એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th March 2019

ટેક્ષાસની હેલ્થકેર યોજનામાં ઇન્ડીયન અમેરીકન ડોકટર તથા હોસ્પીટલના માલિક નાણાં ઉચાપત કરવાના આરોપમાં દોષિત ઠર્યાઃ આગામી જૂન માસની ૨૦મી તારીખે બન્ને આરોપીને નામદાર ન્યાયાધીશ સજા સુણાવશેઃ હોસ્પીટલમાં તબીબી સારવાર ન લીધી હોવા છતાં ડોકટરે પોતાના સ્ટાફના માણસોને ખોટા બીલો બનાવી હેલ્થકેરના સત્તાવાળાઓ પાસે નાણાં એકત્રીત કરવા જણાવ્યુ હોવાનું બહાર આવેલ છે

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : ટેક્ષાસ રાજ્યના એક ઇન્ડીયન અમેરીકન ડો. હરચરણ નારંથ તથા હોસ્પીટલના માલિક દયાકર મોપર્ટી એમ બન્ને જણા મળીને દર્દીને જરૂરી સારવાર ન આપી હોવા છતાં તે આપવામાં આવેલ છે એમ જણાવી હેલ્થકેરના સત્તાવાળાઓ પાસેથી નાણાં  મેળવી તે નાણાં ઉચાપત કરવા અંગે થયેલ કેસોમાં બન્ને વ્યકિતઓ દોષિત ઠરતા હવે નામદાર ન્યાયાધીશ આ બન્ને વ્યકિતઓને આગામી જૂન માસની ૨૦મી તારીખે સજા સુણાવશે એવું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ડો. હરચરણ નારંગ તેમજ દયાકર મોપર્ટી હેલ્થકેરના નાણાં ઉચાપત કરવા અંગે એક ફરેબી યોજના બનાવી હતી અને તે દ્વારા દર્દીઓને સારવાર ન આપી હોવા છતાં તે સારવાર આપવામાં આવેલ છે એવું બીલમાં ખોટી રીતે દર્શાવીને તે નાણાં ઉચાપત કર્યા હોવાનું જાણવા મળે છે. આ અંગેની જાણ સત્તાવાળાઓને થતા તેમણે આ સમગ્ર બીનાની ચાંપતી તપાસ હાથ ધર્યા બાદ આ નાણાં ઉચાપત થયા હોવાનું બહાર આવ્યું હતું.

કેટલાક કિસ્સાઓમાં તો સારવાર ન આપી હોવા છતાં તે આપવામાં આવેલ છે એવું દર્શાવી તેના નાણાં એકત્રિત કરવામાં આવ્યા હોવાનું બહાર આવેલ છે. સધર્ન ડીસ્ટ્રીકટ ઓફ ટેક્ષાસના યુએસ એટર્ની તથા તેમના સાથીઓએ આ કેસની તળીયાઝાટક તપાસ હાથ ધરતા તેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવવા પામી હતી.

ડો. હરચરણ નારંગ ૫૦ વર્ષની વયના ઇન્ડીયન અમેરીકન ડોકટર છે જ્યારે દયાકર મોપર્ટી રેડ ઓક હોસ્પીટલના માલિક છે. આ બન્ને વ્યકિતઓએ એકબીજાના મેળાપીપળામાં નાણાં ઉચાપત કરવાની યોજના બનાવી હતી. હેલ્થકેરના સત્તાવાળાઓએ રેડ ઓક હોસ્પીટલને ૩.૨ મીલીયન ડોલર ચુકવ્યા હતા તેમાંથી ત્રણ મીલીયન ડોલર ડો. નારંગને દયાકરે ચુકવ્યા હોવાનું બહાર આવેલ છે.

(6:12 pm IST)