એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 16th July 2020

" માનવતાની મિશાલ સમાન કિસ્સો " : દુબઈની હૉસ્પિટલે ભારતીય મૂળના કોરોના દર્દીનું 1.52 કરોડ રૂપિયાનું બિલ માફ કરી દીધું : ફ્લાઇટની મફત ટિકિટ અને 10 હજાર રૂપિયા આપ્યા : ભારત પરત જવા સગવડ કરી આપી

દુબઇ : દુબઈની એક હોસ્પિટલે માનવતાની મિશાલ સમાન કિસ્સા દ્વારા ભારતની હોસ્પિટલોને પ્રેરણા આપી છે.જે મુજબ ભારતીય મૂળના તેલંગણાના વતની કોરોના દર્દીનું 1.52 કરોડ રૂપિયાનું બિલ  માફ કરી દીધું એટલુંજ નહીં  ફ્લાઇટની મફત ટિકિટ અને 10 હજાર રૂપિયા આપી   ભારત પરત જવા સગવડ કરી આપી હતી.
રિપોર્ટ પ્રમાણે તેલંગાણાનાં જગીતાલનાં રહેવાસી 42 વર્ષનાં ઓદનલા રાજેશને કોરોના થયા બાદ 23 એપ્રિલનાં દુબઈની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. લગભગ 80 દિવસ સુધી તેમની સારવાર ચાલી અને તેઓ સ્વસ્થ થયા. ત્યારબાદ હૉસ્પિટલથી તેમને રજા મળી અને તેમનું બિલ 7,62,555 દિરહમ (1 કરોડ 52 લાખ રૂપિયા) બન્યું, જેને ચુકવવું તેમના માટે ઘણું જ મુશ્કેલ હતુ. દુબઈનાં ગલ્ફ વર્કર્સ પ્રોટેક્શન સોસાઇટીનાં અધ્યક્ષ ગુંદેલી નરસિમ્હા રાજેશનાં સંપર્કમાં હતા. તેઓ જ રાજેશને હૉસ્પિટલ લઇ ગયા હતા. તેમણે બિલનો મુદ્દો દુબઈમાં ભારતનાં કૉન્યુલેટનાં અધિકારી સુમનાથ રેડ્ડીની સામે રાખ્યો.
ત્યારબાદ રાજદૂત હરજિત સિંહે દુબઈની હૉસ્પિટલ મેનેજમેન્ટને એક પત્ર લખ્યો અને માનવીય આધાર પર આ ગરીબનું બિલ માફ કરવાની વિનંતી કરી. હૉસ્પિટલે હકારાત્મક વલણ અપનાવ્યું અને માનવતાનાં નાતે રાજેશનું આખું બિલ માફ કર્યું. સાથે જ રાજેશ અને તેના સાથીને ભારત જવા માટે એર ઇન્ડિયાની ફ્રી ટિકિટ અને ખર્ચા માટે 10 હજાર રૂપિયા પણ આપ્યા. મંગળવાર રાત્રે રાજેશ પોતાના વતન પરત ફર્યા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. રાજેશ અત્યારે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન છે.

(6:50 pm IST)