એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th September 2018

અમેરિકાની ધરતી ઉપર 'અકિલા' દૈનિકના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા ભાજપ આગેવાન શ્રી દીલીપભાઇ સંઘાણીનું જાજરમાન સન્માનઃ ૪ સપ્ટેં.ના રોજ કનેકટીકટ મુકામે વલ્લભધામ હવેલીમાં સત્કાર સમારોહ યોજાયોઃ સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા ગુજરાતી સમાજ ઓફ કનેકટીકટ,વલ્લભધામ હવેલી, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર હાર્ટફોર્ડ, ઇન્ડિયા એશોશિએશન સહિતની સંસ્થાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુઃ બંને મહેમાનોએ વલ્લભધામ હવેલીના પુજારી (મુખ્યાજી) શ્રી મોહનભાઇ તથા શ્રી જગદીશભાઇનું સન્માન કર્યુઃ NRIનõ લગતા પ્રશ્નોને વાચા આપવાની ખાત્રી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ કનેકટીકટ (U.S.A) ગત તા.૪ સપ્ટેમ્બરમાં રોજ કનેકટીકટ રાજયમાં આવેલી ''વલ્લભધામ'' હવેલીમાં શ્રી નિમિષ ગણાત્રા અકિલાના એકઝીકેટીવ ડીરેકટર અને ભારતના ટોચના સહકારી આગેવાન અને ભાજપના રાષ્ટ્રીય નેતા શ્રી દિલીપભાઇ સંઘાણીનો સન્માન સમારોહ ભવ્યરીતે યોજાઇ ગયો.

સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરીકા, ગુજરાતી સમાજ ઓફ કનેકટીકટ, ''વલ્લભધામ'' હવેલી, BAPS સ્વામીનારાયણ મંદિર હાર્ટફોર્ડ, ઇન્ડીયા એશોશીએન સહિતની અનેક ભારતીય સંસ્થાઓ દ્વારા આ સન્માન યોજાયેલ હતું.

આ તકે શ્રી ભાષ્કરભાઇ સુરેજાએ અકિલા પરિવાર વિષે માહિતી આપી હતી. તથા જણાવ્યું હતું કે અમેરિકામાં અકિલાની લોકપ્રિયતાથી આપ સહુ સુપેરે વાકેફગાર છોજ સદાયે સમાજના જાગૃત પ્રહરી તરીકે કાર્યરત આ દૈનિકના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી નિમિષભાઇ ગણાત્રાના અત્રે આગમનને હું આપ સહુ વતી ઉમળકાભેર વધાવુ છું.

સન્માનનો પ્રતિભાવ આપતા અકિલાના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો આજે વર્કીગ ડે હોવા છતાં આપ સહુ આપનો કિંમતી સમય ફાળવી અમારૂ સન્માન કરવા પધાર્યા છો તે બદલ હું આપસહુને બિરદાવુ છું તેમણે જણાવ્યું હતું કે ''અકિલા'' દૈનિકની શરૂઆત ખૂબજ નાના પાયે થઇ હતી. મારા પુજય પિતાશ્રી અને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને એની ટીમના અથાગ પ્રયાસ,સંઘર્ષ, અને  તટસ્થ કલમ, કોઇ ભેદભાવ કે પૂર્વગ્રહ વગર, નાનામાં નાના સમાજની વ્યકિતની વેદના, કોઇપણ ચમરબંધીની કે રાજકીય ડર વગર અમારૂ અકિલા પ્રસિધ્ધ થાય છે સાંજની આવૃતિનું આ દૈનિક આજે વિશ્વભરમાં ગુજરાતી સમાજનું મુખ્ય અખબાર થયું છે ઇન્ટરનેટ આવૃતિનો આ વિકાસ આપ સૌ વિદેશમાં વસતાં ગુજરાતી સમાજના લોકોના આધારે છે. હું આપ સૌનો આભારી છું મીડીયાએ લોકશાહીનું ધબકતું હૃદય છે અને તંદુરસ્તરીતે અને નિષ્પક્ષ રીતે ચલાવીએ છીએ.

શ્રી દિલિપભાઇ સંઘાણીએ સન્માનનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે આપની વચ્ચે આજે હુ રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ એક ભારતીય તરીકે આવ્યો છું વિશ્વના ૪૦ જેટલા દેશોની મુલાકાત મેં મારી રાજકીય અને સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે લીધી છે જે પણ દેશમાં જઉં છુ ત્યા ભારતીય સમુદાયને મળવાનું થાય છે અમેરીકામાં આ રીતે એકદમ ટુંકા સમયમાં ચાલુ દિવસે આટલી સંખ્યામાં આપને મળવાનુ થયુ છે એ મારૂ સદભાગ્ય છે.

આપ સૌ અહિંયા સારૃં ભવિષ્ય અને આપની આવનાર પેઢીના ઉજ્જવળ ભવિષ્ટ માટે આપ સૌએ શરૂઆતમાં ખૂબજ સંઘર્ષ કરીને જે રીતે સ્થાન બનાવ્યું છે એનું મને ગૌરવ છે

આપ સૌ વિદેશની ધરતી ઉપર જયારે કાયમી વસવાટ માટે આવ્યા છો છતાં પણ માતૃભુમિ માટે આદર છે એનું મને ગૌરવ થાય છે.

આજે અહિંયા સૌના વિશ્વાસ અને આસ્થા મુજબ ધાર્મિક સંસ્થાઓ પણ આપ સૌએ ઉભી કરી છે.

જેમ ઉંટનું મોઢું મારવાડ તરફ રહે છે એમ જયારે ભૂતકાળમાં માતૃભૂમિમાં કોઇ કુદરતી આફત, પુર કે અનાવૃષ્ટિ જેવી ઘટના થાય છે ત્યારે વિદેશમાં વસ્તા ભારતીયો પાછી પાની કરતાં નથી.

સૌ કોઇ આર્થિક સહાય માટે તત્પર હોઇ છે. એમ ભવિષ્યમાં પણ જયારે માદરે વતનમાં જરૂરીયાત ઉભી થાય તો માતૃભુમિનું ઋણ ચૂકવવા આપ પાછી પાની નહિ કરો એનો મને વિશ્વાસ છે.

શ્રી દિલીપભાઇ સંઘાણી, નરેન્દ્રભાઇ મોદીના અત્યંત વિશ્વાસુ અને નજીકના આગેવાન છે.

શ્રી દિલીપભાઇએ સમુદાયને જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જો કોઇ પ્રશ્નો હોય તો મને જણાવશો. ચોક્કસ રીતે નિરાકરણ આવશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન ભારત સરકારે ઘણા બધા વહિવટી ફેરફારો કર્યા છે એમા કયાંય વિદેશમાં વસતા ભારતીય સમુદાયને અસરકર્તા કોઇ ક્ષતિ હોય તો એના સુચનો મોકલશો તો અવશ્ય નિરાકરણ લાવીશું.

સન્માન સમારોહના પ્રમુખ સ્થાને શ્રી જમનભાઇ ચોવટીયા (ભુ.પુ.પ્રમુખ કો.કો.બેન્ક જામનગર,સૌરાષ્ટ્ર ઓઇલમીલ એશો. ભુ.પુ.પ્રમુખ) એ પ્રશ્ન રજુ કરતા જણાવ્યુ હતું કે હાલમાં અહીં અમેરીકા કે વિશ્વના બીજા દેશોમાં વસતા ભારતીયઓ કે ભૂતકાળમાં જયારે ભારતમાં રહેતા હતા ત્યારે ઘણા બધાંએ PPF એકાઉન્ટ ખોલાવી અને બચત કરેલ છે. PPFમાં ૧૫ વર્ષ પછી પૈસા ઉપાડી શકાય છે. પરંતુ ખાતેદારને રૂબરૂ પોસ્ટ ઓફિસમાં જવુ પડે છે. વિદેશમાં વસતા ભારતીયો માટે આ મુશ્કેલી છે. આ બચત PPF માંથી વિદેશમાં વસવાટ કરતા મુળ ભારતીયો માટે ભારત સરકારે ધક્કો ખાધા વગર તેમની બેંકના ખાતામાં જમા થઇ શકે એ માટે શ્રી દિલિપભાઇને વિનંતી કરી હતી.

શ્રી ચોવટીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ રીતે કોઇપણ રાજકીય પક્ષના કે અખબારના પ્રતિનિધિઓ અહીંયા પધારે છે ત્યારે આવી રીતે મળતા રહીએ એ જરૂરી છે. આપણા કોઇ પ્રશ્નો હોઇ તો નિરાકરણ થાય અને આપણી આવી સંસ્થાઓ પણ એક બીજાને નજીક આવે અને વધુ રચનાત્મક કાર્યક્રમ થઇ શકે. આ માટે શ્રી ચોવટીયા એ શ્રી ભાસ્કર સુરેજા,ને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ભાસ્કર સુરેજા, (પ્રમુખ, સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરીકા)એ કર્યુ હતું.

જુદી જુદી સંસ્થાઓના અગ્રણી શ્રી રાજીવ દેસાઇ (વલ્લભધામ હવેલી), ડો.ધીરેન ત્રાંબડીયા (BAPS), શ્રી ભીમાભાઇ મોઢવાડીયા (ગુજરાતી સમાજ)સુશ્રી પૂર્ણિમાબેન શાહ (ઇન્ડિયા એશો.) ડો.કિશોરનાર (પેન્સીલવેનીયા) શ્રી લાખણસીંહ કેશવાલા (ગુજરાતી સમાજ), વિગેરે આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

કાર્યક્રમના અંતમાં શ્રી દિલિપભાઇ સંઘાણી અને શ્રી નિમિષભાઇ ગણાત્રાએ શ્રી વલ્લભધામ હવેલીના પુજારી શ્રી મોહનભાઇ (મુખ્યાજી) અને શ્રી જગદીશભાઇનું વિશેષ સન્માન કર્યુ હતું.

જેના પ્રતિભાવ રૂપે આ બન્ને મહેમાનોને ઉપેરણા ઓઢાડી હવેલી દ્વારા આશિર્વાદ અપાયા હતા. બંને મહેમાનોએ તમામ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દિનેશ વાછાણી, શૈલેષ મોદી, કિરીટ સવાણી, દિપેન ડેડાણિયા, વિઠ્ઠલ ફળદુ, મહેશ શાહ, મુકુન્દ અમીન, હંસાબેન ભીમાણી, ભાનુબેન ફળદુ, નયના વાછાણી, સંધ્યા દેસાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ફોટોગ્રાફી અને વીડીયો રેકોર્ડીંગ મધુભાઇ ઘોડાસરાએ કરી હતી.

(2:46 pm IST)