એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th May 2021

કેનેડા સ્થિત ભારતીય મૂળના ત્રણ યુવાનોની ધરપકડ : મહેસુલ એજન્સીના બનાવટી એજન્ટ બની 80 વર્ષીય વૃધ્ધા સાથે 10 હજાર ડોલરની લૂંટ ચલાવી

ટોરોન્ટો : કેનેડા સ્થિત ભારતીય મૂળના ત્રણ યુવાનોની ધરપકડ થઇ છે. તેઓએ બનાવટી કંપનીના એજન્ટ બની  80 વર્ષીય વૃધ્ધા સાથે 10  હજાર ડોલરની લૂંટ ચલાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ  કેનેડામાં એક મહેસૂલ એજન્સીના નામે 80 વર્ષીય મહિલા પાસેથી પૈસા વસૂલવાના આરોપમાં ભારતીય મૂળના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તરણવીર સિંઘ (19), રણવીર સિંઘ (19) અને 21 વર્ષીય ચમનજ્યોત સિંહ નામના ત્રણ લોકોની ધરપકડ કેનેડાના બેમ્પટનથી કરવામાં આવી છે. આ બધા પર ખંડણી, ગુના કરવાના કાવતરા અને ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી સંપત્તિ હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

પ્રાદેશિક પોલીસે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું હતું કે  "સોમવારે, 3 મેના રોજ આરોપીએ પીડિતાને ફોન કર્યો હતો જેમાં પોતે  કેનેડા રેવેન્યુ એજન્સીનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો. પીડિતાને 10,000 ડોલર ઉપાડવા માટે એક બેંકમાં જવાનું  અને ત્યારબાદ કુરિયર દ્વારા બ્રેમ્પટનના  સરનામાં પર મોકલવાનું કહેવામાં આવ્યું હતું.

પીડિતાને કહેવામાં આવ્યું હતું કે જો તે સૂચનાનું પાલન નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.પોલીસે પીડિતાનો સાથ આપ્યો હતો અને જ્યારે એક વ્યક્તિ ડોલરથી ભરેલ પેકેટ એકત્રિત કરવા આવ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનામાં વધુ લોકો પણ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી તમામ રકમ વસૂલ કરી મહિલાને આપી દીધી હતી.

ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 10 જૂને ન્યૂમાર્કેટ સ્થિત ઓન્ટારિયો  કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)