એન. આર. આઈ. સમાચાર
News of Monday, 5th March 2018

ઉમીયા માતાજી સંસ્‍થા શિકાગો મીડવેસ્‍ટ રીજીયનના ઉપક્રમે ગુજરાત રાજયના ભૂતપૂર્વ મંત્રી અનીલભાઇ પટેલને શ્રધ્‍ધાંજલી અર્પવા સભાનું કરવામાં આવેલુ આયોજનઃ કડવા પાટીદાર સમાજના ભાઇ બહેનોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરીઃ સમાજના અનેક સભ્‍યોએ સ્‍વ.અનિલભાઇ પટેલને અર્પેલી શ્રધ્‍ધાંજલીઃ શિકાગો નજીક વેસ્‍ટ બાર્ટલેટ ટાઉનમાં ઉમીયા માતાજી સંસ્‍થાના સંચાલકોએ દોઢ મિલિયન ડોલરમાં પોણા નવ એકર જમીન સહીતના ચર્ચની મિલ્‍કતની કરેલી ખરીદી અને તેમાં અધતન સગવડો ધરાવતુ એક ભવ્‍ય માતાજીના મંદિરની સાથે કોમ્‍યુનીટી હોલનું નિર્માણ થશેઃ હરિભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ગુજરાત રાજયના ભૂતપૂર્વ મંત્રી અને મહેસાણા વિસ્‍તારના અગ્રગણીય કાર્યકર તેમજ ઉમીયાધામ સંસ્‍થા સાથે સંકળાયેલા એવા અનીલભાઇ પટેલનું તાજેતરમાં નિધન થતાં તેમને શ્રધ્‍ધાંજલી અર્પવા માટે કડવા પાટીદાર સમાજ શિકાગોના છત્રછાયા હેઠળ ચાલતી સંસ્‍થા ઉમીયા માતાજી સંસ્‍થા શિકાગોના મીડવેસ્‍ટ રીજીયનના ઉપક્રમે વેસ્‍ટ શિકાગોના પરગણમાં આવેલ. શ્રીઉમીયા માતાજી ટેમ્‍પલના હોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને તેમાં કડવા પાટીદાર સમાજના ભાઇ બહેનોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

આ શ્રધ્‍ધાંજલી અર્પવા માટે યોજવામાં આવેલ સભાની શરૂઆત  હાજર રહેલી મહિલાઓએ પોતાના સુંદર અને મધુર સ્‍વરોમાં ભજનોની રજુઆત કરી હતી અને આ વેળા પાટીદાર સમાજના અગ્રણીઓ જેમાં કિસન પટેલ, જયંતીભાઇ પટેલ, નરેન્‍દ્રભાઇ પટેલ, ખોડાભાઇ પટેલ, ડી.એસ. પટેલ, દેવેન્‍દ્ર પટેલ, ડો.કમલ પટેલ, નરસિંહભાઇ પટેલ, સીતારામ પટેલ, અને ડો.ચિતરંજન પટેલે પ્રાસંગીક પ્રવચનો કરી સ્‍વ.અનીલભાઇ પટેલે રાજ્‍ય તેમજ સમાજના હિતાર્થે જે સેવાના કાર્યો કરેલ હતા તેને બિરદાવવામાં આવ્‍યા અને સાથે સાથે તેમણે કડવા પાટીદાર સમાજના સૌ સભ્‍યોને ખભેખભા મેળવીને એકત્રીત રહેવા અનુરોધ કર્યો હતો કારણ કે અનીલભાઇ હંમેશા સૌ સાથે રહીને પ્રગતિના માર્ગે પ્રયાણ કરે એવી ભાવના રાખતા હતા અને તેમણે બતાવેલ માર્ગે તે પ્રસંણે કરીશું તો તેમને સાચી શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવેલ છે એમ ગણાશે.

આ વેળા કડવા પાટીદાર સમાજના અગ્રણી બાબુભાઇ પટેલ (માર્શા)એ જણાવ્‍યુ હતુ કે અનીલભાઇ આજે આપણી વચ્‍ચે નથી પરંતુ આપણા સમાજના માટે જે કાર્ય કરેલ છે તે હરહંમેશ આપણા સૌના માટે અંકિત રહેશે. તેમણે સમાજના તમામ લોકોને એકત્રિત રહી તેને મજબુત કરવાના પ્રયાસોમાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્‍યુ હતું કે અનીલભાઇ પટેલે ગુજરાત રાજયની ધારાસભામાં મહેસાણા વિભગાનુ પ્રતિનિધિત્‍વ કર્યુ હતુ અને ત્‍યાર બાદ કેન્‍દ્ર સરકારમાં વ્‍યાપાર અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે સારી એવી સેવાઓ કરી હતી. મહેસાણા જીલ્લામાં સામાજીક તેમજ શૈક્ષણીક ક્ષેત્રે પણ તેમણે પોતાનો સુંદર ફાળો આપ્‍યો હતો અને તેઓ ઉમીયા માતાજી સંસ્‍થાના પ્રમુખ હતા એવું પોતાના પ્રવચનના અંતમાં જણાવ્‍યું હતું.

ઉમીયા માતાજી સંસ્‍થા ઓફ શિકાગોના સંચાલકોએ પોતાની કુળદેવી શ્રી ઉમીયા માતાજીનુ એક ભવ્‍ય મંદિર તૈયાર કરવાનો નિર્ણય કરેલ છે અને વેસ્‍ટ બાર્ટલેટ ટાઉનમાં તેમણે દોઢ મીલીયન ડોલરના ખર્ચે પોણા નવ એકર જેટલી જમીન ધરાવતુ ચર્ચ ખરીદ કરેલ છે અને ત્‍યાં આગળ હવે એક ભવ્‍ય માતાજીનું મંદિર નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવશે.

શિકાગોમાં ઉમીયા માતાજીના મંદિરનું ભવ્‍ય નિર્માણ થનાર હોવાથી તેમના હરિભક્‍તોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઓ દ્રષ્‍ટિ ગોચર થઇ રહેલ છે.

(10:19 pm IST)