એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th December 2017

ડો. ધડુકઃ વૈવિધ્યસભર વ્યકિતત્વ

વિશ્વખ્યાત તબીબ,ઉદ્યોગ ક્ષેત્રે અવ્વલ,સમાજસેવામાં અગ્રેસર... સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાંથી માંડીને અમેરિકા સુધી નેટવર્ક

રાજકોટઃ ડો.વિઠ્ઠલભાઇ ધડુક બહુવિધ વ્યકિતત્વ ધરાવે છે ક્ષેત્રોની વૈવિધ્યતા એમની વિશેષતા છે તેઓ અમેરિકા ખાતે તબીબી સેવામાં સંકળાયેલા છે. વિશ્વખ્યાત ન્યુરોલોજીસ્ટ છે. ઉપરાંત ઉદ્યોગ-ક્ષેત્રે પણ ડો.ધડુક અવ્વલ છે. ફાર્મા સહિતના ક્ષેત્રોની કંપનીઓ સાથે સંકળાયેલા છે. સમાજ સેવામાં પણ ડો. ધડુક અગ્રેસર છે

સ્વામિનારાયણ ગુરૂકુળ સહિત અનેક સંસ્થાઓના સેવાકાર્યોમાં તેઓની સક્રિય ભૂમિકા છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાથી માંડીને અમેરિકા સુધી ડો.ધડુકનું નેટવર્ક ધમધમે છે તેઓ પાસે એક મિનિટનો પણ સમય નથી, પરંતુ અચકાતા નથી.

ગુજરાતના નાકરા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા તથા શ્રમ અને સંસ્કારી જીવન સાથે ઉછરેલા ૧૯૮૩ની સાલથી અમેરિકામાં સ્થાયી થયેલા ન્યુરોલોજીસ્ટ ડો.વિઠલભાઇ ધડુકની સંગઠન શકિત, આરોગ્ય ક્ષેત્રે સતત સંશોધનો, સમાજ માટે સખાવત, નવી પેઢીને શિક્ષણ સજ્જ કરવાની નેમ, સહિતનું તેમનું વ્યકિતત્વ વિદેશની ધરતી ઉપર ગુજરાતનું ગૌરવ વધારનારૂ છે

તેમનામાં રહેલી સૂઝ બુઝની પરખ ૧૯૮૩ની સાલમાં અમદાવાદ આવેલી અમેરિકાના વીઝીટીંગ ડોકટરોની ટીમએ કરી બતાવી હતી. જયારે તેઓ બીજે મેડીકલ કોલેજમાં એમ.ડી.પુરૂ કરવાની તૈયારીમાં હતા. આ ડોકટરોએ તેમને આસીસ્ટન્ટ ફીઝીશીયન તરીકે અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું.

અને અહીંથી જ શરૂ થયો ડો. વિઠલભાઇના જીવનનો નવો વળાંક અમેરિકાના પેન્સિલ્વેનિઆમાં પત્ની શ્રીમતિ રંજનબેન, તથા સંતાનો દર્પણ, અમર અને પાયલ સાથે ફેમિલી લાઇફ જીવતા ડો.ધડુકએ તબીબી, ફાર્મસી, સંશોધન સહિતના ક્ષેત્રે ખેડાણ કરવાની સાથોસાથ રિઆલીટી, આતિથ્ય સહિતના ક્ષેત્રોમાં પણ કાઠુ કાઢયું છે. તેમ છતાં માત્ર નાણાંને મહત્વ આપવાને બદલે સમાજસેવા તથા શિક્ષણને મહત્વ આપવાનું પણ તેઓ ચૂકયા નથી.

ડો.વિઠલભાઇએ વતન નાકરામાં નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા બાળકોને સહાય કરવાનો યજ્ઞ શરૂ કરી દીધો છે. તેમજ આરોગ્ય સેવા તો તેમના દિલમાં વસે છે. જેના મૂળમાં તેમના પૂજય માતુશ્રીનું અચાનક સ્ટ્રોકથી થયેલું અવસાન છે. જયારે તેઓ અમેરિકા હતા અને માતુશ્રી અચાનક સ્ટ્રોકનો ભોગ બનતા તેમની સેવા કરવાની તક મેળવી શકયા નહોતા. તેથી જ તેમના સંશોધનોનો મુખ્ય વિષય સ્ટ્રોક તથા અલ્ઝાઇમરની સારવાર રહ્યો છે. એટલું જ નહિં આવા દર્દો ન થાય તે માટે શું પગલા લેવા તે બાબતે પણ તેઓ હંમેશા ચિંતીત રહ્યા છે. તેમજ સીટી સ્કેન, EEG, બ્રેઇન મેપીંગ એકયુટ સ્ટ્રોક સહિતના પરીક્ષણો તેમજ મેડીસીન ક્ષેત્રે તેમના સંશોધન પત્રો ૧૯૮૭ની સાલમાં અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીમાં પ્રસિધ્ધિ પામેલા છે.

તેઓ અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજી, પેન્સીલ્વેનિઆ મેડીકલ સોસાયટી, અમેરિકન મેડીકલ એશોશિએશન, પાર્કિસન્સ સપોર્ટ ગૃપ, નેશનલ હેડેક ફાઉન્ડેશન તથા અલ્ઝાઇમર્સ સપોર્ટ ગૃપ સાથે જોડાયેલા છે.

વિવિધ સામાજીક તથા સેવાકીય સંસ્થાઓને સતત સખાવતો કરવાનું ચાલુ રાખવાની સાથોસાથ હવે પ્રત્યક્ષ પણે તથા અસરકારક રીતે સખાવતનો યજ્ઞ ચાલુ રાખવા તેઓ ધડુક ચેરીટેબલ ટ્રસ્ટના નિર્માણ માટે કાર્યરત થયા છે.

સમાજમાંથી મેળવેલું સમાજને અર્પણ કરવાની ઉદાત ભાવના સાથે એક સાધારણ ખેડુત પરિવારમાં જન્મેલા આ ધરતીપુત્ર માટે માત્ર ગુજરાત કે ભારત જ નહિં પરંતુ અમેરિકા પણ ગૌરવ અનુભવે છે.

(11:43 am IST)