એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th April 2018

વૈશાખી તહેવાર ઉજવવા પાકિસ્‍તાન ગયેલી ભારતના પંજાબની યુવતિએ મુસ્‍લિમ યુવક સાથે લગ્ન કરી લીધાઃ મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી વીઝાની મુદત વધારી દેવા અરજી કરી

ઇસ્‍લમાબાદઃ શીખોમાં ખૂબ લોકપ્રિય ગણાતો વૈશાખી તહેવાર ઉજવવા માટે પાકિસ્‍તાન ગયેલી પંજાબના હોશિયારપુર જીલ્લાની યુવતિએ લાહોરના જ એક મુસ્‍લિમ યુવાન સાથે લગ્ન કરી લઇ મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી લીધો છે. તેમજ પોતાના વીઝાની મુદત લંબાવવા અરજી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પંજાબના હોશિયારપુર જીલ્લામાં રહેતા શીખ સજ્જન મનોહરલાલની પુત્રી કિરણબાલા શીખ સમુહ સાથે વૈશાખી તહેવાર ઉજવવા પાકિસ્‍તાન ગઇ હતી. તેણે લાહોરના વતની યુવાન મોહમ્‍મદ આઝમ સાથે લગ્ન કરી લઇ, મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી પોતાનું નામ આમના બીબી રાખી દીધુ છે. તથા ભારત પાછા જવા વીઝાની મુદત વધારી દેવા આ નામથી વિદેશ મંત્રાલયને અરજી કરી છે. તેના વીઝાની મુદત ૨૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ પૂરી થાય છે સ્‍થાનિક સમાચાર સૂત્રોના અહેવાલ મુજબ તેને હત્‍યાની ધમકી મળી હોવાથી ભારત પાછા ફરવામાં જાનનું જોખમ જણાવાથી તેના વીઝાની મુદત વધારી દેવાશે. 

(10:55 pm IST)