એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th January 2020

" આર્ટીફીસીયલ હ્યુમન " : સામાન્ય માણસો જેવા જ લાગતા અને વ્યવહાર કરતા કૃત્રિમ માણસોનું સર્જન : સ્ટાર લેબ્સના સીઇઓ શ્રી પ્રણવ મિસ્ત્રીની દુનિયાને અનોખી ભેટ

ન્યુયોર્ક : ગુજરાતના પાલનપુરમાં  જન્મેલા વૈજ્ઞાનિક શ્રી પ્રણવ મિસ્ત્રીએ આર્ટીફીસીયલ હ્યુમન એટલેકે કૃત્રિમ માનવી બનાવી સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી છે.જેને NEON ( નિયોન ) નામ અપાયું છે.

દુનિયાના સૌથી મોટા કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં સ્ટાર લેબ્સે આર્ટિફિશિયલ હ્યુમન રજૂ કર્યો, જેને NEONs નામ અપાયું છે. સ્ટાર લેબ્સને ફંડિંગ સેમસંગે કર્યું છે. સ્ટાર્ટઅપ કંપનીએ જે આર્ટિફિશિયલ હ્યુમન રજૂ કર્યા, તે દેખાવમાં માનવી જેવા જ છે. કંપનીના મતે આર્ટિફિશિયલ હ્યુમન માનવીની  જેમ વાત કરવામાં  અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં પણ સક્ષમ છે. કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઇ ટેકનિકથી બનેલા હ્યુમને વાતચીત અને ઇશારા પણ પ્રર્દિશત કર્યા. કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ સ્ટાર લેબ્સ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગની સહાયક યુનિટ છે.  આ ટેકનિકની મદદથી એવા ડિજિટલ બિઇંગ્સને તૈયાર કરી શકાશે, જે ડિસપ્લે કે વીડિયો ગેમ્સમાં નજરે પડશે કે તેમને ટીવી એન્કર, પ્રવક્તા, ફિલ્મ કલાકાર કે સાથી અને મિત્ર જેવો પણ ડિઝાઇન કરી શકાય એમ છે. સ્ટાર લેબ્સના સીઇઓ પ્રણવ મિસ્ત્રીનું કહેવું છે કે આ એઆઇ એક રીતે માનવીના મોડેલ પર જ બનાવાયો છે અને તે અત્યાધિક વિસ્તૃત ભાવ-ભંગીમા દર્શાવી શકે છે. કંપનીએ આર્ટિફિશિયલ હ્યુમનનું નામ નિયોન રાખ્યું છે. મિસ્ત્રીના મતે એઆઇ મોડેલના સ્વભાવને પ્રોગ્રામ પણ કરી શકાય છે.

ભારતમાં જન્મેલા મિસ્ત્રીના મતે તે માનવીની જેવા દેખાય છે કેમકે તેનું મોડેલ માનવી જેવું જ તૈયાર કરાયું છે. મિસ્ત્રી કહે છે કે એઆઇ હ્યુમન એ ભાષા પણ બોલી શકે છે કે જેને ક્યારેય કોઇ શખ્સે બોલી નહીં હોય કેમકે તેને પ્રોગ્રામ કરવાની સુવિધા છે. મિસ્ત્રી કહે છે કે આ રીતે ડિજિટલ બિઇંગ્સ તૈયાર કરવો એક જાદુ જેવું છે અને તે આ જાદુની દુનિયા સમક્ષ જાહેર કરવા ઇચ્છે છે.

મૂળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. હૈદારાબાદમાં માઇક્રોસોફ્ટમાં જોબ સ્વીકારી સ્પોન્સરશીપથી પીએચડી કરવા અમેરિકા ગયા બાદ ‘સિકસ્થ સેન્સ’ના સંશોધક બન્યા. જેમાં હાર્ડવેરના વિવિધ ભાગોને ગળામાં લટકાવી શકાય તેવા મોબાઇલમાં ડિવાઇસ ફીટ કરેલા હોય છે. અને ખિસ્સામાં રાખેલ મોબાઇલ કમ્યુટિંગ ડિવાઇઝ સાથે બ્લુટુથ દ્વારા પ્રોજેકટર અને કેમેરા જોડેલા હોય છે. પ્રણવે માઇક્રોસોફટ, ગુગલ, નાસા, યુનેસ્કો, કોર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી કંપનીઓમાં કામ ર્ક્યું છે. હવે તેમણે આર્ટિફિશિયલ હ્યુમન NEONs રજૂ કર્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)