એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 17th October 2019

મૂળ ભારતના શંકરે અમેરિકામાં ૪ પરિવારજનોની હત્યા કરીઃ હાહાકાર

મોટરમાં લાશો લઈ ઘૂમતો રહેલ અને પોલીસ સમક્ષ હાજર થયોઃ મૃતદેહો સાથે કોઈ પોલીસ મથકે પહોંચ્યું હોય તેવી ''રેર'' ઘટના

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય મૂળના શંકર નાગપ્પા હાંગડુ (૫૩)ની પોલીસે ચાર વ્યકિતની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શંકરે સોમવારે કાર લઈને પોલીસ મથક પહોંચીને જાણ કરી કે, તેણે રોજવિલે ખાતે આવેલા પોતાના ઘરમાં પરિવારના જ ચાર સભ્યોની હત્યા કરી છે.

શંકર હાંગડુ જે રીતે અપરાધનો સ્વીકાર કરી રહ્યો હતો તે જોઈને પોલીસ પણ હેરાન હતી.

શંકર પોતાની કારમાં જ મૃતદેહ લઈને ફરી રહ્યો હતો. શંકરે કરેલી કબૂલાત પછી પોલીસે કારમાંથી એક પુખ્ત અને બે બાળકોનાં મૃતદેહનો કબજો લીધો હતો.

સાર્જન્ટ રોબર્ટ ગિબન્સે જણાવ્યું હતું કે, શંકર બપોરે ૧૨ના સુમારે પોલીસ મથક પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, તે હત્યાનો ગુનો કબૂલવા માગે છે. પોલીસ તેની વાત પર વિશ્વાસ નહોતી મૂકી રહી.

પરંતુ જયારે તેની કાર અને તેના એપાર્ટમેન્ટમાંથી ચાર મૃતદેહો મળી આવતાં પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે કહ્યું કે, કેસ અનોખો છે. આજ સુધી કોઈ વ્યકિત મૃતદેહો સાથે પોલીસ મથક પહોંચ્યો હોય તેવું જાણમાં નથી.

હજુ સુધી આ હત્યાઓ પાછળનો હેતુ જાણી શકાયો નથી. પોલીસ અધીકારી ડીટેકટીવ સીમોને પબ્લિકને અપીલ કરી છે કે આ પરિવારને તેઓ જાણતા હોય તો રોઝવીલે પોલીસ ડીપાર્ટમેન્ટનો સંપર્ક સાધે. આ મૃતદેહોની ઓળખ માટે ભારે પ્રયાસો થઈ રહ્યો છે. આ તમામના મોત કઈ રીતે થયા તે પોસ્ટમોર્ટમ અહેવાલ મળ્યે ખ્યાલ આવશે. મૃતકોમાં બાળકો કે કિશોર વયના છે કે કેમ તે કહેવા પોલીસે ઈન્કાર કરેલ. હત્યા કરનાર ડાટા સ્પેશ્યાલીસ્ટ છે અને તેના ઉપર ૧૭,૮૦૦ ડોલરનો ટેક્ષ બાકી બોલે છે. સંક્રામેન્ટો અને 'બે' વિસ્તારમાં કેટલીક કંપની માટે તેણે કામ પણ કર્યું છે.

જો કે ૫૩ વર્ષના શંકર નાગપ્પા હેન્ગુડના નિવાસ સ્થાન રોઝવીલેથી એક પુખ્તવયના અને બે સગીર વયના મળી ૩ લાશો મળી આવી છે.

રોઝવીલેથી શંકર, તેની કારમાં મળી આવેલ મૃતક, સાથે એક અઠવાડીયા પૂર્વે નીકળી ગયેલ અને ઉત્તર કેલીફોર્નીયામાં અલગ અલગ સ્થળે ફરીને પોતાના ઘરથી ૨૧૨ માઈલ દૂર માઉન્ટ સાસ્તા ખાતેના પોલીસ મથકે પહોંચેલ. તેણે થોડા દિવસો પૂર્વે નિવાસ સ્થાને હત્યા કરી હશે તેવું મનાય છે.

(11:22 am IST)