એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 11th April 2018

'ટીવી જોવાનું ઘેલુ' : દરરોજ સરેરાશ ૩ કલાક કરતા પણ વધુ સમય માટે ટીવી જોતા લોકોમાં અમેરિકન તથા કેનેડીયન અગ્રક્રમેઃ યુવા પેઢીમાં મોબાઇલ ઉપર ઓનલાઇન વિષયો જોવાનો ક્રેઝઃ યુરોડેટા ટીવી વર્લ્ડ વાઇડનો સર્વે

યુ.એસ.: વિશ્વમાં ટીવી જોવાનું વ્યસન કેટલું વ્યાપક છે તેનો ૨૦૧૭ની સાલનો સર્વે તાજેતરમાં યુરોડેટા ટીવી વર્લ્ડવાઇડ દ્વારા કરાયો હતો. જેમાં જાણવા મળ્યા મુજબ વિશ્વના લોકો સરેરાશ દરરોજ ૩ કલાક માટે ટીવી જુએ છે.

ત્રણ કલાક કરતાં પણ વધુ સમય માટે ટીવી જોનારા લોકોમાં અમેરિકન તથા કેનેડીયન અગ્રક્રમે છે. જેઓ પ્રતિદિન સરેરાશ ૪ કલાક અને ૩ મિનીટ માટે ટીવી સ્ક્રીન સામે બેઠા રહે છે. ત્યાર પછીના ક્રમે યુરોપિયન લોકો આવે છે. જેઓ દરરોજ સરેરાશ ૩ કલાક અને ૪૯ મિનીટ ટીવી જોવામાં વીતાવે છે. બ્રાઝિલ, રશિયા સહિત ૯પ દેશોના સર્વે દ્વારા જાણવા મળ્યા મુજબ વર્તમાન સમયમાં ઓનલાઇન જોવા મળતા નેટફિલકસ, એમેઝોન સહિતના વિષય વસ્તુઓ વચ્ચે પણ ટીવી જોવાનો લોકોનો મોહ ઓછો થવાને બદલે વધ્યો છે તેવું MIPTVના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રેડરિક વોલ્પ્રેએ જણાવ્યું હતું કે જેઓ કેનેડા, ફ્રાન્સ સહિતના દેશોમાં જબરૂ ટીવી માર્કેટીંગ ધરાવે છે.

જો કે સર્વેમાં જણાવ્યા મુજબ નોર્થ અમેરિકા તથા એશિયામાં ટીવી જોવાના પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેની સામે સાઉથ અમેરિકા તથા યુરોપમાં આ પ્રમાણ ખાસ્સુ એવું વધ્યુ છે.

આ બધા વચ્ચે એશિયન પ્રજાજનો ટીવી પાછળ ઓછો સમય ફાળવતા હોવાનું જણાયું છે. જે પ્રતિદિન બે કલાક ૨પ મિનીટ ટીવી જુએ છે. જ્યારે યુવા પેઢી મોબાઇલ ફોન ઉપર વધુ સમય ગાળતી જોવા મળી છે. ડીજીટલી એવાન્સ ગણાતા સ્વિડનના લોકો બે કલાક કરતા થોડો ઓછો સમય ટીવી જોવામાં ગાળે છે. જોકે ટીવી દર્શકોમાં વિશ્વ ક્ષેત્રે ઘટાડો થયાની વાત સાચી જણાઇ નથી.

ટીવી પ્રોગ્રામ તથા ફોર્મેટ નિકાસ ક્ષેત્રે અમેરિકા તથા બ્રિટન અગ્રક્રમે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:16 pm IST)