એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th January 2018

અફઘાનિસ્‍તાનમાં ‘‘યોગા'' નું ઘેલુ લગાડવામાં સફળતા મેળવતા ભારતના યોગા પ્રોફેસર શ્રી ગુલામ અસ્‍કરી ઝૈદી : ૧ વર્ષ માટે ડેપ્‍યુટેશન ઉપર અફઘાન મોકલાયેલા હરિદ્વાર દેવ સંસ્‍કૃતિ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર શ્રી ઝેદીના યોગા કલાસમાં યુવકો ઉપરાંત યુવતિઓ પણ હોંશે હોંશે જોડાય છે : શારિરીક તંદુરસ્‍તી તથા માનસિક શાંતિ માટે ‘‘યોગા'' નો થઇ રહેલા સ્‍વીકાર

કાબુલ : અફઘાનિસ્‍તાનમાં પણ યુવા સમુહને ‘યોગ' નું ઘેલુ લગાડવામાં ભારતના યુવાન શ્રી ગુલામ અસ્‍કરી ઝૈદીને સફળતા મળી છે.

શારિરીક તંદુરસ્‍તી તથા માનસિક તનાવથી મુકત થવામાં યોગ  ઉપયોગી પુરવાર થયાનું સમગ્ર વિશ્વમાં માન્‍ય થયુ હોવાથી યુનાઇટેડ નેશન્‍સ દ્વારા પણ ર૧ જુનનો દિવસ ‘યોગા ડે' તરીકે ઘોષિત કરાયો છે.

આ સંજોગોમાં કાયમ ઘર્ષણ તથા યુધ્‍ધથી ઘેરાયેલા રહેતા અફઘાનના નાગરિકોને ‘યોગા' નો અભ્‍યાસ ઉપયોગી લાગ્‍યો છે.

અફઘાનિસ્‍તાન મુકામે ઇન્‍ડિયન કાઉન્‍સીલ ઓફ કલ્‍ચરલ રિલેશન્‍સના ઉપક્રમે ૧ વર્ષ માટે ડેપ્‍યુટેશન ઉપર મુકાયેલા શ્રી ઝૈદી મોટા ભાગે દૂતાવાસ કચેરીમાં જ યોગાનું શિક્ષણ આપે છે. તેમ છતાં કયારેક ખાસ આમંત્રણને માન આપી તેઓ સ્‍કુલે કે કોલેજમાં પણ યોગા શીખવવા જાય છે.

શ્રી ઝૈદી હરિદ્વારમાં આવેલા દેવ સંસ્‍કૃતિ વિશ્વ વિદ્યાલયના ‘યોગા' વિષયના પોસ્‍ટ ગ્રેજયુએટ છે. તથા ત્‍યાં જ યોગા ડીપાર્ટમેન્‍ટમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તેમના સંચાલિત અફઘાનિસ્‍તાન ખાતેના યોગા કલાસમાં યુવકો ઉપરાંત યુવતિઓ પણ આવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:41 pm IST)