એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th February 2019

એટલાન્ટાના જાણીતા બીઝનેસમેન કેતન શાહની કેલીફોર્નિયામાંથી કરેલી ધરપકડઃ સુપર બોલ ગેઇમની ટીકીટના નાણા જેની કિંમત એક મીલીયન ડોલર જેટલી થવા જાય છે તેનુ કૌભાંડ આચરી મિત્રોને ટીકીટ ન આપી નાણા લઇ રફુચકકર થઇ ગયો અને કેલિફોર્નિયાના ટેચ્યૂલામાં આવેલ પેચંગા કેસિનો અને રીર્સાર્ટમાં ઐયાસી જીવન વિતાવતો હતોઃ કેસિનોના કર્મચારીને શક પડતા સત્તાવાળાઓને બોલાવી ભાગેડુ કેતન શાહની કરેલી ધરપકડઃ પોતાની પત્નીએ છુટાછેડાની શરૂ કરેલી કાર્યવાહી

(કપિલા શાહ દ્વારા)  શિકાગોઃ જર્યોજીયા રાજયના એટલાન્ટા શહેર નજીક  નાક્રોસ પરસાણા ડીજીટલ એક્ષપ્રેસ પ્રિન્ટીંગ વ્યવસાય કરતા  જાણીતા બીઝનેસમેન કેટલાક સમયથી સૂપર બોલની ટીકીટમાં એક મીલીયન ડોલરનું કૌભાંડ આચરીને નાસતો ફરતો હતો તે કેતન શાહની કેલીફોર્નિયાના સતાવાળાઓએ ધરપકડ કરતા સર્વત્ર જગ્યાએ રાહતની લાગણીઓ ફેલાઇ જવા પામેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ જયોર્જીયા રાજયના ગ્વિનનેટ કાઉન્ટીમાં રહેતા કેતન શાહ આ વિસ્તારનાં  જાણીતા બીઝનેસમેન છે અને તેમણે અનેક સાથે સતત સંપર્ક કેળવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસની ત્રીજી તારીખે સુપર બોલની ફૂટબોલની ગેઇમ એટલાન્ટામાં આવેલી મર્સીડીઝ બેન્ઝના સ્ટેટીયમમા રમાનાર હોવાથી તે મેચ નિહાળવા  માટે અનેક લોકોને ટીકીટ ખરીદ કરવાની હોવાથી તેમાના મોટા ભાગના  લોકોનો સંપર્ક કેળવી હજારો ડોલર તેમણે ઉઘરાવ્યા હતા. અને જેમ જેમ રમતની તારીખ નજીક આવતી હતી તે પહેલા કહેવાય છે કે તેમણે આ ટીકીટમાં એક મીલીયન ડોલરનું કૌભાંડ આચરી તે રફુચક્કર થઇ ગયો હતો. અને જેમણે આ રમત  જોવા નાણાં આપેલ તેમને  રોવાનો સમય આવ્યો હતો.  ૩જી ફેબ્રુઆરીના રોજ ન્યુ ઇગ્લેન્ડના પેટ્રિયોટસ  અને લોસએન્જલસની રેમ્સની ટીમો વચ્ચે રમાયેલી રમતમાં પેટ્રિયોટસનો ભવ્ય વિજય થયો હતો.

જર્યોજીયાના  પોલીસ સત્તાવાળાઓએ ભાગેડુ કેતન શાહનો પત્તો મેળવવા જરૂરી પ્રયાસો હાથ  ધર્યા હતા. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.પરંત઼ આ ભાગેડુ કેતન શાહ કેલીફોર્નિયાના ટેચ્યૂલા પેચાંગ કેસિનો અને રીસોર્ટમા પોતાનું ઐયાસી જીવન ગુજારતો હતો. પરંતુ તેના કમનસીબે આ કેસીનોમા ફરજ બજાવતા ૧૯ વર્ષના એક કર્મચારીની નજર તેના પર પડતા આ ભાગેડુ કેતન શાહ હોવાનુ માલુમ પડતા તેણે કેસિનોના ઉપલા સત્તાવાળાઓને જાણ કરતા તેમણે પોલિસ અધિકારીઓને જાણ કરતા તેની ધરપકડ કરી હતી.  અને હાલમાં તે કેલીફોર્નિયા રાજયના સત્તાવાળાઓની હકુમતમાં છે એવું જાણવા મળેલ છે.

ભાગેડુ કેતન શાહની પત્ની ભાવીએ ગયા જાન્યુઆરી માસમા તે લાપતા થઇ ગયેલો જાહેર કર્યુ હતુ. અને તેની કોઇ પણ પ્રકારની માહીતી તેણીની પાસે નથી એવું સર્વેને  જણાવ્યુ હતુ.  આ અંગે જાણવા મળે છે તેમ ત્રણેક અઠવાડીયા પહેલા ભાવીએ એક અગત્યની મીટીંગ બોલાવી હતી અને તે વેળા પ્રીન્ટીંગ પ્રેસના પ્રેસિડન્ટ તરીકે પોતાના પતિ કેતન શાહને હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેમજ તે કોઇપણ જાતનો નાણાકીય વ્યવહાર બેંકો સાથે ન કરે તેની સ્પષ્ટ સૂચના લાગતા વળગતાઓને આપી હતી.

આ અંગે વધારામાં જાણવા મળે તેમ ભાગેડૂ કેતન શાહ સાથે પોતાનું દાંપત્ય જીવન વધુ સમય માટે ન નિભાવી શકે તેમ લાગતા ભાવીએ છુટાછેડા લેવાનો નિર્ણય કરેલ છે અને તેની કાર્યવાહી તેણીએ શરૂ કરી દીધેલ છે.

કેતન શાહને એટલાન્ટા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.  અને તેને  ત્રણ થી ચાર અઠવાડિયામા જેટલો સમય નીકળી જશે એવું વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળેલ છે.

 

(9:21 pm IST)