એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th March 2019

શિકાગો શહેરની ટ્રેઝરરની જગ્યા માટે અમીયા પવાર અને મેલીસા કોનીયર્સ ઇનીંગ વચ્ચે થનાર ચૂંટણીમાં જામનારો ખરાખરીનો જંગઃ એપ્રીલ માસની ૨જી તારીખે આવનારા પરીણામ તરફ સૌ ભારતીયોનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : ગયા ફેબ્રુઆરી માસની ૨૬મી તારીખે શિકાગો શહેરની ટ્રેઝરરની જગ્યા માટે જે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. પરંતુ પરિણામ બહાર આવતા કોઇપણ ઉમેદવારે પ૦ ટકા મતો ન મેળવતા શિકાગો શહેરના ૪૭મા વોર્ડના સભ્ય અમીયા પવારને ૪૧.૬ ટકા મતો મળ્યા હતા જ્યારે તેની સામે ઇલીનોઇ રાજ્યના પ્રતિનિધિ મેલીઆ કોનીયર્સ ઇર્વીનને ૪૪.૩ ટકા જેટલા મતો મળતા આ બન્ને ઉમેદવારો આવતા એપ્રીલ માસની ૨જી તારીખે રન ઓફ થનાર ચૂંટણીમાં એક બીજા સામે ટકરાશે, જ્યારે ત્રીજા ઉમેદવાર પીટર ગેરીપીને ૨૬મીએ યોજાયેલી ચૂંટણીમાં જરૂરી મતો ન મળતા તેઓ આપોઆપ આ ચૂંટણીમાં પરાજીત થયા હતા.

શિકાગોના ટ્રેઝરર તરીકે હાલમાં કટ સુમર્સ કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમની આ ખાલી પડેલી જગ્યા માટે ઇન્ડીયન અમેરીકન અમીયા પવાર કે જેવો શિકાગો શહેરના ૪૭માં વોર્ડમાંથી શહેરનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે ઉમેદવારી નોંધાવેલ છે અને તેમની સામે મેલીઆ કોનીયર્સે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમણે પુરતા મતો ન મેળવતા બન્ને રન ઓફ ઇલેકશનમાં એકબીજા સામે ઉભા રહેલ છે જે અંગેની ચૂંટણી આગામી એપ્રીલ માસની ૨જી તારીખે યોજાનાર છે.

આ જગ્યા માટે આ બન્ને ઉમેદવારોમાંથી કોણ વિજયની વરમાળા પહેરે છે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલ જોવા મળે છે.

(6:12 pm IST)