એન. આર. આઈ. સમાચાર
News of Monday, 5th November 2018

અમેરિકામાં વર્તાઇ રહેલી તબીબોની તંગી નિવારવા માટેનું ઐતિહાસિક પગલુઃ ભારતીય તબીબો માટે H-1B વીઝા પ્રક્રિયા ઝડપી બનાવવા તથા વહેલી તકે નાગરિકત્વ આપી દેવા હિમાયત કરતું બિલ સેનેટમાં રજુ કરાયું: AAPI દ્વારા સેનેટર રોજર વિકર સમક્ષ કરાયેલી રજુઆતનો સાનુકૂળ પડઘો

વોશીંગ્ટનઃ યુ.એસ.માં મિસ્સીસિપ્પી (R) સેનેટર રોજર વિકરએ અન્ય ડઝન ઉપરાંત સેનેટરોના સમર્થન સાથે સેનેટમાં 5.281 બિલ રજુ કર્યુ છે. જેમાં ભારતીય તબીબો માટેની H-1B વીઝા પ્રક્રિયા ઝડપી બનાવવા તથા વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીય મૂળના તબીબોને વહેલી તકે નાગરિકત્વ આપવા રજુઆત કરાઇ છે.

અમેરિકાના સૌથી મોટા ગણાતા તથા ૧ લાખની મેમ્બરશીપ ધરાવતા ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI) ના કો-ચેર ડો.સંપટ શિવાંગીએ જણાવ્યા મુજબ AAPI આગેવાનો આ પ્રસ્તાવ લાવવા માટે સેનેટર રોજર વિકરને એપ્રિલ ૨૦૧૮માં મળ્યા હતા. તથા યુ.એસ.માં વરતાઇ રહેલી તબીબોની તંગી નિવારવા ભારતીય તબીબો માટે ઉપરોકત સુવિધા વધારવા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે યુ.એસ.માં માત્ર ૧ ટકા જેટલી વસતિ ધરાવતા ભારતીયો હેલ્થકેર સહિત તમામ ક્ષેત્રે સમાજ માટે યોગદાન આપવામાં અવ્વલ નંબરે છે. ખાસ કરીને હેલ્થકેર ક્ષેત્રે દર સાત તબીબો માંહેનો એક તબીબ ભારતીય મૂળનો છે. આ ભારતીય મૂળના તબીબો યુ.એસ.ના ૪૦ મિલીઅન જેટલા લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે.

અમેરિકાની વધતી જતી વસતિને ધ્યાને લેતા ૨૦૨૦ની સાલ સુધીમાં ૯૦ હજાર તબીબોની તથા ૨૦૨૫ની સાલ સુધીમાં ૧ લાખ ૩૦ હજાર તબીબોની ઘટ વર્તાશે. આથી દેશનું આરોગ્ય સ્તર જાળવી રાખવા માટે આ ભારતીય મૂળના તબીબો માટે વીઝા નિયમો તથા ગ્રીન કાર્ડ પોલીસીમાં સુધારા કરવા જરૂરી છે.

AAPI દ્વારા કરાયેલી ઉપરોકત રજુઆતના સાનુકૂળ પડઘા પડ્યા છે. તેથી બિલ સેનેટમાં રજુ થયું છે. જે સર્વાનુમતે પસાર થાય તેવી આશા રાખવામાં આવે છે.

(UNN માંથી સાભાર)

(8:34 pm IST)