એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 12th June 2019

" રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા " : અમેરિકામાં ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ફાધર્સ ડે , મનોરંજન કાર્યક્રમ , તથા જન્મદિન કાર્યક્રમોની શાનદાર ઉજવણી કરાઈ : આગામી 6 જુલાઈના રોજ યોજાનારી પિકનિકની માહિતી આપી

શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની જનરલ મીટીંગ તા. 8 જુન, 2019 ને શનિવારના રોજ માનવ સેવા મંદિરના હોલમાં યોજાઇ હતી, જેમાં 220 સભ્યોએ હાજરી આપી હતી. આજની મીટીંગનું સંચાલન શ્રી બિપીનભાઈ શાહે સફળતાપૂર્વક કર્યું હતું.

શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી પન્ના શાહ, શ્રીમતી હેમા રાણા, શ્રીમતી જનકબેન શાહે સર્વધર્મ પ્રાર્થના ગાઈ હતી.ત્યારબાદ સર્વે સભ્યોએ સમૂહમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. શ્રીમતી નલીનીબેન શાહે " રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા" ભજન ગાયુ હતું.
  
ટ્રેઝરર શ્રી સીવી દેસાઈએ મે મહિનાનો આવક જાવકનો હિસાબ રજૂ કર્યો હતો. અને સંસ્થાને ડોનેશન આપનારના નામોની માહિતી આપી હતી.

ફાધર્સ ડે ની ઉજવણીને અનુરૂપ શ્રી બિપિન શાહે સુંદર વ્યક્તવ્ય આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે અમેરિકામાં પ્રેસિડન્ટ જોન્સનના સમયથી ફાધર્સ ડે  ઉજવવામાં આવે છે જે આજે વિશ્વના અનેક દેશોમાં પણ ઉજવાય છે. કુટુંબમાં પિતાનું શું સ્થાન અને મહત્વ છે તે સંબંધી સુંદર માહિતી તેઓએ આપી હતી. ત્યારબાદ 80 વર્ષ ઉપરની ઉંમરના સિનિયરોને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પુષ્પગુચ્છાથી તેઓનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. સર્વે સભ્યોએ તાળીઓના ગડગડાટથી સન્માનમાં સાથ પુરાવ્યો હતો. 

શ્રી ભુપેન્દ્ર સુધારે " ધરતી પે રૂપ યે માબાપકા યે વિધાતાકી પહચાન હૈં." ગીત ગાઈને સર્વેનું સન્માન કર્યું હતું. શ્રી અરવિંદ કોટકે સુંદર જોક્સ રજૂ કર્યા હતા. શ્રી ભુપેન્દ્ર સુથાર અને શ્રી અરવિંદ કોટકે જૂન મહિનામાં જે સિનિયરોના જન્મદિન આવે છે તે સર્વેને આગળ આવવા આમંત્રણ આપ્યું હતુ. આજના મુખ્ય મહેમાન ડૉ. યોગેન્દ્રભાઈ પટેલ (સર્જન) ના શુભહસ્તે શુભેચ્છા કાર્ડ આપવામાં આવ્યા હતા.સર્વે સભ્યોએ સામુહિક રીતે ' બાર બાર યે દિન આયે ---હેપી બર્થ ડે ટુ યુ' ગીત ગાઈને શુભેચ્છાઓ આપી હતી. પ્રસંગે ગ્રુપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.

  આજના મહેમાન ડૉ. યોગેન્દ્રભાઈ પટેલે વાઘોડિયા (વડોદરા) નજીક આવેલ સેવાકીય સંસ્થા મુનિ સેવા આશ્રમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આશ્રમ 1978 માં સ્થપાયો હતો જેની પાસે આજે 250 એકરનું કેમ્પસ છે. આશ્રમ માં ભગિની મંદિર, શારદા મંદિર, વાનપ્રસ્થ મંદિર, બાળ સંસ્કાર મંદિર જેવા આઠ મંદિરો છે જેમાં માનવીય સેવાઓ કરવામાં આવે છે. આશ્રમમાં હોસ્પિટલ છે. જેમાં કેન્સર, બોનમેરો જેવા અસાધ્ય રોગોની સારવાર કરવામાં આવે છે. ગૌશાળા, બાયોગેસ પ્રોજેક્ટ વગેરેનો વિકાસ  કરવામાં આવ્યો છે. 8 મી સપ્ટેમ્બર, 2019 ના રોજ જલારામ મંદિરમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં સર્વેને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી હતી. પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે ડૉ. યોગેન્દ્રભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

મંત્રી શ્રી હીરાભાઈ પટેલે સંસ્થાના સભ્યો દ્વારા 14 સપ્ટેમ્બર, 2019 ના રોજ યોજાનારા ઈનહાઉસ પ્રોગ્રામમાં જુદીજુદી આઈટેમો માં ભાગ લેવા અપીલ કરી હતી. તે ઉપરાંત 9 જૂન, '19 ના રોજ સ્વામિનારાયણ મંદિર, બાપા રોડ, સ્ટ્રીમ વુડ ખાતે ' લોખંડી પુરુષ સરદાર પટેલ' નાટકમાં સહકાર આપવા વિનંતી કરી હતી.

મનોરંજન કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશભાઈ દેખતાવાળા કર્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો. અને બોલીવુડના યાદગાર ગીતો ગાયાં હતાં  શ્રીમતી ભદ્રા શાહે 'હમે ઓર જિનેકી ચાહત હોતીઃ, શ્રીમતી નલિની શાહે 'તુમ હમે જાનો  હમ તુમે જાણૅ,' શ્રીમતી રોહિણી દેખતાવાળાએ ' તુમ જાણે ઇસ જ્હોમે કહો ગયેં ', શ્રી હીરાભાઈ પટેલે 'આનેસે ઉસકી આયે બ્હાર,' શ્રી દુર્ગેશ શાહે ' ઓહ રે તાલ મિલે નદીકે જલમેં ,' શ્રી જશવંત શેઠે ' ચંદન કે બદન ચંચલ ચિત્તવાન ', શ્રી અરવિંદ પટેલે, ' હુશ્ન જરા જગ તુઝે ઈશ્ક જગાયે ', જેવા સુંદર ગીતો રજૂ કર્યા હતા. 50 મિનિટનો કાર્યક્રમ સભ્યોએ આનંદપૂર્વક માણ્યો હતો. સર્વે કલાકારોનો ગ્રુપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.

6 જુલાઈ, 2019 ને શનિવારે આપણા ગ્રુપની વાર્ષિક પીકનીક બસી વુડ ગ્રોવ નંબર 32 પર યોજવામાં આવી છે. તેની વિગતો શ્રી ચીમનભાઈ પટેલે આપી હતી. વાર્ષિક પિક્નિકને સફળ બનાવવા સભ્યોને ડોનેશન આપવા વિનંતી કરવામાં આવી હતી પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે વાર્ષિક પીકનીક માટે જરૂરી આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી હતી. સભ્યોએ ડોનેશન રોકડ તથા વસ્તુના રૂપમાં બહુ સારો પ્રતિસાદ આપ્યો હતો.

ભારતના લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વડાપ્રધાન તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે તે બદલ ડૉ. નરસિંહભાઇ પટેલે તેઓને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વ, નીતિ, નિયમો અને નિષ્ઠાનું પરિણામ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ નું સૂત્ર સાર્થક બને તે માટે સૌ ભારતીયો શ્રી નરેન્દ્રભાઈને સહયોગ કરે તે જરૂરી છે. સૌ સભ્યોએ પ્રચંડ અવાજમાં 'જ્યહીન્દ', ભારત માતાકી જય', 'વંદે માતરમ' ના સૂત્રોચ્ચારથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છાઓ  પાઠવી હતી.

ગ્રુપના ટ્રેઝરર શ્રી સી.વી. દેસાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી મયુરાબેન દેસાઈ તરફથી તેમની 60 મી લગ્નતિથિ પ્રસંગે આજના લંચ માટે મીઠાઈ સ્પોન્સર કરી હતી તે બદલ ડૉ. નરસિંહભાઇ પટેલે તેઓનો આભાર માન્યો હતો અને શ્રી દેસાઈ દંપતીનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
     
અંતમાં સામુહિક શ્લોકનું ઉચ્ચારણ કરી સર્વે સભ્યોએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી વિદાય લીધી હતી.

તેવું શ્રી નરસિંહભાઇ પટેલના અહેવાલ દ્વારા શ્રી ચિતરંજન દેસાઈની યાદી જણાવે છે.

(7:21 pm IST)