એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th January 2019

વ્હાઇટ હાઉસમાં શટડાઉનની ચર્ચા કરવા માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા હાઉસના સ્પીકર નેન્સી પલોસી તેમજ સેનેટના લઘુમતિ પક્ષના નેતા ચક શ્યુમર અને અધીકારીઓ વચ્ચે યોજવામાં આવેલ મીટીંગઃ દિવાલના પ્રશ્ને એકમત ન કેળવાતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મીટીંગ છોડી જતા મંત્રણા ભાંગી પડીઃ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પહેલા શટડાઉનનો અંત લાવવા રજુઆત કરી જ્યારે પ્રમુખે સરહદે દિવાલના નાણાં મંજુર કરવા માંગણી કરી પરંતુ આ અંગે એકમત ન સધાતા પ્રમુખ મીટીંગ છોડી ગયા

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સરકારી તંત્રના કેટલાક વિભાગો છેલ્લા ૧૯ દિવસથી જરૃરી નાણાંકીય ખર્ચના અભાવે કાર્ય કરતા બંધ પડી ગયેલા છે અને આજે બુધવારે નવમી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વ્હાઇટ હાઉસમાં ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ માઇક પેન્સ તેમજ અધીકારીઓ વચ્ચે મડાગાંઠનો યોગ્ય ઉકેલ આવી શકે તે માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અમેરીકાના પ્રમુખે સરહદે દિવાલ બાંધવા માટે જરૃરી ફંડની માંગણી કરતા ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના નેતા નેન્સી પલોસી અને સેનેટના લઘુમતી પક્ષના નેચા ચક શ્યુમરે સૌથી પહેલા છેલ્લા ૧૯ દિવસથી કેન્દ્ર સરકારના કેટલાક ખાતાઓ કાર્ય કરતા બંધ થઇ ગયેલા છે તે તમામ ખાતાઓ કાર્યવંત બને અને કર્મચારીઓને જરૃરી પગારના નાણાં મળે તે દિશામાં કાર્ય કરવું જોઇએ અને તેમ થયા બાદ સરહદોની સુરક્ષા અંગે જરૃરી ચર્ચા હાથ ધરી શકાય. પરંતુ પ્રમુખ આ રજુઆત સાથે સહમત થયા ન હતા અને પોતે સરહદે દિવાલ બાંધવા માટે પ.૭ બીલીયન જેટલા ડોલરની માંગણી મંજુર કરવા રજુઆત કરી હતી ત્યારે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ આ નાણાં મંજુર કરવા ચોખ્ખી ના પાડી હતી. આથી અમેરીકાના પ્રમુખ ઉભા થઇ મીટીંગ છોડીને ચાલ્યા ગયા હતા અને તે વેળા તેમણે જણાવ્યું હતું હવે સમય બરબાદ કરવાનો કોઇ અર્થ નથી. તેથી આ મીટીંગ કોઇપણ જાતનો નિર્ણય લીધા વિના પડી ભાંગી હતી.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આવા વર્તનથી ગુસ્સે ભરાયેલા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે સરકારી વહીવટી તંત્રના જે ખાતાઓ કાર્ય કરતા બંધ થયેલા છે તે પુનઃ શરૃ કરવા માટે અમારો જે પ્લાન હતો તે પ્રત્યે તેમણે જે ધ્યાન આપવું જોઇએ તે આપ્યુ ન હતું અને એક વખત આ કાર્ય પૂર્ણ થયા બાદ સરહદોની સુરક્ષા અંગે જરૃરી વિચારણા થઇ શકે પરંતુ આ બની શકયુ ન હતું. આજે કેન્દ્ર સરકારના આઠ લાખ કર્મચારીઓ પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે તેમજ વિના વેતને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના પ્રત્યે આપણી સહાનુભુતિ હોવી જોઇએ તેના બદલે તેમની ઉપેક્ષા કરીએ એ કોઇના પણ હિતમાં નથી એવું ડેમોક્રેટીક પક્ષના નેતાઓએ જણાવ્યું હતું.

હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ આ વેળા વધારામાં જણાવ્યું હતું કે અમેરીકાના પ્રમુખનો ઉછેર ધનાઢ્ય કુટુમ્બમાં થયેલો હોવાથી તેઓ પોતાના પિતાશ્રી પાસે જોઇએ તેટલા પૈસા માંગી શકે છે. પરંતુ અમો તે પદ્ધતિમાં માનતા નથી. અમારા માટે સર્વ પ્રથમ અમેરીકન પ્રજા અને તેની સાથે આ દેશ છે એવું જણાવ્યું હતું.

આ મીટીંગ છોડી જતા પહેલા હાઉસના સ્પીકર નેન્સી પલોસીને પુછ્યુ હતું કે તમો મારી માંગણી મુજબ સરહદે દિવાલના નાણાં મંજુર કરવા ઇચ્છો છો કે કેમ ? તેના પ્રત્યુત્તરમાં નેન્સી પલોસીએ ચોખ્ખી ના પાડી હતી. ત્યાર બાદ તેમણે એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે નેન્સી પલોસી તથા ચક શ્યુમર સાથેની મીટીંગ માટે સમય બરબાદ કરવા સિવાય કંઇ પરીણામ મેળવી શકાય તેમ નથી.

અમેરીકાની ૨૦૦ માઇલની સરહદોની સુરક્ષા માટે પ.૭ બીલીયન ડોલરની તેમણે માંગણી ઉચ્ચારી હતી. પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ સરકારી તંત્રના બંધ ખાતાઓ પુનઃ કાર્યવંત બને તેવી માંગણ કરી હતી. રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્ત સાથે સરકારી તંત્રના કેટલાક ખાતાઓમાં શટડાઉન ચાલુ છે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આવતીકાલે ગુરૃવારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદનું નિરીક્ષણ કરવા ટેક્ષાસ રાજ્યના મેકએલન વિસ્તારની મુલાકાત લેશે.

(6:18 pm IST)