એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th January 2022

સિંગાપોરમાં ભારતીય મૂળના નાગરિકને આપવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ 24 જાન્યુઆરીએ સુનાવણી : વર્ષ 2009માં એન. કે ધર્મલિંગમ નામક ભારતીય મૂળનો મલેશિયન નાગરિક હેરોઈન સાથે ઝડપાયો હતો : 2010માં તેને 42.72 ગ્રામ હેરોઈનની દાણચોરી માટે દોષિત ગણી ફાંસીની સજા ફરમાવાઈ હતી


સિંગાપોર :  શું ભારતીય મૂળના નાગરિકની ફાંસીની સજા મોકૂફ રહેશે? 24 જાન્યુઆરીએ સિંગાપોરમાં અરજી પર સુનાવણી

સિંગાપોરમાં ભારતીય મૂળના નાગરિકને આપવામાં આવેલી ફાંસીની સજા સામેની અરજી પર 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. સિંગાપોરમાં સુપ્રીમ કોર્ટ આ કેસમાં દોષિત એનકે ધર્મલિંગમની અરજી પર સુનાવણી કરશે. સુનાવણી માટે 5 જજોની પેનલ બનાવવામાં આવી છે. એન. કે ધર્મલિંગમ ભારતીય મૂળના મલેશિયન નાગરિક છે. એન. કે ધર્મલિંગમે તેમને મૃત્યુદંડની સજાને પડકારતા ન્યાયિક સમીક્ષામાંથી પસાર થવાની મંજૂરી ન આપતા હાઈકોર્ટના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.

 

હેરોઈન સાથે ધરપકડ
નોંધનીય છે કે વર્ષ 2009માં એન. કે ધર્મલિંગમ હેરોઈન સાથે ઝડપાયો હતો. આ હેરોઈન તેની જાંઘ પર બાંધેલી હતી. 2010માં તેને 42.72 ગ્રામ હેરોઈનની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સજા વિરુદ્ધ તેની અપીલ વર્ષ 2011માં ફગાવી દેવામાં આવી હતી. તેણે વર્ષ 2015માં પોતાની અરજી દાખલ કરી હતી જ્યારે કાયદામાં કેટલાક ફેરફારો થયા હતા. આ અરજીમાં તેણે પોતાની સજા ઘટાડવાની માંગ કરી હતી. જોકે, વર્ષ 2017માં ચાર મનોવૈજ્ઞાનિક નિષ્ણાતોના અભિપ્રાય બાદ હાઈકોર્ટે તેની ફાંસીની સજા યથાવત રાખી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:39 pm IST)