એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th November 2021

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા હોબોકેન શહેરના મેયર તરીકે રવિ ભલ્લા બીજી ટર્મમાં બિનહરીફ વિજેતા

ન્યુજર્સી : અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા હોબોકેન શહેરના મેયરની ચૂંટણીમાં 2 નવેમ્બરના રોજ શીખ અમેરિકન રવિ ભલ્લા બીજી ટર્મમાં બિનહરીફ વિજેતા થયા છે.

ભલ્લા ન્યૂ જર્સીમાં ઓફિસ માટે સીધા ચૂંટાયેલા પ્રથમ શીખ અમેરિકન તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમણે હોબોકેન સિટી કાઉન્સિલમાં ત્રણ ટર્મ સેવા આપી હતી અને પછી મેયરની સીટ માટે છ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં 2017 માં વિજયી થયા હતા. ભલ્લાએ તે વર્ષે ભૂતપૂર્વ મેયર ડોન ઝિમરનું સમર્થન મેળવીને વિજય મેળવ્યો હતો.

ભલ્લાની પેનલમાં સિટી કાઉન્સિલ પદ માટે ત્રણ અન્ય ઉમેદવારો હતા. જિમ ડોયલ, એમિલી જબ્બોર અને જો ક્વિન્ટેરો. આ ત્રણેય ઉમેદવારોએ પણ તેમની બેઠકો જીતી લીધી હતી.

લીગ ઓફ કન્ઝર્વેશન વોટર્સે ભારતીય અમેરિકન મેયરને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. “રવિ ભલ્લાને, હોબોકેન મેયર તરીકે તમારી જીત બદલ અભિનંદન! અમે તમારા સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુરક્ષિત રાખવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છીએ," LCV એ ટ્વિટમાં લખ્યું.

તેમની જીત પછી ઇન્ડિયા વેસ્ટને મોકલવામાં આવેલા નિવેદનમાં, ભલ્લાએ તેમને અને તેમની સ્લેટને સમર્થન આપવા બદલ હોબોકેનના રહેવાસીઓનો આભાર માન્યો હતો. તમારા મેયર તરીકે સેવા આપવી એ જીવનભરનું સન્માન રહ્યું છે, અને અમે સાથે મળીને પ્રગતિના સોપાનો સર કરીશું તેમ જણાવ્યું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:34 am IST)