એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th September 2018

''નવરાત્રિ ગરબા'': અમેરિકાના ન્યુ ઇંગ્લાંડ કનેકટીકટમાં રર સપ્ટેં.૨૦૧૮ના રોજ સૌપ્રથમવાર દમામભેર ઉજવાશે ભારતનો લોકપ્રિય તહેવારઃ વડોદરાના વિશ્વ વિખ્યાત સિંગર આચલ મહેતા તથા તેમની ટીમ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે

કનેકટીકટઃ અમેરિકાના કનેકટીકટ ન્યુ ઇંગ્લાંડમાં સૌપ્રથમવાર ભારતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ બહુ મોટા પાયે ઉજવવાનું આયોજન કરાયું છે.

વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબા સિંગર સુશ્રી આચલ મહેતા તથા તેમના ગૃપના ઉપક્રમે આઠ હજાર લોકોની કેપેસીટી ધરાવતા ન્યુબ્રિટન ફુટબોલ સ્ટેડીયમ, ૨૩૦ જોહન કાર્બોનિક વે ન્યુ બ્રિટન કનેકટીકટ મુકામે ૨૨ સપ્ટેં.૨૦૧૮ શનિવારના રોજ આઉટ ડોર ગરબાનું આયોજન કરાયું છે. સાંજે ૬ વાગ્યાથી શરૂ થનારા આ ગરબાની રમઝટ મધ્યરાત્રિ સુધી ચાલશે. જેમાં સુશ્રી આચલ મહેતા તથા તેમની ટીમ ખેલૈયાઓને ગરબે ધૂમાવશે. તથા સહુને જાણે કે તેઓ ભારતમાં જ હોય તેવો અનુભવ કરાવશે.

રાસ ગરબાની રમઝટ માણવાની સાથે ઉપસ્થિતો આ મેદાનમાં ઊભા કરાવેલા વિવિધ બુથની મુલાકાતનો પણ લાભ લઇ શકશે. જેમાં સ્ટ્રીટ ફુડ, ડ્રેસીઝ શોપીંગ બુથ્સ, જવેલરી સહિતના બુથ્સનો સમાવેશ થશે.

તેથી સૌપ્રથમવાર ન્યુ ઇંગ્લાંડમાં ઉજવાનારા આ ગરબા મહોત્સવનો લાભ લેવા તમામને અનુરોધ કરાયો છે. જે માટે જનરલ પ્રવેશ ફી ૧૨ ડોલર રાખવામાં આવી છે. તથા ફ્રી પાર્કીગની સુવિધા કરવામાં આવી છે. આ ટિકિટ અગાઉથી મેળવી લેવાની રહેશે. સ્થળ ઉપર તેની કિંમત ૧૫ ડોલર થશે. આઇ.ડી.કાર્ડ સાથે આવેલા સ્ટુડન્ટસ માટે પ્રવેશ ફી ૧૦ ડોલર રાખવામાં આવી છે. તેમજ પરિવાર સાથે આવેલા પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરાઇ છે.

ઓનલાઇન ટિકિટ મેળવવા માટે www.hungamacity.com/ navratrigarbact ૨૦૧૮ દ્વારા સંપર્ક સાધવા જણાવ્યું છે. બુથ રાખવા માટે સંપર્ક સાધવા જણાવાયું છે. વિશેષ માહિતિ માટે કોન્ટેક નં.૮૬૦ ૭૯૬ ૨૧૬૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(2:46 pm IST)