એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th September 2019

" દિલકી બાત બતા દેતા હૈ અસલી નકલી ચહેરા " : ગુજરાતના 32 વર્ષના યુવાને 81 વર્ષના વૃધ્ધનો વેશ ધારણ કર્યો : વૃદ્ધ વ્યક્તિના અસલી પાસપોર્ટ ઉપર અમેરિકા જવા માંગતા અમદાવાદના યુવાનનો ભાંડો ફૂટી ગયો : ચહેરા ઉપર એક પણ કરચલી નહીં જોવા મળતા પકડાઈ ગયો

ન્યુદિલ્હી : કોઈ પણ ભોગે અમેરિકા જવા ઇચ્છતા ગુજરાતના અમદાવાદના 32 વર્ષીય યુવાન જયેશ પટેલ  એજન્ટ મારફત 81 વર્ષીય વૃધ્ધનો અસલી પાસપોર્ટ મેળવી ન્યુદિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચી ગયો હતો.તેણે વાળ અને દાઢી સફેદ કલરના કરી નાખી વૃદ્ધ જેવા ચશ્મા, પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ના જાય એટલે તે વ્હિલચેરમાં એરપોર્ટ ગયો હતો. જોકે, આ યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને છેવટે ચામડીના કારણે ઝડપાઈ ગયો હતો

રાત્રે 10:45 વાગ્યે ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં સવાર થવાનો જ હતો, ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું, પરંતુ તે ‘વૃદ્ધ’ ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો. બાદમાં વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ કારણ કે, આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી. એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધુ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મતારીખ 1 ફેબ્રુઆરી, 1938 હતી. છેવટે તેની સઘન પૂછપરછ કરતા ખબર પડી કે, તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. આ યુવક અમદાવાદનો 32 વર્ષીય યુવક છે. આ યુવક ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:51 am IST)