એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th March 2020

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની નિશ્રામાં ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરોમાં સૌ પ્રથમવાર ૨૧ કુંડી મહાવિષ્ણુયાગ કેરોના મહામારી થીરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી

કેનબરો (ઓસ્ટ્રેલિયા) તા. ૧૮ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ઓસ્ટ્રેલિયાની સત્સંગયાત્રાએ પધાર્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં થોડા સમય પહેલા જ ભયંકર દાવાનાળ લાગ્યો હતો. લાખો પશુ-પક્ષીઓને આ દાવાનળ ભરખી ગયો હતો. આ વાતના અનુસંધાને અને મહામારી સ્વરૂપ કોરોના વાઈરસના પ્રકોપને અનુસંધાને સ્વામીશ્રીની પ્રેરણાથી ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરાના વિષ્ણુશિવા ટેમ્પલમાં ૨૧ કુંડી શ્રીમહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તજનોએ આ વિષ્ણુયાગમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

સ્વામીશ્રી સાથે ઓસ્ટ્રેલિયા વિચરણ કરી રહેલા દર્શનમ્‌સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન શાસ્ત્રી જ્વલંત મહારાજ અને મંદિરના પૂજારીશ્રીએ વિધિપૂર્વક યજ્ઞ કરાવ્યો હતો.

આ પ્રસંગે સ્વામીશ્રીએ યજ્ઞનો મહિમા સમજાવતા રહ્યું હતું કે, યજ્ઞ ત્રણ હેતુઓ માટે છે. ઇષ્ટદેવનું આરાધન, દાન અને સમાજની એકતા. આપણે પ્રેમથી ભગવાનનું આરાધન કરીએ તો પરમાત્મા અવશ્ય આપણી પ્રાર્થના સાંભળે છે. ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી વધે, દાવાનળમાં ભોગ બનેલા પશુપક્ષીઓના આત્માઓનું કલ્યાણ થાય, કોરોના વાઈરસની મહામારીનો પ્રકોપ શાંત થાય એવી આપણે શ્રીહરિનાં ચરણોમાં પ્રાર્થના કરીએ.

આ પાવન પ્રસંગે કેનબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી ગુપ્તાજી, હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, સુપ્રસિદ્ધ પ્રોફેસર શ્રી હિમાંશુભાઈ, ગુજરાતના વિશ્વ હિન્દુ પરિશદના અગ્રણી શ્રી કૌશિકભાઈ, વિષ્ણુશિવા ટેમ્પલના ટ્રસ્ટીઓ શ્રી દામોજી વગેરે અનેક ગણમાન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામના પાઠવી હતી.

ઓસ્ટ્રેલિયા જેવા દૂર દેશમાં ૨૧ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન ખૂબ શ્રદ્ધા માગી લે છે. પરંતુ એસજીવીપી ગુરુકુલ ઓસ્ટ્રેલિયાના ભાઈ-બહેનોએ ઉત્સાહથી આ આયોજન ઉપાડી લીધું હતું. સાથે સાથે કચ્છના યુવાનો તથા વડતાલધામના સત્સંગીઓ તથા મંદિરની કમિટિના સભ્યોએ આ આયોજનમાં ખૂબ જ સહકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા ખાતે આ આયોજન ખૂબ જ અદભુત રહ્યું હતું.

(2:15 pm IST)