એન. આર. આઈ. સમાચાર
News of Monday, 20th May 2019

શ્રી સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર ટોરંટો-કેનેડા ખાતે યોજાઈ સત્સંગ સભા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ જીય્ફઁ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ટોરંટો-કેનેડા ખાતે આવેલા શ્રી સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર ખાતે પધારતા મંદિરના કાર્યકર્તાઓ શ્રી પંકજભાઈ શાહ, ગોકુલજી, મહેશભાઈ પટેલ, રશ્મિનભાઈ, ચિમનભાઈ પટેલ વગેરેએ પૂજ્ય સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. મંદિરના પુજારી શ્રી અક્ષયભાઇ તેમજ રશ્મિનભાઈએ સ્વામીશ્રીના હસ્તે મંદિરમાં બિરાજમાન દેવોનું પૂજન કરાવ્યું હતું. યોગાનુયોગ આજે 'મધર્શ ડે' હોવાથી સ્વામીજીનું સંપૂર્ણ પ્રવચન માતૃશક્તિની વંદના ઉપર હતું. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, 'ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીસ્વામિનારાયણ વગેરે મોટા મોટા અવતારો પણ માતા-પિતાનું પૂજન-સેવા કરતા.

માતાના વાત્સલ્યના માત્ર મનુષ્યમાં જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓમાં પણ અદ્ભુત દર્શન થાય છે. પેગ્વીન જેવા પક્ષીઓ કેટલું કષ્ટ વેઠીને પોતાના બચ્ચાઓનો ઉછેર કરે છે. ગાય, સિંહણ, હાથણી જેવા પ્રાણીઓમાં પણ ગજબના માતૃત્ત્વના દર્શન થાય છે. માત્ર સંપત્તિથી નહીં, માતા-પિતાના આશીર્વાદથી સુખ-શાંતિ મળે છે.'

સ્વામીશ્રીએ સનાતન મંદિર સાથેના વ્યક્તિગત સંબંધોને યાદ કરતા જણાવ્યું હતું કે, 'વર્ષો પહેલા આ જ મંદિરનું ખાતમુહૂર્ત અમારા હસ્તે થયું હતું અને ભાગવત કથા થઈ હતી. પૂજ્ય કૃષ્ણશંકરદાદા આ સનાતન મંદિરનાં નિર્માણનાં પ્રેરણાસ્રોત રહ્યા છે. આ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા દાદાજીના હસ્તે થઈ છે. વિદેશની ધરતી ઉપર આ પહેલું સનાતન મંદિર બન્યું, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ બિરાજે છે. આ મંદિર સનાતન ધર્મના સમન્વય સમાન છે. આ કેન્દ્રનો સતત વિકાસ થતો રહે એવી અમે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.' પૂજ્ય સ્વામીજીના મુખેથી માતૃવંદનાનું ભાવવાહી પ્રવચન સાંભળીને શ્રોતાઓ ભાવવિભોર થયા હતા. મોટી સંખ્યામાં ભક્તજનોએ પધારી આ પ્રવચનનો લાભ લીધો હતો.

(11:49 am IST)