એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th February 2019

પુલવામા એટેકના શહીદો માટે BAPSના ઉપક્રમે વિશ્વભરમાં પ્રાર્થના સભાના આયોજનો કરાયાઃ પૂજ્ય મહંત સ્વામીએ શ્રદ્ધાંજલી આપી શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીઃ નોર્થ અમેરિકાના ૧૦૦ મંદિરોમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ હાજરી આપીઃ શહીદોના રાહત ફંડ માટે ૧૦ મિલીયન રૂપિયાનું ડોનેશન આપ્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલવામામાં ૧૪ ફેબ્રુ.ના રોજ પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ હૂમલો કરી ૪૪ CRPF જવાનોને મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારત ઉપરાંત વિશ્વમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. દેશમાં દરેક સ્થળો ઉપર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અપાઇ રહી છે. તેવા સંજોગોમાં BAPSના પૂજ્ય મહંત સ્વામીએ શહીદોને શ્રદ્ધાંજલી પાડવી તેમના આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરી છે. તથા ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થઇ જાય તેવા આશિર્વાદ પાઠવ્યા છે. તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવી છે.

સમગ્ર વિશ્વમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ઉપરાંત નોર્થ અમેરિકામાં આવેલા ૧૦૦ જેટલા મંદિરોમાં પણ પ્રાર્થનાસભાના આયોજન દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

આ પ્રાર્થનાસભામાં ટેકસાસમાં આવેલા ઇરવીંગના પોલીસ ડીપાર્ટમેન્ટ ચિફ જેફ સ્પાઇવીએ પણ હાજરી આપી હતી તથા જણાવ્યું હતું કે આ જવાનો ઉપરનો આતંકી હૂમલો આપણા સહુ ઉપરનો હૂમલો છે. આ તકે ઓર્લાન્ડો ફલોરિડા ખાતેથી પ્રાર્થનાસભામાં હાજરી આપવા આવેલા ડો. જૈમન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ ૪૪ જવાનોની ચિર વિદાયથી તેમના પરિવારને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. આપણે સહુ તેમની સાથે છીએ.

BAPS ઓર્ગેનાઇઝેશને આ શહીદોના રાહત ફંડ માટે ૧૦ મિલીયન રૂપિયા આપ્યા છે. આ ઓર્ગેનાઇઝેશન સમગ્ર વિશ્વમાં સેવાકીય કાર્યો માટે તથા ભાવિ પેઢીના ઘડતર ઉપરાંત હિન્દુ સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. જેના વિશ્વ સ્તરે ૩૩૦૦ જેટલા સેન્ટર છે. આ BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૬ઠ્ઠા આદ્યાત્મિક વારસદાર છે તેવું BAPS નોર્થ અમેરિકા મીડિયા વતી શ્રી લેનિન જોશીની યાદીમાં જણાવાયું છે.

(6:33 pm IST)