એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th October 2018

અમેરિકા- કેનેડામાં બિરાજશે કડવા પાટીદારના કુળદેવીઃ બનશે ભવ્ય મંદિરો

આવતા બે વર્ષમાં અમેરિકા અને કેનેડામાં છ નવા મંદિરો બનાવવામાં આવશે. હાલ માત્ર એક જ ઉમિયા માતાનું મંદિર નોર્થ અમેરિકાના જયોર્જિયાના મેકોન પ્રાંતમાં આવેલું છે

અમદાવાદ, તા.૧૩: નોર્થ અમેરિકાના ગુજરાતીઓ રંગેચંગે આ નવરાત્રિ તો ઉજવી જ રહ્યાં છે. આ સાથે જ કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાના સ્વાગત માટે પણ થનગની રહ્યાં છે.

જયારે બાકીના મંદિર ઈલિનોઈઝ, ન્યૂ જર્સી, કેન્ટુકી, ઓહાયો અને કેલિફોર્નિયામાં આકાર લેશે. આ ઉપરાંત કેનેડાના ટોરન્ટોમાં પણ કડવા પાટીદારને પહેલા ઉમિયા મંદિરનો લ્હાવો મળશે. આ મંદિરોથી પાટીદારોનું સામાજીક અને ધાર્મિક વર્ચસ્વમાં પણ વધારે પ્રભાવ પડશે. આ પ્રોજેકટ ૨૦૨૦ સુધીમાં પૂરા થઈ જવાની શકયતા છે. આ મંદિરોથી ભારતીય સંસ્કૃતિની ઓળખ વિશ્વમાં પ્રસરાવવા માટે તો મદદ મળશે.

મંદિર બાંધવાની કમિટિના ટ્રસ્ટી છોટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'જમીનની ખરીદી માટે તપાસ થઈ રહી છે. આ પ્રોજેકટ અંદાજે પંદર મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થશે. આ પ્રોજેકટ વર્ષ ૨૦૨૦ સુધીમાં પૂરો થઈ જવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ મંદિર કન્વેન્શન હોલ, સિનિયર સિટિઝન હોમ અને પાટીદાર સમાજ માટે અનેક સગવડ ધરાવતું હશે. ઉંઝામાં ૨૦૧૫ દરમિયાન 'ઉમિયા માતા રથ' નિમિત્તે શિકાગોમાં આ મંદિરની કલ્પના કરવામાં આવી હતી.

મંદિરના નિર્માણમાં સંકળાયેલા ટોરન્ટોના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, 'અમે કેનેડાના નિયમો મુજબ દરેક ફોર્માલિટીઝને પૂરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ. ટોરન્ટોમાં અંદાજે વીસ હજાર જેટલા ગુજરાતીઓ વસે છે. જેમને મંદિરનો લાભ મળશે. જે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. આ મંદિર પાંચ મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થશે.' શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના સેક્રેટરી દિલીપ પટેલે જણાવ્યું હતું કે, 'ભારતમાં અંદાજે હરિદ્વારથી લઈને નોર્થ બેંગલુરુ અને પશ્ચિમમાં ગોવા સુધી ઉમિયા માતાના ૨૦૦ મંદિર છે. આ મંદિરોમાં અખંડ જયોત પ્રજ્જવલિત રહે છે. ભારત અને વિદેશમાં મંદિરો બની રહ્યાં છે તે ખુશીની વાત છે.(૨૩.૬)

(11:50 am IST)