિત સૌ ભાવકોને આવકાર્યા હતા. 

સામર્થ્યવાન સર્જક અને ગુજરાતી અને મરાઠી બંને ભાષાસાહિત્યમાં સર્જનપ્રદાન કરતા અમેરિકાના ગુજરાતી જનસમૂહ અને ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજ, વિબુધ સાહિત્યસેવી, સૂક્ષ્મગ્રાહી અને કુશળનિરૂપક શ્રી અશોક વિદ્વાંસ જન્મે એક કુળવાન મરાઠી માણુસ હોવા છતાં ગુર્જર ધરાનું પયપાન કરીને ગુજરાતમાં અને કાઠિયાવાડમાં ઉછરેલા પરંતુ કર્માધીન ભારતમાં ઠેરઠેર નિવાસ કરીને છેલ્લા ઘણાં દશકથી અમેરિકામાં નિવાસ કરતા શ્રી અશોક વિદ્વાંસ એક સવાઈ ગુજરાતી સર્જક છે. વ્યવસાયે રિટાયર્ડ એન્જિનિયર શ્રી અશોકભાઈએ ગુજરાતી પરંપરા, ગુજરાતી સંસ્કાર અને ગુજરાતી ભાષાને આત્મસાત્ કરી છે. અપ્રતિમ પ્રતિભાવાન, નિષ્ઠાવંત અને શ્રેષ્ઠ અનુવાદક સાક્ષર પિતા શ્રી ગોપાલરાવ વિદ્વાંસના ભાષાકર્મનો સંસ્કાર વારસો નિભાવતા શ્રી અશોકભાઈ સંનિષ્ઠ અનુવાદક અને શ્રેષ્ઠ સર્જક છે. સાહિત્ય સંસદની આ સભામાં રમ્ય અને હૃદયંગમ રેખાચિત્રોના નિર્માતા વિશ્વ સાહિત્યના અભ્યાસુ શ્રી અશોક વિદ્વાંસે વિલિયમ વર્ડઝવર્થનાં અંગ્રેજીકાવ્ય ”સોલીટરી રીપર”નો મુક્ત અનુવાદ “ખીણનું ગીત” નામે રજૂ કર્યું હતું તો એ ઉપરાંત એમણે એમના સર્જનાત્મક સાહિત્યમાંથી વાર્તા, નિબંધ, વ્યક્તિચરિત્ર્ય, અને કવિતાનાં પઠન દ્વારા ભાવકોને રસતરબોળ કરી દીધા હતાં. એમની વાર્તા “લગ્ન અને ધર્મ”માં પ્રયોજાયેલો ઘટનાક્રમ ઉપસ્થિત ભાવકોના પરિવાર કે આસપરિવારની ઘટનાનું સ્વકથન હોવાનો અહેસાસ થયો હતો તો “કાઠિયાવાડી ઘર” નામક કવિતાએ ભાવકોના પોતાના ગામ અને ઘર સાથે અનુસંધાન કરી આપ્યું હતું. શ્રી અશોક વિદ્વાંસનું અનુવાદિત સાહિત્ય હોય કે પછી એમની કવિતા,વાર્તા,વ્યક્તિચરિત્રો,અભ્યાસ લેખ કે નિબંધ હોય એ સર્વમાં ભારોભાર ગુજરાતીતા છલકે છે. અત્યંત સરળ અને આડમ્બર વગરનું એમનું ભાષાકર્મ તમામ વર્ગના ભાવકોનાં રસરૂચીને સ્પર્શે એવું છે.

સાહિત્ય સંસદની પ્રથા અનુસાર શ્રી અશોક વિદ્વાંસની રજૂઆત બાદ ઉપસ્થિત ભાવકોએ એમના પ્રતિભાવ આપ્યા હતા અને સભામાં એમના સર્જનોની અત્યંત રોચક રજૂઆત બદલ તમામ ભાવકોએ અહોભાવ પ્રકટ કર્યો હતો. આ સભાની વિશેષતા એ હતી કે એમાં ઓલ્ડબ્રીજ રોટરી સિનિયર હાઉસિંગના ઘણાં બધાં નિવાસી વયસ્ક સદસ્યો પણ ઉપસ્થિત હતા અને એમણે એક અવાજે આવા કાર્યક્રમ અવારનવાર કરવા સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાને વિનંતી કરી હતી.શ્રી વિજય ઠક્કરની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)