એન. આર. આઈ. સમાચાર
News of Monday, 16th April 2018

અમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ

કેલિફોર્નિયાઃ અમેરિકામાં જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)એ ૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ ‘‘મહાવીર જન્‍મ કલ્‍યાણકદિન'' નિમિતે લોસ એન્‍જલસ મુકામે મળેલી એકઝીકયુટીવ કમિટીની મીટીંગની એક ઐતિહાસિક તથા પ્રેરણાદાયી ઘોષણા કરી સમગ્ર વિશ્વને નવો રાહ ચિંધાડયો છે. જે મુજબ જૈન સેન્‍ટર કોઇ પણ જાતના દૂધની બનાવટ વગરની તથા માત્ર શુધ્‍ધ અને શાકાહારી (વેગાન) વાનગીઓ જ પીરસશે. જે એપ્રિલ ૨૦૧૮ થી જ અમલી બની જશે. જેનો અમલ ડીસેં. ૨૦૧૮ સુધી ચુસ્‍તપણે કરાશે.

સાથોસાથ ઉપરોક્‍ત મહાવીર જયંતિના દિવસે પણ ઉપસ્‍થિત એક હજાર ઉપરાંત લોકોને સેન્‍ટર દ્વારા શુધ્‍ધ શાકાહારી તથા દુધની બનાવટ વગરની (વેગાન) વાનગીઓ જમાડવામો આવી હતી. આ એક હિંમતભર્યુ અભૂતપૂર્વ, અને ઐતિહાસસિક પગલુ હતું. જે માટે સોસાયટીના નવ નિયુક્‍ત પ્રેસિડન્‍ટ શ્રી ડો. જશવંતભાઇ મોદીના મંતવ્‍ય મુજબ આ કાર્ય તેમની એકઝીકયુટીવ કમિટીના ૧૫ સભ્‍યોના સહકારથી શક્‍ય બની શકયુ હતુ.

ડો.મોદીના મત મુજબ જૈન ધર્મના પાયાના સિધ્‍ધાંત ‘અહિંસા'ને ધ્‍યાનમાં લેતા દુધાળા પશુઓનું દૂધ ઉપયોગમાં લેવું તે ક્રુરતા છે. આ દૂધ માદા પશુ દ્વારા તેના બચ્‍ચાને જન્‍મ આપ્‍યા પછી તેને પોષણ આપવા માટેનું છે. જે મનુષ્‍યની માફક પશુઓને પણ લાગુ પડે છે. જે રીતે સ્‍ત્રી બાળકને જન્‍મ આપે પછી તેને સ્‍તનપાન કરાવી પોષણ આપે છે તેજ રીતે માદા પશુ પણ પોતાના બચ્‍ચાને  જન્‍મ આપ્‍યા પછી દૂધ દ્વારા પોષણ આપી શકે તેવી કુદરતની રચના છે. જે ગાય, ભેંસ જેવા સસ્‍તન પ્રાણીઓ દ્વારા તેમના બચ્‍ચા કે વાછડા માટેનું દૂધ લઇ લેવું તે નવા જન્‍મેલા આ વાછડાઓના મોઢેથી કોળિયો છીનવી લેવાનું ક્રુર કાર્ય ગણાય.

કુદરતની રચના મુજબ સ્‍ત્રી કે માદા પશુઓ જેવા કે ગાય કે ભેંસ માતા બને પછી જ દૂધ આપે છે. જે તેના નવજાત શિશુ કે બચ્‍ચાનો ઉછેર થઇ જાય પછી દુઝવાનું બંધ થઇ જાય છે આ સમયગાળા દરમિયાન નવજાતના પોષણ માટેનું દૂધ લઇ લેવું તે ક્રુરતા જ છે. તથા જૈન સિધ્‍ધાંત મુજબ હિંસા કરવાનું પાપ થાય છે.

JCSCએ  અમલી બનાવેલો આ મહત્‍વનો નિર્ણય મુંબઇ સ્‍થિત ગુરૂદેવ ૯૬ વર્ષીય પૂ.ચિત્રભાનુજીને શ્રી મતિ પ્રમોદાબેન દ્વારા જાણવા મળ્‍યો ત્‍યારે તેઓ ખુશ થઇ ગયા હતા. જૈન સેન્‍ટર ઓફ શિકાગોના ઉપક્રમે જુન ૨૦૧૮માં  મંદિરના ૨૫મા વાર્ષિક સ્‍થાપના દિન નિમિતે પૂજય ગુરૂદેવશ્રી ચિત્રભાનુજીની અર્ધપ્રતિમા સેન્‍ટરમાં  મુકવાનો નિર્ણય કરાયો છે જેઓ વર્ષોથી આ પ્રકારના માદા પશુઓના દૂધની વાનગીઓ વગરના તથા શાકાહારી ભોજન લેવા માટેના પ્રચાર માટે કાર્યરત છે. તેમની કામગીરીને વેગ અપાશે.

છેલ્લા ૧૦ થી ૨૦ વર્ષથી JAINA કમિટી તેમજ અનેક જૈન વેગાન વ્‍હોટસએપ ગૃપ યુ.એસ. ઉપરાંત કેનેડા, ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્રે પ્રચાર કરવા માટે કાર્યરત છે. જે અહિંસાને પ્રોત્‍સાહન આપવા માટે છે. જે માટે જૈન એજ્‍યુકેશન કમિટીના ઉપક્રમે સાહિત્‍ય લેખો તથા પુસ્‍તક દ્વારા પ્રચાર પણ કરવામાં આવે છે. તેમજ જૈન કોમ્‍યુનીટી સંચાલિત પાઠશાળાઓમાં પણ વેગાન ફુડનો પ્રચાર કરવામાં આવે છે.

વેગાન ફુડ એટલે કે દૂધ માંથી બનતી વાનગીઓ સિવાયની અને માત્ર શાકાહારી વાનગીઓના આહાર માટે યુ.કે.નું જૈન વેગન ગૃપતેમજ શ્રી દિગંબર જૈન એશોશિએશન (SDJA)ના ૪૦૦ ઉપરાંત મેમ્‍બર્સએ તો ૨૦૧૪ની સાલમાં જ તમામ જૈન ઉત્‍સવોમાં માત્ર વેગાન વાનગીઓજ પીરસવાનું શરૂ કરી દીધુ છે. જેનો વ્‍યાપ જુદા જુદા વ્‍હોટસ એપ ગૃપ દ્વારા તેમજ જૈન સાધુ સાધ્‍વીઓ દ્વારા ભારતમાં પણ થઇ રહ્યો છે. જેથી ભાવિ પેઢી દૂધની બનાવટ સિવાયની શાકાહારી વસ્‍તુઓ જ આરોગે તેવા પ્રયત્‍નો થઇ રહ્યા છે. આ માટે અન્‍ય અનેક જૈન ગૃપો પણ ચોક્કસ કાર્યરત હશે જ તેવું JAINA એજ્‍યુકેશન કમિટી, તથા ઇલાયબ્રેરી વેબસાઇટ ઇન્‍ચાર્જ, તથા કોમ્‍પીટીશન કો-ઓર્ડિનેટર તથા ચેરપર્સન શ્રી પ્રવિણ કે શાહ (૯૧૯ ૮૮૯ ૧૯૦૦)ની યાદીમાં જણાવાયુ છે તથા આ અંગે વિશેષ ટીકા ટીપ્‍પણ કે અભિપ્રાય આપવા https://jainaeda.blogspot.com/2018/04/hats-off-to-jain-center-of-southern.html નો સંપર્ક સાધવા જણાવ્‍યું છે.

(10:11 pm IST)