એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th March 2018

‘પ્રાઇડ ઓફ બર્મિંગહામ એવોર્ડ': યુ.કે. સ્‍થિત ભારતીય મૂળના શ્રી હેરી અઠવાલને એવોર્ડ આપી સન્‍માનિત કરાશેઃ ટેરર એટેક વખતે ૭ વર્ષના બાળકને બચાવવા જાનનું જોખમ ઉઠાવ્‍યું હતું

લંડનઃ બ્રિટનમાં વસતા ભારતીય મૂળના ૪પ વર્ષીય શીખ શ્રી હેરી અઠવાલને તેણે જાનના જોખમે બતાવેલી બહાદુરી બદલ ‘પ્રાઇડ ઓફ બર્મિંગહામ' એવોર્ડથી સન્‍માનિત કરાશે.

શ્રી હેરીએ ઓગષ્‍ટ ૨૦૧૩માં બાર્સેલોનામાં થયેલા ટેરર એટેક સમયે પોતે ત્‍યાં હાજર હોવાથી એક ૭ વર્ષના બાળકને બચાવવા દોટ મૂકી હતી તથા પોલીસ કુમક આવી ત્‍યાં સુધી આ બાળકના પરિવાર પાસે હાજર રહી મદદરૂપ થવાની કોશિષ કરી હતી. જો કે, આ ટેરર એટેકથી ગંભીર રીતે ઘવાયેલો આ બાળક બચી શક્‍યો નહોતો. એટેકના કારણે કુલ ૧૩ વ્‍યક્‍તિઓના મોત થયા હતાં તથા સેંકડો ઘવાયા હતાં.

હાલમાં પણ બાળકના પરિવાર સાથે સંપર્ક ધરાવતા શ્રી હેરીનું ઉપરોક્‍ત એવોર્ડથી ૮ માર્ચ ૨૦૧૮ના રોજ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતે સન્‍માન કરાશે. જે પ્રસંગે કુલ ૧૧ એવોર્ડ વિજેતાઓને સન્‍માનિત કરાશે.

(9:46 pm IST)