એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th February 2019

એચ-૪ના વીઝાના પ્રોગ્રામને રદ્દ કરવા માટેના કેસમાં અપીલ્સ કોર્ટમાં ૧પમી એપ્રીલ સુધીની મુદ્દત પડીઃ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીના અધીકારીઓએ આ મુદ્દત સુધીમાં પોતાનો જવાબ રજુ કરવાનો રહેશેઃ લાંબા સમયથી આ કેસમાં એક યા અન્ય કારણોસર મુદ્દત પડતી આવેલ છે અને આ સમગ્ર કેસ પર તેની વિપરીત અસર જોવા મળે છે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીના અધીકારીઓએ એચ-૪ વીઝાધારકોના વીઝા રદ્દ કરવા માટે જે કાર્યવાહી હાથ ધરેલ તેની સામે સેવ જોબ યુએસએ ડી.સી. સર્કીટ કોર્ટ અપીલ્સમાં અરજી કરી એચ-૪ના વીઝા ધારકોના વીઝા રદ્દ ન કરવા અરજ ગુજારેલ છે અને તે કેસમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડના અધીકારીઓએ તેનો વળતો જવાબ આપવાની મુદ્દત વધારવા માટે નામદાર ન્યાયધીશ પાસે થોડોસમય માંગતા તે મંજુર કરવામાં આવેલ છે અને હવે તે એપ્રીલ માસની ૧પમી તારીખ સુધીમાં તે અંગેનો જવાબ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટી સત્તાવાળાઓએ રજુ કરવાનો રહેશે.

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વહીવટી તંત્રના અધીકારીઓએ જે લોકોને અમેરીકામાં કાયમી વસવાટ કરવાનો અંક પ્રાપ્ત થનાર છે તેમના પતિ અથવા પત્નીને એચ-૪ વીઝા આપીને કામ કરવાની તક પ્રાપ્ત થાય એવી જોગવાઇ કરવામાં આવેલ છે અને એક અંદાજ અનુસાર ૧૭૯૦૦૦ જેટલા લોકોએ આ પ્રોગ્રામનો લાભ લીધો હતો અને તેમાં ખાસ કરીને ભારતીય મહિલાનો સમાવેશ થાય છે.

આ અંગે જાણવા મળે છે તેમ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો પોતાના હસ્તક પ્રાપ્ત કર્યા બાદ તેમણે એચ-૪નો પ્રોગ્રામ રદ્દ કરવાની જાહેરાત કરી હતી અને ૨૦૧૭ના વર્ષથી અત્યાર સુધી તે ખેંચાતો આવેલ છે. ગયા વર્ષના ઓગષ્ટ માસ દરમ્યાન હોમલેન્ડ સીકયોરીટીના ઉચ્ચ અધીકારીઓ આ અંગે આ પ્રોગ્રામ રદ્દ કરવા માટે જરૃરી નોટીસો તૈયાર કરી રહ્યા છે એવું કોર્ટને જણાવ્યું હતું અને તેની મુદ્દતમાં જાન્યુઆરી માસની ૨૩મી તારીખ સુધીનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ આ સમયગાળા દરમ્યાન સરકારમાં તાળાબંધીનો અમલ શરૃ થયો એટલે સમગ્ર વહીવટી તંત્ર કાર્ય કરતુ બંધ થઇ જવા પામ્યુ હતું અને આ અંગેની રજુઆત કોર્ટમાં થતા હવે નામદાર ન્યાયાધીશે એપ્રીલ માસની ૧પમી તારીખ સુધીની મુદ્દત લંબાવી આપેલ છે અને તે તારીખ સુધીમાં સેવ જોબ યુએસએ જે કેસ કરેલ છે તે અંગે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીના અધીકારીઓએ પોતાનો જવાબ કોર્ટમાં રજુ કરવાનો રહેશે.

વધારામાં અપીલ્સ કોર્ટના નામદાર ન્યાયાધીશે ઇમીગ્રેશન વોઇસ નામની સંસ્થાને આ કેસમાં ઇન્ટરવેનર તરીકે જોડાવાની મંજુરી આપી જે આશ્ચર્ય પમાડે એવું છે. સામાન્ય રીતે અપીલ્સ કોર્ટમાં આવુ બનતું નથી. પરંતુ આમ બનતા સૌને આશ્ચર્ય પમાડે તે બીના બનવા પામેલ છે.

ગયા જાન્યુઆરી માસમાં સેવ જોબ યુએસએ એક નવી અરજી નામદાર કોર્ટને આપેલ છે અને તેમાં જણાવવામાં આવેલ છે કે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીના અધીકારીઓને એચ-૪ વીઝા આપવાનો કે મંજુર કરવાનો અધીકાર છે કે કેમ? કારણ કે, અમેરીકાના લેબર જોબ માર્કેટને તેની અવળી રીતે અસર કરે છે.

આ અંગે અમેરીકાના સેનેટર અને આગામી ૨૦૨૦ના વર્ષના પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરીએ તેમજ કિર્સ્ટન ગીલીબ્રાન્ડે હોમલેન્ડ સીકયોરીટી ડીપાર્ટમેન્ટને પત્ર પાઠવીને એચ-૪ વીઝાનો પ્રોગ્રામ ચાલુ રાખવા વિનંતી કરેલ છે તેમજ વોશીંગ્ટન ડીસીના હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના અગ્રગણ્ય નેતા પ્રમીલા જયસ્વાલે પણ લાગતા વળગતા ખાતાઓને પત્ર પાઠવી આ પ્રોગ્રામ રદ્દ ન કરવા અરજ ગુજારી છે. તેઓ હાઉસમાં ૧૩૦ જેટલી મહિલાની સભ્ય સંખ્યા ધરાવતા જુથના નેતા છે.

 

(7:04 pm IST)