એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th February 2019

કેલીફોર્નિયાની ઓન્ટેરીયો કન્વેન્સન સેન્ટરમાં જૈનાનું ૨૦મું દ્વિવાર્ષિક અધિવેશન જુલાઇ માસમાં યોજવામાં આવશેઃ આ સંસ્થાના ફર્સ્ટ વાઇસ પ્રેસીડન્ટ અને અધીવેશનના કન્વીનર મહેશ વાધર તેમજ કો-કન્વીનર ડો. નિતિન શાહ શિકાગોના જૈન સંઘના સભ્યોને અધિવેશન અંગે માહિતી આપવા તથા અત્રેના થાનિક મિડિયાના પ્રતિનિધિઓને સંબોધન કરશેઃ જૈનાના મિડિયા કમીટીના ચેરમેન દિપક દોશી તથા મિડિયાના કો-કન્વીનર હેમંત શાહે એક મુલાકાતમાં આપેલી માહિતી

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ફેડરેશન ઓફ જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરીકા કે જે અત્રે જૈનાના હૂલામણા નામથી ઓળખાય છે તે સંસ્થાનું ૨૦મું દ્વિવાર્ષિક અધીવેશન આવતા જુલાઇ માસની ૪થી તારીખથી ૭મી તારીખ દરમ્યાન કેલીફોર્નિયાના ઓન્ટેરીયો કન્વેનસન સેન્ટરમાં યોજાનાર છે તે અંગેની જરૂરી માહિતી આપવા માટે આ સંસ્થાના અગ્રણીઓ કેલીફોર્નિયાથી શિકાગો જૈન સોસાયટીના આંગણે આવી રહ્યા છે તે અંગેની જરૂરી માહિતી આ સંસ્થાના મિડિયા કમીટીના ચેરપર્સન દિપક દોશી તથા કો-કન્વીનર હેમંત શાહે અમોને આપેલ છે.

આ અંગે તેઓએ અમોને જણાવ્યું હતું કે ચાલુ મહિનાની ૧૭મી તારીખને રવીવારે સવારે ૧૧ વાગ્યે જૈનોના પ્રતિનિધિ મંડળના અગ્રણીઓ જેમાં હાલમાં જૈનાના પ્રથમ વાઇસ પ્રેસીડન્ટ અને અધિવેશનના કન્વીનર મહેશભાઇ વાઘાર તેમજ કો-કનવીનર ડો. નિતિન શાહ તેમની સાથે શિકાગોની જૈન સોસાયટીમાં પધારનાર છે અને તે વેળા તેઓનું સ્થાનિક જૈન સોસાયટીના હોદ્દેદારો આવકાર આપશે અને ત્યારબાદ સામુહિક લંચનો જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમાં સર્વે પદાધીકારીઓ જોડાશે અને તેની સાથે સાથે આ વેળા અરસપરસ વિચારોની આપ-લે પણ થશે.

લંચનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થાનિક મિડિયાના પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તે પ્રસંગે અધીવેશનના કન્વીનર મહેશભાઇ વાધર તથા કો-કન્વીનર ડો. નિતિનભાઇ શાહ પત્રકારોને ૨૦માં દ્વિતીય અધીવેશન અંગે જરૂરી માહિતીઓ આપશે અને પત્રકારોના જે કોઇપણ પ્રશ્નો અધીવેશન અંગે હશે તેનો તેઓ પ્રત્યુત્તર આપશે. આ પ્રસંગે સ્થાનિક વર્તમાનપત્રના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

(10:01 am IST)