એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 5th July 2018

‘‘ઊભા દોરો, આડી સોઇ'': હાસ્‍ય લેખો,રચનાઓ, કવિતાઓ, સંસ્‍મરણો, તથા એકાંકી,સહિતના કાર્યક્રમો સાથે અમેરિકામાં ગુજરાતી સાહિત્‍ય સરિતા હયુસ્‍ટની ૧૮૬મી બેઠક સંપન્‍ન

હયુસ્‍ટનઃ  ૨૩ જૂન ૨૦૧૮ ને શનિવારે બપોરે ૧ થી ૪ દરમ્‍યાન, સુગરલેન્‍ડના કોમ્‍યુનિટી સેન્‍ટરમાં, હ્યુસ્‍ટનની ગુજરાતી સાહિત્‍ય સરિતાની ૧૮૬ મી બેઠક યોજાઈ ગઈ.

‘સરિતા'ના પ્રમુખ શ્રી. સતીશ પરીખે સભ્‍યોનું સ્‍વાગત કરતું આવકાર પ્રવચન કર્યું હતું. નયનાબેન શાહે  સરસ્‍વતીની પ્રાર્થના કર્યા બાદ, સંસ્‍થાના ખજાનચી શ્રી. મનસુખ વાદ્યેલાએ, મુંબઈથી પધારેલા લેખક શ્રી. ચંદ્રકાંતભાઈ સંદ્યવીનો પરિચય આપ્‍યો હતો અને તેમને માઈક સોંપી દીધું હતું. લગભગ પંદરેક મીનીટ સુધી શ્રી. સંદ્યવીએ પોતાના નવા પુસ્‍તક શ્નઉભો દોરોઃ આડી સોયઙ્ખમાંથી કેટલાક હાસ્‍યલેખો વાંચી સંભળાવ્‍યા હતા.

ત્‍યારબાદ લોકલ સર્જકોએ પોતાની રચનાઓ સંભળાવી હતી. શ્રી. જનાર્દન શાષાીએ સ્‍વરચિત કાવ્‍ય ‘અભણ મા'વાંચ્‍યું હતું. શૈલાબેન મુન્‍શાએ ‘મિકાઈ' નામના પોતાની શાળાના દિવ્‍યાંગ બાળક અંગેના સંસ્‍મરણો કહી સંભળાવ્‍યા હતા. પ્રવિણાબેન કડકિયા, ડોક્‍ટર ઇન્‍દુબેન શાહે પોતાના પિતા અંગેના સંસ્‍મરણો રજુ કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી મૂક્‍યાં હતાં.. ઇન્‍દુબેને, સંસ્‍થાના જૈફ સભ્‍ય અને હાસ્‍યલેખક ચીમન પટેલનું એક કાવ્‍ય વાંચી સંભળાવ્‍યું હતુ. આ કાવ્‍ય શ્રી. પટેલે, સંસ્‍થાના એક સભ્‍ય શ્રીમતિ રક્ષાબેન વિઠ્ઠલભાઈ પટેલના અમૃતમહોત્‍સવ પ્રસંગે ૧૬મી જુને , રજુ કરેલ હતું. શ્રી. મનસુખ વાદ્યેલાએ, ગેરહાજર રહેલા સભ્‍ય શ્રી. વિજય શાહની તેમના પિતાના સંસ્‍મરણો અંગેની એક રચના વાંચી સંભળાવી હતી. પ્રશાંત મુન્‍શાએ અન્‍ય કવિની રચના વાંચી સંભળાવી હતી.

શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટ નામના એક સર્જકે, સંસ્‍થાના પ્રેસિડેન્‍ટ અને ટ્રેઝરરની પ્રશસ્‍તિ કરતા બે કાવ્‍યો રજુ કરીને, ફ્રેમમાં મઢાવીને, તેમને મીટીંગમાં અર્પણ કર્યા હતા.

દેવિકાબેન ધ્રુવે ‘જીન્‍દગીની સફર' અંગેનું સ્‍વરચિત કાવ્‍ય રજુ કર્યું હતું, સતીશ પરીખે પણ એક કૃતિ રજુ કરી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં એક નાનકડી હાસ્‍યએકાંકી સ્‍કીટનું વાંચન કરવામાં આવ્‍યું હતું. આપણા સ્‍વ. હાસ્‍યલેખક શ્રી. વિનોદ ભટ્ટના અવસાન પછી તેમને શોકાંજલિ આપતો એક લેખ શ્રી. રમેશ તન્નાએ પોઝીટીવ મીડીયા પર લખેલો તેના પરથી દેવિકાબેન અને રાહુલ ધ્રુવે નાટ્‍યરૂપાંતર કર્યું હતું. પાત્રવરણી આ પ્રમાણે કરવામાં આવી હતી. વિનોદ ભટ્ટ તરીકે ડોક્‍ટર રમેશ શાહ. યમરાજાની પત્‍ની યમીના પાત્રમાં શ્રીમતિ શૈલા મુન્‍શા, ચિત્રગુપ્તની પત્‍ની ચિત્રા તરીકે ડોક્‍ટર ઇન્‍દુબેન શાહ, તારક મહેતા તરીકે શ્રી. પ્રશાંત મુન્‍શા, અને જયોતિન્‍દ્ર દવે તથા બકુલ ત્રિપાઠીની બેવડી ભુમિકામાં શ્રી. નવીન બેન્‍કર હતા. એકાંકીના સૂત્રધાર તરીકે દેવિકાબેન ધ્રુવે નાટકના ત્રણે દ્રશ્‍યોની પાર્શ્વભૂમિકા સમજાવી હતી.

શ્રી. વિનોદ ભટ્ટને લેવા, તેમના ‘ધર્મયુગ કોલોની'ના નિવાસસ્‍થાને, યમરાજાની પત્‍ની યમી, પાડી પર બેસીને આવે છે અને તેમને લઈને સ્‍વર્ગલોકમાં જાય છે. ત્‍યાં વિનોદભાઈને અન્‍ય હાસ્‍યલેખકો જયોતિન્‍દ્ર દવે, બકુલ ત્રિપાઠી તથા તારક મહેતા મળે છે. તેમની સાથે રમુજી વાર્તાલાપ થાય છે તથા અંતમાં, વિનોદભાઈની બન્ને પત્‍નીઓ- કૈલાસબેન અને નલિનીબેન- પણ મળે છે એવી વાતને વણી લેતી આ કૃતિમાં, અન્‍ય ગુજરાતી હાસ્‍યલેખકો મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, રતિલાલ બોરીસાગર તથા હરનીશ જાનીને ય યાદ કરી લેવામાં આવેલા. સાવરકુંડલાની હોસ્‍પિટલ અને બાબા રામદેવના શવાસન અને કપાલભાતીના ઉલ્લેખોએ શ્રોતાઓને ખુબ હસાવ્‍યા હતા. ગુણવંત શાહ, દિવ્‍યભાસ્‍કર , મોદીસાહેબ અને મનમોહનસિંહના ‘રેફરન્‍સ' ટાંકીને રૂપાંતરકારે કમાલ કરી છે. સાહિત્‍ય એકેડમી અને સાહિત્‍ય પરિષદના ઉલ્લેખોએ પણ સારૂં એવું મનોરંજન પુરૂ પાડ્‍યું હતું. વોટ્‍સ-અપ અને ‘ફેઇસબુક'ના ઉલ્લેખો અને સ્‍વર્ગનું ચિત્રણ-સુંદર અપ્‍સરાઓ, અને વૃક્ષ નીચે બેઠેલા જયોતિન્‍દ્ર દવે તથા બકુલ ત્રિપાઠી તેમ જ, ઝાડની ડાળી પર લગાડેલા હિંચકા પર ઝુલી રહેલા તારક મહેતાનું ચિત્ર શ્રોતાઓ સમક્ષ આબેહુબ ચિત્રિત કરીને રૂપાંતરકારોએ પ્રશંસાની ખંડણી મેળવી લીધી હતી.

હ્યુસ્‍ટનની ગુજરાતી સાહિત્‍ય સરિતાની આ લેખિકા દેવિકા ધ્રુવે પોતાના કાવ્‍યસંગ્રહો, સંકલન અને બ્‍લોગ પરની ‘પત્રશ્રેણી'પર હાથ અજમાવ્‍યા બાદ હવે નાટ્‍યલેખન અને નાટ્‍યરૂપાંતર દ્વારા સાહિત્‍યક્ષેત્રે હરણફાળ ભરી છે.

ત્રણ કલાકની આ બેઠકના અંતે સૌ સભ્‍યો અને શ્રોતાઓ ચાહ-બિસ્‍કીટનો નાસ્‍તો લઈને, શ્રી. જયંત પટેલ દ્વારા લેવાયેલ ગ્રુપ ફોટા બાદ વિખરાયા હતા.

આજની બેઠકમાં, દ્યણા સમય પછી ફરી પાછો આ એક નવીન પ્રયોગ થયો જેને સૌએ વધાવી લીધો. તેવુ શ્રી નવીન બેર્કરના અહેવાલ તથા શ્રી જયંત પ્ટેલનો ફોટો સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(12:07 am IST)