એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 14th July 2019

બ્રિટન પાર્લામેન્ટ ભવન ખાતે હાઉસ ઓફ લોડ્‌ર્સ – ઇંગ્લેન્ડમાં SGVPના સ્વામી શ્રી માધવપ્રિયદાસજીને ‘રીકગ્નિશન ફોર હ્યુમેનિટેરીયન સર્વિસ’ સન્માન પત્ર અર્પણ

લંડન :   હાઉસ ઓફ લોડ્‌ર્સ-ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ લોર્ડ જીતેશ ગઢિયાના ભાવપૂર્ણ નિમંત્રણને માન આપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ગ્રેઇટ બ્રિટેનના પાર્લામેન્ટ ભવનમાં આવેલ હાઉસ ઓફ લોડ્‌ર્સ ખાતે પધાર્યા હતા. અહીં સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

સ્વામીશ્રીનું સન્માન કરતા હાઉસ ઓફ લોડ્‌ર્સના માનનીય પ્રતિનિધિ લોર્ડ શ્રી જીતેશ ગઢિયાએ જણાવ્યું કે, સ્વામીશ્રી સમગ્ર માનવજાતના હિત માટે SGVP ના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, પર્યાવરણ સુરક્ષા, ગરીબી નિવારણ જેવા વિવિધ સેવાકાર્યો નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.

આધ્યાત્મિક ઉત્થાન તેમજ વિવિધ ધર્મો વચ્ચે સમન્વય સાધવા માટે પણ સ્વામીશ્રી પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાલતા આ સેવાકાર્યોથી સેંકડો વ્યક્તિઓ પ્રભાવિત થયા છે.

‘આજથી એક વર્ષ પહેલા સ્વામીજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું હતું ત્યારથી જ અમારા હૃદયમાં ‘હાઉસ ઓફ લોડ્‌ર્સ’ ખાતે સ્વામીજીનું વિશિષ્ટ સન્માન કરવાનો ભાવ હતો. આજે ‘રીકગ્નિશન ફોર હ્યુમેનિટેરીયન સર્વિસ’ સન્માન પત્ર અર્પણ કરી એ સંકલ્પ પૂર્ણ કરતા અમને આનંદ થાય છે.’

સન્માનના પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપના હૃદયની ભાવનાનો અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ આ સન્માન પત્ર અમે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અને ગુરુકુલની સેવા-પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી સહકાર આપનાર ભાઇ-બહેનોને અર્પણ કરીએ છીએ, આ સેવાકાર્યોમાં અમે માત્ર નિમિત્ત છીએ.’

વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ જેવી સહિષ્ણુ સંસ્કૃતિ બીજી કોઇ નથી.’

‘ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતાની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ માત્ર માનવની સેવા નથી શીખવતી, પ્રાણીમાત્રની સેવા શીખવે છે.

વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘અંગ્રેજા અને ભગવાન સ્વામિનારાયણ વચ્ચે મધુર સંબંધો હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે મુંબઇના ગવર્નર સર માલ્કમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, તમે જ્યાં સુધી પ્રજાનું પુત્રની જેમ પાલન કરશો ત્યાં સુધી તમારું શાસન ટકશે.’

ગરવી ગુજરાતને વંદના કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની અનોખી ગરિમા છે. ગુજરાતની ઉર્વરક ભૂમિએ વિશ્વને કૃષ્ણ-સુદામા, ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અને વર્તમાન સમયમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા શ્રેષ્ઠ મહાપુરુષોની ભેટ આપી છે.’

‘બ્રિટેનને સમૃદ્ધ કરવામાં ભારતનું બહુમૂલ્ય યોગદાન છે. ઇતિહાસ એનો સાક્ષી છે.

‘વર્તમાન સમયે પણ ગુજરાતના ભાઇ-બહેનો બ્રિટેનમાં દૂધ અને સાકરની જેમ રહે છે. લોર્ડ જીતેશભાઇ જેવા બુદ્ધિમાન વ્યક્તિઓ રાજકીય ક્ષેત્રે ભારત અને બ્રિટેન વચ્ચે મજબૂત સેતુનું કામ કરી રહ્યા છે. બ્રિટેનના મહારાણી સાથે એમના ખૂબ સારા સંબંધો છે. લોર્ડ જીતેશ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતીયો માટે ગૌરવ છે.’

આ પ્રસંગે ગુજરાત સમાચાર, લંડનના તંત્રીશ્રી સી.બી. પટેલે પોતાના હૃદયના ભાવ વ્યક્ત કર્યા હતા અને કહ્યું હતું કે, ‘સ્વામીજીના સેવાકાર્યોથી હું વર્ષોથી પરિચિત છું. તેઓ શિક્ષણ ક્ષેત્રે અદ્‌ભૂત કાર્ય કરી રહ્યા છે.’

‘લોર્ડ જીતેશને હું નાનપણથી જાણું છું. તેઓને ભારતીય સંસ્કૃતિ અને વેદ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. લોર્ડ જીતેશ હાઉસ ઓફ લોડ્‌ર્સમાં એમની સૌથી નાની ઉંમરના છે, આપ બળે આટલે સુધી પહોંચ્યા છે.’

‘તેઓ બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને અનેકવિધ ચેરીટીના કાર્યો કરી રહ્યા છે.’

ગુજરાતના ગૌરવની પ્રશંસા કરતા સી.બી. પટેલે કહ્યું હતું કે, ‘ગુજરાતીઓએ માત્ર ધર્મક્ષેત્રે કે બિઝનેસ ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકીય ક્ષેત્રે પણ આગળ આવવું જાઇએ.’

આ સમારોહના અંતિમ ચરણમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રીજગદીશ ત્રિવેદીએ ગુજરાતની અસ્મિતાનું સુંદર વર્ણન કરી સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગનું સંકલન કરવામાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી વેલજીભાઇ પરબતભાઇ વેકરીયાએ મહ¥વની સેવા બજાવી હતી.

વૈદિક મંત્રોના દિવ્ય ઘોષ સાથે આ સન્માન સમારોહનો આરંભ થયો હતો અને સમાપન પણ વૈદિક મંત્રોના ગાન સાથે થયું હતું.

આ પ્રસંગે ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષશ્રી નંદાજી, સિગ્મા ફાર્મસીના માલિક ભરતભાઇ શાહ, એસએસજીપી ગુરુકુલ પરિવારના અગ્રણી કાર્યકર્તાઓ શ્રીગોવિંદભાઇ કેરાઇ(એમેઝીંગ ટાઇલ્સ), શ્રી રવજીભાઇ હીરાણી, શ્રી ગોવિંદભાઇ રાઘવાણી વગેરે, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર-કેન્ટનના ટ્રસ્ટીશ્રી વાલજીભાઇ ડબાસીયા, શ્રી રવજીભાઇ વરસાણી (એવરગ્લેડ), શ્રી અરવિંદભાઇ લાલજીભાઇ હાલાઇ(જીએક્સઆઇ), શ્રી સૂર્યકાંત વરસાણી, શ્રી ધીરૂભાઇ વેકરીયા, શ્રી અરવિંદભાઇ વેકરીયા, શ્રી ધનજીભાઇ વરસાણી અને રવજીભાઇ વેકરીયા (વુલવીચ) વગેરે અનેક ગણમાન્ય ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

(1:34 pm IST)