એન. આર. આઈ. સમાચાર
News of Monday, 22nd July 2019

" વ્હોટ્સ એપના માધ્યમનો દુરુપયોગ " : UAEમાં રહેવા જમવાનું ફ્રી અને માસિક 22 હજાર રૂપિયાનો પગાર : લેભાગુ એજંટએ કેરળના 9 લોકોને ફસાવ્યા

દુબઇ : વ્હોટ્સ એપના માધ્યમનો દુરુપયોગ કરી એક લેભાગુ એજંટએ કેરળના 9 લોકોને ફસાવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ એજંટએ વ્હોટ્સ એપના માધ્યમ દ્વારા લલચામણી જાહેરાત મૂકી હતી જેમાં રહેવા જમવાનું ફ્રી અને માસિક 22 હજાર રૂપિયાનો પગાર તેવું જણાવતા કેરળના અનેક લોકોને રસ જાગ્યો હતો જે પૈકી 9 લોકો  ફસાઈ ગયા હતા.અમુકએ તો માતાના દાગીના ગીરો મૂકી વિઝા લેવા માટેના 70 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.પરંતુ ત્યાં પહોંચ્યા પછી ફસાઈ ગયા હોવાની ખબર પડતા સ્થાનિક દૂતાવાસનો સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દૂતાવાસ અધિકારીઓએ આ અગાઉ પણ આવી જાહેરાતોની વિશ્વસનીયતા તપાસી પછી જ ફીનું  ચુકવણું કરવા જણાવેલું છે.જે માટે તેમણે દૂતાવાસના અધિકારીઓનો પણ સંપર્ક કરવા જણાવેલું છે.તેમ છતાં છાસવારે આવા બનાવો બનતા જોવા મળે છે.

 

(12:28 pm IST)