એન. આર. આઈ. સમાચાર
News of Monday, 8th July 2019

અધ્યાત્મની દુનિયા વિજ્ઞાનના નિયમોથી પરે છે - શ્રુતપ્રજ્ઞજી

સમણ શ્રુતપ્રજ્ઞજીનો લંડનનો સફળ પ્રવાસ - પ્રવચનો અને શિબિરોનું આયોજન

ધ્યાન વિજ્ઞાન છે એ સામાન્ય તથ્ય છે, કેમકે એમાં મન, તર્ક અને બુદ્ધિનો યોગ છે. ધ્યાન એ કળા છે - એમ કહેવું વધુ વાસ્તવિક છે કેમકે એમાં સત્યની ગંધ છે. ધ્યાન કળા છે એનો અર્થ છે એમાં હૃદય પ્રધાન છે, એમાં મનની પાર જવાની વાત છે. આજે દરેક વાતમાં આ વૈજ્ઞાનિક છે એવું કહેવાની ફેશન થઇ ગઈ છે. વિજ્ઞાન અધ્યાત્મની સામે એક તોફાની બાળક સમાન છે. અધ્યાત્મની દુનિયા વિજ્ઞાનના નિયમોથી પરે છે. વિજ્ઞાન મન સાથે કામ કરે છે જયારે ધ્યાનનો સંબંધ સીધો આત્મા સાથે છે. આ વિચારો સમણજીએ લંડનના 'નિર્વાણા'માં યોજિત ધ્યાન યોગ શિબિરમાં પ્રગટ કર્યા હતા. એમને કહ્યું કે ધ્યાન દરેક વ્યક્તિ કરી શક્તિ નથી. તામસિક વ્યક્તિ ધ્યાનમાં માત્ર ઊંઘ લેશે અને રાજસિક વ્યક્તિ ધ્યાનમાં માત્ર વિચારોની દુનિયામમાં ભટક્યા કરશે, માત્ર સાત્વિક વ્યક્તિ જ ધ્યાનમાં ડૂબી શકે છે.આવી વ્યક્તિ સંતુલિત શરીર, મન અને આત્માવાળી હોય છે. તા.28 જૂનના દિલેશભાઈ અને ચેતનાબેન મહેતાના ઘરે યોજિત આ શિબિરમાં 60 જેટલા સાધકોએ ભાગ લીધો હતો. યોગાસન અને ધ્યાનના પ્રયોગો પણ સમણજીએ કરાવાયા હતા. કિર્તન અને સંગીત દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. 

 

તા. 4 જુલાઈના ઓશવાળ શક્તિ સેન્ટર - હંશલોમાં 'કોણ સાચું અને કોણ ખોટું' એ વિષય પર પ્રવચન યોજાયું હતું અને તેમાં સમણશ્રીએ અનેકાન્તના આધારે બીજી વ્યક્તિ પણ સાચી હોય શકે છે એવો  અભિગમ કેળવવા પર ભાર મૂક્યો હતો. બીજી વ્યક્તિ ખોટી છે - એમ કહેવામાં એ વ્યક્તિ અને વિચારોનો અસ્વીકાર છે અને આમાં એ વ્યક્તિને બદલાવાનો અવસર ખતમ થઇ જાય છે. બીજી વ્યક્તિ એની જગ્યાએ સાચી છે એમ કહીને એને નમ્રતા પૂર્વક એની વાતમાં ફેરફાર કરવાની પ્રેરણા આપી તેને સુધારી શકાય છે.

 

તા. 5 જુલાઈના પોટર્સ બારમા આવેલા ઓશવાળ સેન્ટરમાં સમણશ્રીએ 'જૈન ધર્મ અને વૃદ્ધત્વ'  વિષય પર પ્રવચન આપતા કહ્યું હતું કે '  વૃદ્ધ વ્યક્તિ અપેક્ષાઓ ઘટાડી શકે અને અનુમોદન આપવાનું ચાલુ કરે તો એના જીવનમાં વૃદ્ધત્વનું સૌંદર્ય ખીલી ઉઠશે. જયેશભાઈએ આ કાર્યક્રમ યોજવામાં સહયોગ કર્યો હતો.એ જ દિવસે સાંજના હિરાબેન અને અનુપભાઈના નિવાસ સ્થાને કર્મના સિદ્ધાંતો ઉપર પ્રવચન આપ્યું હતું. સમણશ્રીએ શૈલાબેનના નિવાસ સ્થાને 'મતિ અને ગતિ' પર પ્રવચન આપ્યું હતું અને ધર્મલાભ આપ્યો હતો. સમણશ્રી દિલેશભાઈ મહેતા અને ગીતાબહેન હરીશભાઈ શાહને ત્યાં રોકાયા હતા. 

 

સમણશ્રી આવતી કાલે તા. 8 જુલાઈના અહીંથી અમેરિકાના ત્રણ મહિનાના પ્રવાસે રવાના થશે અને સૌ પ્રથમ કેલિફોર્નિયાના મિલપિટાસ જૈન ભવનમાં શિબિરનું સંચાલન કરશે.

 

(12:22 pm IST)