એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th June 2018

અમેરિકામાં ભારતની સંસ્કૃતિનું ગૌરવ વધારતો ઇન્ડિયન અમેરિકન યુવાન કેલ પટેલ : પરિવારની માલિકીના સ્ટોરમાં આવેલ ગ્રાહક ૧ મિલીયન ડોલર (અંદાજે ૬ કરોડ ૬૦ લાખ રૂપિયા) ની લોટરીની ટિકિટ ભૂલી જતા તેના ઘેર પહોંચાડી

કન્સાસ : અમેરિકાના કન્સાસમાં પરિવારની માલિકીનો સ્ટોર ચલાવતા ઇન્ડિયન અમેરિકન યુવાન કેલ પટેલએ પોતાના ગ્રાહકને ૧ મિલીયન ડોલરની લોટરી ટિકિટ કે જે કાઉન્ટર ઉપર ભૂલાઇ ગયેલી મળી આવી હતી તે તેના નિવાસસ્થાને જઇ પહોંચાડી દઇ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

૩ ટિકિટો લઇ ડ્રો જોવા માટે આવેલા ગ્રાહકને ૨ ટિકિટમાં ઇનામ નહીં લાગતા ત્રીજી ટિકિટ કાઉન્ટર ઉપર ભૂલી જઇ તેઓ રવાના થઇ ગયા હતા. જે કેલ પટેલના ધ્યાનમાં આવતા તેણે જોયું કે આ ત્રીજી ટિકિટમાં  ૧ મિલીયન ડોલરનું ઇનામ લાગ્યું છે. તેથી તે ગ્રાહકને ઓળખતા હોવાથી તેના નિવાસસ્થાને ગયા હતાં. તથા લોટરી સુપ્રત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

ગ્રાહકે તેની ઇમાનદારીની કદર કરી હતી. તથા તેનો ખૂબ ખૂબ આભાર માની ૧૨૦૦ ડોલરનો ચેક ઇનામ આપ્યો હતો.

(12:42 pm IST)